શૈલેષ નાઘેરાઃ ગુજરાત રાજ્યના અર્ધ-શુષ્ક વિસ્તારની મુખ્ય પ્રજાતિ એવા એશિયાઈ સિંહ આપણા દેશનું ગૌરવ છે. સરકાર દ્વારા સંરક્ષણ તેમજ વ્યવસ્થાપન અંગે કરવામાં આવતા સતત પ્રયાસો તેમજ સ્થાનિક લોકોના સહયોગથી એશિયાઈ સિંહોની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. સિંહોએ ભુતકાળમાં ગુજરાતના સૌરાષ્ટ્રમાં ગુમાવેલા તેના વસવાટના વિસ્તારોને કુદરતી રીતે વિહરીને પાછો મેળવી રહ્યા છે. એશિયાઈ સિંહોને તેમના સાંસ્કૃતિક તેમજ ઇકોલોજીકલ મુલ્યના કારણે તાજેતરના વર્ષોમાં તેમના સંરક્ષણ ઉપર વધુ ધ્યાન આપવામાં આવેલ છે.
પ્રજાતિઓના સંરક્ષણ અને વ્યવસ્થાપન માટે કોઇ પ્રજાતિના પ્રાણીની વ્યક્તિગત ઓળખ ખુબજ મહત્વ ધરાવે છે. વન્ય પ્રાણીને ખલેલ ન પહોંચે તે રીતે ફોટોગ્રાફમાં દેખાતા કુદરતી ચિન્હોના ઉપયોગ વડે ઘણી પ્રજાતિના વન્યપ્રાણીની વ્યક્તિગત ઓળખ કરવામાં આવે છે. આ ઓળખ તેના શરીર પર રહેલા કોઈ ચિન્હો, પેટર્ન, શરીરના કોઇ ભાગના ચોક્કસ આકારના ઉપયોગ વડે કરવામાં આવે છે.
એશિયાટિક સિંહ એક લુપ્તપ્રાય પ્રજાતિ છે જેથી નવી તકનિકોનો ઉપયોગ કરી તેની વક્તિગત ઓળખ કરવી ખુબજ અગત્યની છે. ગુજરાત વન વિભાગ હંમેશા નવિનતમ અત્યાધુનિક વૈજ્ઞાનિક તકનિકો સાથે સુસંગત રહેવાનું લક્ષ્ય રાખે છે. એશિયાઇ સિંહોના રંગમાં કોઈ વિશિષ્ટ પેટર્ન અથવા અન્ય સરળતાથી દેખાતા કોઇ વ્યક્તિગત ઓળખ ચિન્હો હોતા નથી. વ્હીસ્કર સ્પોટ પેટર્ન (વાઇબ્રિસી પેટર્ન) અને અન્ય નિશાનોની મદદથી સિંહોને વ્યક્તિગત રીતે ઓળખવામાં મદદરૂપ થાય છે. એશિયાઇ સિંહોને મઝલની (muzzle) બન્ને બાજુ વ્હીસ્કર સ્પોટ હોય છે. વ્હીસ્કર સ્પોટ તેની વ્હિસ્કર આસપાસનો એક રૂવાટી વગરનો (furless) ભાગ છે. વ્હીસ્કર સ્પોટની સમાંતર રેખાઓ સિંહના મોઢાની બન્ને બાજુ જોવા મળે છે. વખતો વખતના વૈજ્ઞાનિક અદ્યયન દ્વારા જાહેર થયેલ છે કે આ વ્હીસ્કર સ્પોટની ચોક્કસ પેટર્ન હોય છે અને તે સમય સાથે બદલાતી નથી અને જેથી આ પેટર્ન વ્યક્તિગત ઓળખ કરવામાં ખુબ મદદરૂપ થાય છે. પહેલી અને બીજી રેખાઓમાં રહેલ વ્હીસ્કર સ્પોટના પરસ્પર સંબંધોનો ઉપયોગ કરી વ્યક્તિગત ઓળખ મેળવવામાં આવે છે. આની સાથે સાથે મોઢા પર રહેલ કોઇ નિશાનો, કાન પર રહેલ ચિન્હો વક્તિગત ઓળખ પ્રક્રિયામાં વધારો કરે છે.
સિંહોની વસ્તી વિષયકને સમજવા અને તેમના સંરક્ષણ અને વ્યવસ્થાપન પ્રત્યયના પ્રયત્નોને વિસ્તૃત કરવા માટે ફોટાનો ઉપયોગ કરી કોમ્પ્યુટર દ્વારા સિંહોની વ્યક્તિગત ઓળખ મેળવી શકાય તેવું સાધન મદદરૂપ સાબીત થઈ શકે તેમ છે. ગુજરાત વન વિભાગે એશિયાઇ સિંહોની વસ્તીની ગતિશીલતા, ડિસ્પર્સલ, તેની સામાજિક વ્યવસ્થાની વૈજ્ઞાનિક સમજને વધુ સારી બનાવવા માટે વધુ એક વૈજ્ઞાનિક પગલું ભર્યું છે. ફોટાનો ઉપયોગ કરી તેમા દેખાતા વિશિષ્ટ પેટર્ન/ચિન્હો વડે વ્યક્તિગત ઓળખ કરી શકે તે માટે એક આર્ટીફિશિયલ ઇન્ટેલીઝન્સ આધારીત (A.I. Based) સોફ્ટવેર તૈયાર કરવામાં આવેલ છે. આ સોફ્ટવેરને ‘સોફ્ટવેર વિથ ઇન્ટેલીજેન્ટ માર્કીંગ બેસ્ડ આઇડેન્ટીફીકેશન ઓફ એશિયાટીક લાયન્સ’ (સિમ્બા) નામ આપવામાં આવેલ છે.
સિમ્બા એક ડીપ મશીન લર્નિંગ તકનિક સાથે કામ કરે છે જે ફોટામાં દેખાતા વ્હીસ્કર સ્પોટ પેટર્ન, કાન પર રહેલ કોઈ ચિન્હો અને મોઢાના ભાગે આવેલા કોઈ નિશાનોને ઓળખી તેનો ઉપયોગ કરી, સરખામણી કરી અને વ્યક્તિગત રીતે સિંહોને ઓળખવાની પ્રક્રીયા કરે છે. આ સોફ્ટવેર ફોટામાં સામ્યતા ધરાવતી વિશિષ્ટ પેટર્ન/ચિન્હોને મશીન ઓળખી શકે તે રીતે તેનો સમૂહ બનાવવામાં સક્ષમ છે. સિમ્બાને પર્યાપ્ત તાલીમ ડેટા સાથે પ્રશિક્ષિત કરવામાં આવેલ છે અને તે રીજિયન ઓફ ઇન્ટરેસ્ટ (ROI)ને અલગ કરવા અને ઓળખ કરવા માટે સક્ષમ છે. આમ, વ્હીસ્કર સ્પોટ પેટર્ન અને એશિયાઇ સિંહોના ચેહરા/કાન પરના અન્ય ઓળખી શકાય તેવા ચિન્હોની વિશિષ્ટતાને ઓળખીને વ્યક્તિગત ઓળખનો અંદાજ લગાવવામાં આવે છે. વ્યક્તિગત ઓળખ મેળવી સિમ્બા અનન્ય નંબર/નામનો ઉપયોગ કરી ડેટા-બેઝ તૈયાર કરે છે.
આ સોફ્ટવેર યુઝરને સિંહ પહેલાથી ડેટા-બેઝમાં ઉપલબ્ધ છે કે કોઇ નવો સિંહ છે તે સોધવામાં પણ મદદ કરશે. આ સોફ્ટવેરમાં જાતિ (નર/માદા), નામ, માઇક્રોચીપ નંબર, જીવનની સ્થિતિ (મૃત/જીવંત), લેક્ટેટીન્ગ ફીમેલ જેવા માપદંડોનો ઉપયોગ કરી સિંહોને ડેટા-બેઝમાંથી ફિલ્ટર કરી શકાય છે. આ ઉપરાંત ડેટા-બેઝમાં રહેલ દરેક સિંહોનો વેટરનરી રેકોર્ડ પણ આ સોફ્ટવેરમાં રાખી શકાશે. તેનો યુઝર-ફ્રેન્ડલી ગ્રાફિકલ ઇન્ટરફેસ ઉપલબ્ધ ડેટા-બેઝને સરળતાથી સમજવામાં મદદરૂપ થાય છે. આમ, સિમ્બા એશિયાટીક લાયન લેન્ડસ્કેમાં એશિયાઇ સિંહોને વ્યક્તિગત રીતે ઓળખવા માટે એક સક્ષમ નોન-ઇન્વેઝીવ ઓળખ પદ્ધતિ સાબીત થશે જે આ પ્રજાતિના સંરક્ષણ અને વ્યવસ્થાપન તરફના વિવિધ પ્રયાસોમાં મદદ કરશે. સિમ્બાને સાસણ-ગીર ખાતે બનાવવામાં આવેલ ‘ગીર હાઇટેક મોનિટરીંગ યુનિટ’ ખાતે રાખવામાં આવેલ છે. આમ, ગુજરાત સરકાર હેઠળનું ગુજરાત વન વિભાગ વૈજ્ઞાનિક વ્યવસ્થાપન દ્વારા એશિયાઇ સિંહોના સંરક્ષણના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે એક પહેલ કરેલ છે. મેક ઈન ઈન્ડિયાના ભાગ રૂપે, આ સોફ્ટવેર હૈદરાબાદ સ્થિત “ટેલિઓલેબ્સ” દ્વારા વિકસાવવામાં આવ્યું છે, જેઓ નવીન તકનીકોના વિકાસ અને ઉપયોગમાં અગ્રેસર છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
