Homeગુર્જર નગરીસુરેન્દ્રનગર, વઢવાણ સહિત અનેક ગામમાં મહિલાઓને છેતરી ઘરેણાં પડાવતો ઢોંગી ભૂવો ઝડપાયો

સુરેન્દ્રનગર, વઢવાણ સહિત અનેક ગામમાં મહિલાઓને છેતરી ઘરેણાં પડાવતો ઢોંગી ભૂવો ઝડપાયો

Team Chabuk-Gujarat Desk: વઢવાણ પોલીસના હાથે એક એવો ઢોંગી ભૂવો ચઢી ગયો છે જે વૃદ્ધા અને મહિલાઓને નિશાન બનાવતો. આ ઢોંગી ભૂવાનું નામ છે મનુ પુના સોલંકી ઉર્ફે નાથબાવા. અગરબત્તી વેચવાના નામે આ ભૂવો મહિલાઓ સુધી પહોંચતો. ત્યારબાદ વિધિના નામે તેમના ઘરેણાં ઉતરાવી છૂમંતર થઈ જતો. પોલીસની પૂછપરછમાં કુલ 14 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

અનેક ગામમાં હાથફેરો કર્યો
છેલ્લા કેટલાય સમયથી સુરેન્દ્રનગર શહેર, વઠવાણ, જોરાવરનગર તેમજ કોઠારિયા, બલદાણા, ખેરાળી, અણીન્દ્રા, પ્રાણગઢ, પથુગઢ, ઝમર સહિતના ગામોમાં મહિલાઓ સાથે ઘરેણાની છેતરપિંડીના કિસ્સા વધ્યા હતા. એક જ મોડસ ઓપરેન્ડીથી આરોપી મહિલાઓને નિશાન બનાવતો હતો.

ઢોંગી કરતો ઢોંગ
આરોપી બાઇક પર અગરબતી વેચવાના બહાને ઠેર ઠેર ફરી રહ્યો હતો. મહિલાઓની એક જ ફરિયાદ હતી કે તે આવે છે અગરબત્તી વેચવાના નામે. ત્યારબાદ પોતે ભૂવો હોવાનું જણાવે છે અને સમસ્યાઓને દૂર કરવાની લાલચ આપે છે. જેના માટે વિધિ કરવાનો ઢોંગ પણ રચે છે. વિધિમાં ઘરેણાં ઉતરાવીને મૂકાવે છે. ત્યારબાદ તે ઘરેણાં પર ક્યારે હાથફેરો કરી લે છે તેની કંઈ ખબર જ નથી રહેતી.

આવી છે મોડસઓપરેન્ડી
ભૂવા જેવો વેશ ધારણ કરીને જ અલગ-અલગ ગામમાં મનુ પુના સોલંકી ફરતો‌ હતો. બપોરના સમયે વૃદ્ધ મહિલાઓની એકલતાનો લાભ લઈ ત્યાં પહોંચી જતો. પોતાની વાકછટાથી મહિલાઓને ભોળવી લેતો. એટલું જ નહીં તે વૃદ્ધ મહિલાઓને જાતજાતના ખેલ પણ બતાવતો હતો. મહિલા ભૂવાની વાતોમાં આવી જાય એટલે તે પોતાનો અસલી ખેલ શરૂ કરતો. મહિલાઓના મનમાં નડતર છે તેવું કહીને ડર ઉભો કરતો અને નડતરના નિવારણ માટે વિધિ કરવાનું કહેતો. વિધિ માટે છાણા મંગાવતો. છાણા પર તે પોતાની પાસે રહેલી એક ડબ્બી મૂકતો. આ ડબ્બીમાં તે મહિલાઓને ઘરેણાં મૂકી દેવાનું કહેતો. ડબ્બીમાં ઘરેણાં મૂકાયા બાદ તે છાણું સળગાવી ધુમાડો કરતો અને નજર ચુકવી કોઈ રીતે ઘરેણાં સેરવી લેતો અને ડબ્બીને માતાજીના મઢમાં મૂકાવી દઈ ત્રણ દિવસ બાદ તે ડબ્બી ખોલવાનું કહેતો. સાથે જ ડરાવતો કે ત્રણ દિવસ પહેલાં ડબ્બી ખોલસો તો અપશુકન થશે. આમ, મહિલાઓ ડરી જતી અને તેની વાતમાં આવી ત્રણ-ત્રણ દિવસ સુધી ડબ્બીને હાથ પણ ન લગાવતી. ત્રીજા દિવસે જ્યારે ડબ્બી ખોલવામાં આવતી ત્યારે મહિલાઓને છેતરાયાનો અહેસાસ થતો. આરોપીએ આ જ મોડસ ઓપરેન્ડીથી કુલ 14 ગુનાઓને અંજામ આપી દીધો.

આરોપીએ કોને કોને છેતર્યા ?

(1) ચંપાબેન પરશોતમભાઇ મકવાણા, સોનાના બુટિયા નંગ ૨, ૧૦ ગ્રામ વજન
(2) કોઠારિયા ગામના સમુબેન અરજણભાઇ પરમાર, સોનાના ઠોળિયા નંગ ૨, વજન ૧૦ ગ્રામ
(3) બલદાણા ગામના રંભાબેન પટેલ, સોનાનું ચરણ અને સોનાની કડી, વજન ૨ તોલા
(4) સુરેન્દ્રનગરનાં ઉજીબેન વાઘેલા, સોનાનો ચેન, વજન ૧૦ ગ્રામ
(5) રાજપર ગામના નિતાબેન માધર, સોનાના કાપ નંગ ૨, વજન ૧૦ ગ્રામ
(6) ખોલડિયાદ ગામના નાનીબેન પરમાર, સોનાના બુટિયા નંગ ૨, વજન ૧૦ ગ્રામ
(7) રામપરા ગામના શાંતુબેન મકવાણા, સોનાના બુટિયા નંગ ૨, વજન ૧૦ ગ્રામ
(8) ખેરાળી ગામના નાનીબેન પારધી, સોનાના ઠોળિયા નંગ ૨, વજન ૧૦ ગ્રામ
(9) ગુંદિયાળા ગામના ઉગરીબેન ભુસડિયા, સોનાના ઠોળિયા નંગ ૨, વજન ૧૦ ગ્રામ
(10) અણીન્દ્રા ગામના કાશીબેન બામણિયા, સોનાના કાપ નંગ ૨, વજન ૦૮ ગ્રામ
(11) ચંદ્રાસર ગામના કાંતી પટેલનો પરિવાર, સોનાના બુટિયા નંગ ૨, વજન ૧૦ ગ્રામ
(12) પથુગઢ ગામના ટીડીબેન કણજરિયા, સોનાના ઠોળિયા નંગ ૨, વજન ૧૫ ગ્રામ
(13) ઝમર ગામના ચંપાબેન રોજાસરા, સોનાના કાંપ અને બુટિયા, વજન ૧૫ ગ્રામ
(14) પાણશીણા ગામમાં રહેતા મહિલા, સોનાના કાપ નંગ ૨, વજન ૫ ગ્રામ

આરોપી મનુએ આ તમામ ગુનાઓ કબૂલ્યા છે. હજુ પણ નકલી ભૂવો કંઈ છુપાવે છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. બીજી તરફ હાલ પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે, આટલા ઘરેણાંનું તેણે શું કર્યું ? ઘરેણાં કોઈને વેચ્યા છે કે કેમ ? વેચી દીધા છે તો કોને વેચ્યા છે ? આરોપી એકલો જ ગુનાને અંજામ આપતો કે અન્ય કોઈ તેની મદદ કરતું ? હાલ આ તમામ મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.

બીજી તરફ પોલીસે અપીલ પણ કરી છે કે, આવા ઢોંગી ભૂવાઓની વાતમાં ન આવવું. અંધશ્રદ્ધાથી દર રહેવું. તમારી મુશ્કેલી તમે જાતે જ દૂર કરી શકો છો. આવા ભૂવાઓ માત્ર તમને ડબ્બામાં ઉતારી શકે. તમારી મુશ્કેલીઓ દૂર ન કરી શકે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments