Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ જિલ્લામાં હત્યાના બનાવો વધી રહ્યા છે. જિલ્લામાં છેલ્લા એક મહિનામાં જ પાંચ હત્યાના બનાવો સામે આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ ચાર શખ્સોએ એક યુવકને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. તાલાલામાં જાહેરમાં ખેલાયેલા આ ખુની ખેલની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. હત્યાના આ બનાવમાં પોલીસે આરોપીઓને ગણતરીની કલાકોમાં જ દબોચી લઈ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, તાલાલામાં જે યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી છે તેનું નામ ધવલ પીતાંબરભાઈ લાડવા પ્રજાપતિ અને ગીર પંથકના હડમતીયાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવાન છેલ્લા સાત મહિનાથી રાજકોટની એક પરિણીતા સાથે મૈત્રી કરાર કરી તાલાલામાં રહેતો હતો. થોડા દિવસ પહેલા મૃતક અને મૈત્રી કરાર કરી સાથે રહેતી મહિલા વચ્ચે અણબનાવ બનતા પરિણીતા તાલાલામાં તેના સંબંધીના ઘરે રહેવા ચાલી ગઈ હતી. ગતરાત્રિએ ધવલ પરિણીતાને મળી પરત ફરી રહ્યો હતો ત્યારે જ રસ્તામાં નરસિંહ ટેકરી વિસ્તારમાં ઉભેલા યુવકો સાથે માથાકૂટ થઈ હતી જેમાં ચાર જેટલા શખ્સોએ ધવલની હત્યા નીપજાવી હતી. મૃતક ધવલ અપશબ્દો બોલતો હોવાના કારણે બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જોણવા મળ્યું છે. જો કે, પોલીસે ચોક્કસ કારણ જાણવા તપાસ કરી રહી છે.
તાલાલાની નરસિંહ ટેકરી વિસ્તારમાં જે બનાવ બન્યો છે તેની નજીકના CCTVમાં સામે આવ્યા છે. આ CCTVમાં દેખાઈ રહ્યું છે કે, એક તરફ લોકોનું ટોળું ઉભું છે ત્યારે ધવલ સામેની બાજુએથી ચાલીને આવી રહ્યો છે અને યુવકો સાથે બોલાચાલી કરે છે. આ સમયે જ ચાર શખ્સો ધવલ પર તૂટી પડતા એક જ મિનિટમાં ધવલ ત્યાં ઢળી પડે છે. આ સમયે અન્ય લોકો પણ ઘટનાસ્થળે બનાવને નીહાળી રહ્યા છે. જો કે, કેટલાક લોકો બાદમાં ધવલને હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ, ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
તાલાલામાં યુવકની હત્યાના બનાવ મામલે મૃતકના ભાઈ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામા આવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાના આરોપી ફૈઝલ રજાક મજગુલ ઉર્ફે રફતાર પીંજારા, સલીમ રહીમ ભટ્ટી ઉર્ફે ઈરફાન પીંજારા, ઈમરાન રહીમ ભટ્ટી અને આકાશ વાસુદેવ વ્યાસની અટકાયત કરી છે. ધવલની હત્યા પાછળ ચોક્કસ ક્યું કારણ જવાબદાર છે તે અંગે પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
એક મહિનામાં પાંચમી હત્યા
ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાણે કથળી ગઈ હોય તેમ છેલ્લા એક મહિનામાં પાંચ હત્યાના બનાવ બન્યા છે. જેથી સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. જિલ્લામાં એક મહિનામાં થયેલી પાંચ હત્યાની વાત કરીએ તો, બે તાલાલા ગીરમાં, બે વેરાવળ શહેર અને તાલુકામાં અને એક ઉના તાલુકામાં હત્યાનો બનાવ બન્યો છે. આ પાંચ હત્યાની ઘટના પૈકી ત્રણમાં તો નજીવી બાબતને લઈ હત્યા થઈ હોવાનું પોલીસના ચોપડે નોંઘાયુ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
