Team Chabuk-Gujarat Desk: ભારત દેશમાં 100 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ આપી દેવામાં આવ્યા છે. પરંતુ સુરતીઓ કોરોના રસીનો બીજો ડોઝ લેવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. કોરોના વાઇરસના કેસ નહીંવત થઈ જતાં લોકોમાંથી હવે ડર નીકળી ગયો છે. જેના કારણે હવે ઘણા લોકો માની રહ્યા છે કે રસીનો બીજો ડોઝ નહીં લઈએ તો ચાલશે. ત્યારે સુરતમાં બીજો ડોઝ લેવા માટે લોકોને આકર્ષવા માટે સુરત મહાનગરપાલિકાએ અનોખી સ્કીમ ચાલુ કરી છે. સુરત શહેરમાં જેમણે કોરોના રસીનો બીજો ડોઝ નથી લીધો તેઓને બીજો ડોઝ લેવા માટે વહેલા તે પહેલાના ધોરણે એક લીટર જેટલું તેલ વિનામુલ્યે આપવાની શરૂઆત કરાઈ છે.
સુરત શહેરમાં 6,42,800 લોકોએ સમય થઈ ગયો હોવા છતાં હજુ પણ કોરોના રસીનો બીજો ડોઝ લીધો નથી. તેઓને હવે રસીકરણ કેન્દ્ર સુધી લાવવા માટે સુરત મહાનગરપાલિકાએ નવી સ્કીમ શરૂ કરી છે. પાલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે મેયર હેમાલી બોઘાવાલાના હસ્તે બીજો ડોઝ લેનારને તેલ વિતરણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી.
સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્યમાં સૌથી પહેલા રસીનો પહેલો ડોઝ આપવા માટેની 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં સફળતા મળી છે. દિવાળી બાદ કોરાના સંક્રમણના કેસોમાં વધારો થઈ શકે તેવી ચિંતાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા નોક ટુ ડોરથી લઈને અનેક પ્રયાસો કર્યા છે. જોકે બીજા ડોઝ લેવામાં લોકો એટલા ઉદાસીન દેખાઈ રહ્યા છે કે, અનેક પ્રયાસો કરવા છતાં પણ તેને વેગ મળી રહ્યો નથી. વિશેષ કરીને સુરત શહેરમાં લિંબાયત અને ઉધના ઝોનની અંદર બીજા ડોઝ લેનારાઓની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. આ વિસ્તારના લોકો ઝડપથી રસીનો સેન્ટર ઉપર પહોંચે તેવા પ્રયાસો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે.
રસી લેવા મેયરે કરી અપીલ
સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું કે, કોરોના સંક્રમણને રોકવા માટે આપણે વેક્સિનના કારણે સફળ થઇ રહ્યા છે. આજે જેટલા પણ લોકો સુરક્ષિત છે તે વેક્સિનના કારણે છે. સુરત શહેર હંમેશા દરેક કાર્યમાં ઉત્સાહિત હોય છે. સમગ્ર ગુજરાતમાં આપણે સૌથી પહેલા સો ટકા પ્રથમ ડોઝનું રક્ષણ કરવામાં સફળ રહ્યા છે. ત્યારે હું તમામ સુરતીઓને અપીલ કરું છું કે છ લાખ જેટલા લોકોએ હજુ પણ બીજો ડોઝ લીધો નથી, તેઓ ઝડપથી રસી લઈને પોતાને સુરક્ષિત કરે.
સુરત શહેરમાં 37.34 લાખે પ્રથમ ડોઝ લઈ લીધો છે. 23.80 લાખ લોકોને બીજો ડોઝ અપાયો છે. જોકે બીજા ડોઝ માટે સમય થઈ ગયો હોવા છતાં રસીથી વંચિત 6,42,800 લાભાર્થીઓને પ્રોત્સાહિત કરવા બીજો ડોઝ લે તો 1 લિટર તેલના પાઉચનું વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યમાં યુવા અનસ્ટોપેબલ સંસ્થાનું યોગદાન મળ્યું છે. સૂત્રોએ કહ્યું કે, બીજા ડોઝ માટે વંચિત લાભાર્થીઓની સંખ્યા વધુ હોવાથી સ્કીમનો લાભ દરેકને મળી શકે તેમ નથી. મદદરૂપ થયેલી સંસ્થાએ દોઢથી બે લાખ તેલના પાઉચનો જ સહયોગ કર્યો છે. જેથી વહેલા તે પહેલાના ધોરણે સ્કીમનો લાભ લઈ શકાશે. આ સ્કીમ સ્ટોક રહેશે ત્યાં સુધી જ મર્યાદિત હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
