Homeગુર્જર નગરીઆરોપીના અરમાનો પર પાણી ફર્યું, જેને વાઘનું ચામડું વેચવા ગયા એ પોલીસ...

આરોપીના અરમાનો પર પાણી ફર્યું, જેને વાઘનું ચામડું વેચવા ગયા એ પોલીસ નીકળી

Team Chabuk Gujarat Desk: અમદાવાદ ક્રાઈમબ્રાંચના સકંજામાં એવા ચાર શખ્સો ફસાઈ ગયા છે જેઓ કર્ણાટકથી વાઘનું ચામડું લાવી અમદાવાદમાં વેચવાની ફિરાકમાં હતા.પોલીસે આરોપીઓને પકડવા માટે એવી જાળ પાથરી કે આરોપીઓ ખુદ શિકાર બનીને આવ્યા અને પોલીસે પાથરેલી જાળમા આરામથી ફસાઈ ગયા. હવે તમામ ચારે આરોપીઓ જેલની મસ્ત ઠંડી ઠંડી હવા ખાઈ રહ્યા છે !

કેવી રીતે ઝડપાયા આરોપી ?

અમદાવાદ ક્રાઈમબ્રાંચને બાતમી મળી હતી કે, શહેરમાં કેટલાક લોકો વાઘનું ચામડું વેચવાની ફિરાકમાં છે. એટલે અમદાવાદ ક્રાઈમબ્રાંચે તાત્કાલિક આ લોકો અંગે માહિતી મેળવવાનું અને બાતમીની ખરાઈ કરવાનું શરૂ કર્યું. બાતમી સાચી હોવાથી ક્રાઈમબ્રાંચે આરોપીઓને ટ્રેપમાં ફસાવવાનું નક્કી કર્યું. ત્યારબાદ ટ્રેેપ ગોઠવીને આરોપીને ઝડપી લીધા હતા.

દોઢ કરોડમાં ડીલ થઈ

આરોપી પાસે વાઘના કુલ ચાર ચામડા હતા.  જેની કિંમત તેઓ અઢી કરોડ આંકી રહ્યા હતા. અઢી કરોડ રૂપિયામાં જ આ ચારેય આરોપી ચામડું વેચવાના હતા. એટલે ક્રાઈમબ્રાંચની ટીમે આરોપીઓનો નકલી ગ્રાહક બનીને સંપર્ક કર્યો હતો. આરોપીઓએ પણ પોલીસને ગ્રાહક માનીને વાત આગળ ચલાવી હતી અને દોઢ કરોડ રૂપિયામાં વાઘના ચામડાની ડીલ કરવાનું નક્કી કર્યું હતું. જેમ જેમ વાત આગળ વધતી જતી હતી તેમ-તેમ આરોપીઓ પોલીસની વાતમાં આવતા ગયા હતા. છેલ્લે આરોપીઓને પોલીસે ચામડું આપી રૂપિયા લઈ જવા માટે મનાવી લીધા હતા. આમ, આરોપી સામેથી ગ્રાહક પાસે આવ્યા. પરંતુ જેમ કોઈ બેવફા પ્રેમિકા પ્રેમીનું દિલ તોડી નાખે તેમ પોલીસે સમગ્ર મામલે પોલ ખોલીને આરોપીઓના અરમાનો પર પાણી ફેરવી દીધું હતું.

કોણ કોણ ઝડપાયું ?

શૈલેષ જાની, રણછોડ પ્રજાપતિ, અલ્પેશ ધોળકિયા અને મોહન રાઠોડ નામના આરોપી પોલીસની પકડમાં આવી ગયા છે. ચારેય આરોપી મૂળ અમદાવાદના છે. શૈલેષ જાની ગોળ લીમડા, રણછોડ પ્રજાપતિ આસ્ટોડિયા, અલ્પેશ ધોળકિયા માણેકચોક વિસ્તારમાં અને મોહન રાઠોળ ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રહેતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આરોપીનું કબૂલનામું

આરોપીની આકરી પૂછપરછ કરતા સામે આવ્યું કે, મોહન રાઠોડ નામના આરોપીને બે વર્ષ પહેલાં કર્ણાટકનો એક વ્યક્તિ વાઘનુ ચામડું વેચી ગયો હતો. મોહન રાઠોડ રવિવારી બજારમાં એન્ટિક વસ્તુનું વેચાણ કરે છે. રવિવારી બજારમાં જ તેનો કર્ણાટકનો એક અજાણ્યા શખ્સ સાથે પરિચય થયો હતો. આ શખ્સ પાસેથી જ તેણે વાઘનું ચામડું ખરીદ્યુ હોવાનું તેણે કબૂલ્યું હતું.

સપનાઓ પર ફર્યું પાણી

આરોપીઓ ખુંખાર ઉપરાંત લાલચું પણ છે. આ એ વાત પરથી સાબિત થાય છે કે તેમણે વાઘના મોઢામાં હાથ નાખ્યો હતો. આરોપીઓને જાણ હોવા છતાં કે જો પકડાઈ જઈશું તો જેલ પાક્કી છે છતાં આરોપીઓ હિમ્મત કરીને પૈસાની લાલચમાં ચામડું વેચવા પહોંચી જાય છે. આરોપીઓને બીજુ કઈ નહીં માત્ર રૂપિયા જ દેખાતા હતા. ચારે આરોપીએ અલગ અલગ સપના જોયા હતા કે રૂપિયા આવશે એટલે આમ કરીશું, તેમ કરીશું પરંતુ હવે કદાચ જેલની ચાર દીવાલમાં તેમને સપના પણ નહીં આવે.

કર્ણાટક કનેક્શનની થશે તપાસ

આ કેસમાં અમદાવાદ ક્રાઈમબ્રાંચ હાલ વધુ તપાસ શરૂ કરી છે. કર્ણાટકનું કનેક્શન સામે આવતા ક્રાઈમબ્રાંચ તપાસના તાર કર્ણાટક સુધી પણ લંબાવી શકે છે. સાથે જ ક્રાઈમબ્રાંચ એ વિગતો પણ મેળવવાની કોશિશ કરી રહી છે કે, મૂળ કર્ણાટકના શખ્સ પાસે વાઘનું ચામડું ક્યાંથી આવ્યું ?  આ ઉપરાંત સવાલ એ પણ છે કે, વાઘનું ચામડું તેનો શિકાર કરીને ઉતારવામાં આવ્યું હતું કે પછી કુદરતી રીતે મોત થયા બાદ આરોપીઓએ ચામડું ઉતાર્યું હતું.  ક્રાઈમબ્રાંચને એવી પણ આશંકા છે કે સમગ્ર મામલે કોઈ મોટી શિકારી ટોળકીનો પણ હાથ હોઈ શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments