Homeગુર્જર નગરીલો…વધુ એક નબીરો ! નવસારીમાં પાંચ વાહનોને અડફેટે લીધા, કારમાંથી દારૂ મળ્યો

લો…વધુ એક નબીરો ! નવસારીમાં પાંચ વાહનોને અડફેટે લીધા, કારમાંથી દારૂ મળ્યો

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં તથ્યકાંડ બાદ સુરત અને નડિયાદમાં નબીરાઓની કરતૂત સામે આવી હતી. હવે એક નવો નબીરો રસ્તા પર બેફામ બન્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ વખતે વાત નવસારી જિલ્લાની છે. નવસારીમાં નશામાં ધૂત નબીરાએ અકસ્માત સર્જ્યો છે. બેફામ ગતિએ કાર ચલાવીને નબીરાએ કેટલાય વાહનોને અડફેટે લીધા હતા. એટલું જ નહીં તવંગર બાપની નફ્ફટ ઓલાદની કારમાંથી દારૂની બોટલ પણ મળી છે. અકસ્માત બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો જેની શોધખોળ ચાલું છે.

મળતી માહિતી મુજબ નવસારીના જુનાથાણામાં આવેલા ખત્રીવાડ વિસ્તાર કારચાલકે બેફામ કાર ચલાવતા પાર્ક કરેલી બે કાર અને ત્રણ બાઈકને ટક્કર મારી હતી. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ વાહનોને નુકસાન પહોંચ્યું હતું. મોડી રાત્રે અકસ્માતનો અવાજ સંભળાયા બાદ અકસ્માત સ્થળ નજીકમાં રહેતા લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. જોકે, ત્યાં સુધીમાં કારચાલક કાર મુકીને ફરાર થઈ ગયો હતો.

બનાવની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જે બાદ કારની તપાસ કરતા કારમાંથી દારૂ અને બિયરની બોટલો મળી હતી. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માત કરનાર કાર ચાલક NRI હોવાની ચર્ચા ચાલી રહી છે. હાલ પોલીસે ફરાર કારચાલકને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

Car Accident In Navsari Gujarat

મહત્વનું છે કે, તાજેતરમાં જ નડિયાદના કૉલેજ રોડ પર આવેલી આયુર્વેદિક હોસ્પિટલ સામે કારના ચાલકે બેફામ કાર હંકારીને ત્રણ પૈડાવાળી લારી સહિત 3 વાહનોને અડફેટે લીધા હતા. જે બાદ બેકાબૂ બનેલી કાર ધડાકાભેર ડિવાઈડર અને વીજપોલ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં લારીચાલક ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જે બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા કારચાલક દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. આ ઉપરાંત સુરતમાં પણ એક કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. જે કેસમાં પોલીસે આરોપીને પાસામાં ધકેલી દીધો છે. પ્રથમવાર એવું બન્યું છે કે, ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં આરોપી વિરુદ્ધ પાસા થઈ હોય. સુરત પોલીસની કામગીરીને નાગરિકો આવકારી રહ્યા છે અને અન્ય કેસમાં પણ આવું કડક વલણ અપનાવવા સરકાર અને પોલીસને નાગરિકો અપીલ કરી રહ્યા છે.

બીજી તરફ ગુજરાતમાં નશામાં ધૂત નબીરાઓ ઝડપાતા દારૂબંધીના કડક અમલ પર પણ સવાલ ઉઠ્યા છે. જો ગુજરાતમાં કડક અમલ કરાવાઈ રહ્યો છે તો નબીરાઓ સુધી દારૂ ક્યાંથી પહોંચી રહ્યો છે ?

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments