Homeગુર્જર નગરીનવાબંદરના દરિયામાંથી પકડાઈ 10 ફૂટ લાંબી 400 કિલોગ્રામની માછલી

નવાબંદરના દરિયામાંથી પકડાઈ 10 ફૂટ લાંબી 400 કિલોગ્રામની માછલી

Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના નવાબંદરમાંથી કારજ નામની 400 કિલોગ્રામની મહાકાય માછલી એક માછીમારની જાળમાં ફસાઈ ગઈ હતી. માછલીનું કદ એટલું વિશાળ હતું કે તેને બોટમાંથી કાઢવા માટે ક્રેન મંગાવવી પડી હતી. માછલીને ઉઠાવવા માટે પહેલાં તેને દોરી વડે બાંધી દેવામાં આવી હતી ત્યારબાદ તેને રિક્ષામાં મુકવામાં આવી હતી. બીજી તરફ માછલીને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

સામાન્ય રીતે નવાબંદરના દરિયામાં આસપાસ એટલી મોટી માછલી જવ્વલે જ જોવા મળે છે. નાની હોડીમાં જે માછીમાર દરિયો ખેડે છે તેમની જાળમાં પાપલેટ, ખાગી, જિંગા, બાંગરા જેવી નાની-નાની માછલીઓ ફસાતી હોય છે. માછીમારોને પણ દાયકામાં એકાદવાર આવી વિશાળ માછલી દરિયા કિનારે જોવા મળતી હોય છે.

જો કે, આટલી મોટી માછલી હોવા છતાં માછીમારને તેની કિંમત આટલી મોટી મળી ન હતી. માછીમારોનું માનીએ તો આ માછલીની તેના કદ પ્રમાણે કિંમત મળતી નથી. માછલીનો ઉપયોગ દરિયાઈ ખાતર માટે કરવામાં આવે છે.

માછીમારોએ કહ્યું કે, મોટી બોટ દરિયામાંથી ફિશિંગ કરીને પરત કિનારે આવી રહી હતી. આ દરમિયાન બોટમાં હલચલ મચી ગઈ હતી. 400 કિલોગ્રામની માછલી ફસાતા ખલાસીઓને તેને પહેલાં બોટ પર અને ત્યારબાદ કિનારા પર લાવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી.માછલીને દોરડા વડે બાંધી દેવામાં આવી હતી. ત્યારબાદ  માછલીને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવી પડી હતી. માછલીને બોટ પરથી કિનારે રિક્ષામાં પહોંચાડા ખાસ્સો સમય લાગી ગયો હતો. માછલીનું કદ વધુ હોવાથી તેને છકડો રિક્ષામાં પણ માંડ સમાવી શકાઈ હતી.

સ્થાનિકોનું કહેવું છે કે, દાયકાઓથી તેમણે નવાબંદરના દરિયામાં આટલી મોટી માછલી જોઈ નથી. આ માછલીનું નામ કારજ છે જે ભાગ્યે જ જોવા મળતી હોય છે. મોટા ભાગે તે શાંત દરિયામાં કિનારાથી દૂર જ રહેવાનું પસંદ કરે છે અને નાની માછલીઓને પોતાનો શિકાર બનાવે છે. એક જ વારમાં તે હજારો માછલીઓને પોતાનું ભોજન બનાવી લે છે.

10 ફૂટ મોટી માછલી પકડાવાના સમાચાર વાયુવેગે નવાબંદરમાં ફેલાઈ ગયા હતા. જેથી તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આટલી મોટી માછલી જોઈને લોકોમાં કૂતુહલ ફેલાયો હતો.

ફિશિંગ વિશે થોડું

ફિશિંગ માટે જતી બોટના ખલાસીનું માનીએ તો તેઓ 10થી 15 દિવસ માટે દરિયામાં જતાં હોય છે. જેના માટે તેઓ પુરતી વ્યવસ્થા કરી લેતા હોય છે. ત્યાં સુધી કે સાથે શાકભાજી પણ લઈ જાય છે. બોટનું જે સંચાલન કરે છે તેને ટંડેલ કહે છે. બાકીના લોકોને ખલાસી કહે છે. જેમને અલગ અલગ કામ સોંપેલું હોય છે. દરિયામાં સૌથી કિંમતી માછલી ઘોલ ફીશ છે. જે જાળમાં ફસાય જાય તો માછીમાર માલામાલ થઈ જાય છે. ઘોલ ફીશ ઘેટા જેવી હોય છે. ઘેટા જેવી એટલા માટે કે તે એકની પાછળ બીજી એમ ટોળામાં જ જોવા મળે છે. એટલે કે, જો એક માછલી જાળમાં ફસાઈ ગઈ તો પછી આખુ ટોળી જાળમાં ફસાઈ જતું હોય છે. ઘોલ ફીશનો ઉપયોગ દવા બનાવવા માટે થાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments