Team Chabuk-Gujarat Desk: સ્વ. અભયભાઈ ભારદ્વાજની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રાજકોટની આત્મીય યુનિવર્સીટી ખાતે મહેસુલ અને કાયદા મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સ્વ. અભયભાઈના પરિવારજનોને મળી શ્રદ્ધા સુમન પાઠવી તેમની સાથેના સંસ્મરણો વાગોળ્યા હતાં. રાજકોટના વકીલો દ્વારા સ્વ. અભયભાઈ ભારદ્વાજની યાદમાં આયોજિત પ્રથમ મેમોરિયલ લેક્ચરમા રાજ્યના મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ તેમનું વક્તવ્ય પાઠવ્યું હતુ.
રાજેન્દ્ર ત્રિવેદીએ વક્તવ્યના પ્રારંભે એક વકીલ હોવાના નાતે આજે વકીલોની વચ્ચે આવ્યાનું જણાવી તેમનું વક્તવ્ય વકીલોની પાઠશાળા માફક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અભયભાઈ પત્રકાર, વકીલ, રાજ્યસભાના સાંસદ, લો કમિટીના મેમ્બર સહીત બહુઆયામી વ્યક્તિત્વના સ્વામી હતાં. તેઓ પોતાના નામને સાર્થક કરતા ખરા અર્થમાં “અભય” હતાં તેમ જણાવી આ પ્રોફેશન સાથે જોડાયેલા વકીલોને જણાવ્યું હતું કે, આ ક્ષેત્રમાં સતત સંઘર્ષ રહેલો છે, પરંતુ અભયભાઈની માફક હંમેશા હિંમતવાન અને નીડર બની આપણા વ્યવસાયને ઉજ્વળ બનાવવાનો છે.
તેમણે જુનિયર વકીલોને ખાસ ટિપ્સ આપતાં જણાવ્યું હતું કે તેઓએ ડ્રેસ, એડ્રેસ અને ડેરીંગ એટલે કે સંપૂર્ણ યુનિફોર્મ સાથે કોર્ટ રૂમમાં વ્યવસ્થિત એડ્રેસિંગ એટલે કે વકીલાત કરવી જોઈએ અને પોતાના મત ઉપર હંમેશા હિંમતપૂર્વક વળગી રહી કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવી જોઈએ નહીં. આ સાથે વકીલોને ભાષા સમૃદ્ધિ અને કુશળ વક્તવ્ય માટે પણ મંત્રીશ્રીએ ટિપ્સ આપી હતી.
રાજેન્દ્ર ત્રિવેદીએ કૃષ્ણ અને માતા યશોદાનું બાળપણનું માખણ ચોરીના એક વાર્તાલાપ કાવ્યને કોર્ટ ટ્રાયલ સાથે સરખાવી બંને પક્ષોની રજૂઆત કઈ રીતે વકીલાતના પ્રોફેશનને લાગુ પડે છે તે સચોટ રીતે સમજાવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે સ્વ. અભયભાઈ ભારદ્વાજની જર્ની વિષે ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી હતી.
કાર્યક્રમના પ્રારંભે આત્મિય યુનિવર્સીટીના ત્યાગવલ્લભ સ્વામીજીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ બાર એસોસિયેશનના પ્રમુખશ્રી અતુલભાઈ રાજાણી, અગ્રણી વકીલ યજ્ઞેશભાઇ દવે, જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ વોરા, તેમજ મોટી સંખ્યામાં રાજકોટના વકીલો જોડાયા હતા.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત