Team Chabuk-Sports Desk: એક ખેલાડીના જીવનમાં તેનું લક્ષ્ય મહત્વનું હોય છે. રમત સાથે સંકળાયેલ ખેલાડી જ નહીં કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા વ્યક્તિના જીવનમાં પણ. એ છેલ્લે સુધી ન મળે ત્યારે તે તેના અનુગામીને આ કામ સોંપતો જાય છે. લોકો કઠોર તપશ્ચર્યાની વાત કરે છે. મોટિવેશનલ સ્પીચ આપી તમારી અંદરના બાવડેબાજ વ્યક્તિને જગાડવાનો પ્રયત્ન કરે છે, પણ કેટલીક વખત નહીં મોટાભાગની વખત એવું થતું હોય છે કે મહેનત કરવા છતાં ક્યાંક ચૂક થઈ જાય છે. એવું નથી કે ચૂક મિલ્ખા સિંહથી જ થઈ છે. ઓલિમ્પિક એક તો ચાર વર્ષે આવે, એમાં કેન્સલ થાય તો જે તે ખેલાડીનું કરિયર તબાહ થઈ જાય. ઘણા ખેલાડીઓનાં ઓલિમ્પિક પદક જીતવાના સપનાઓ ભસ્મીભૂત થઈ ચૂક્યા છે. મિલ્ખા સિંહ તો હજુ ભાગ્યશાળી રહ્યા.
મિલ્ખા સિંહે એશિયન ગેમ્સમાં ચાર સુવર્ણ પદક મેળવ્યા હતા. કોમનવેલ્થ ગેમ્સ એટલે કે રાષ્ટ્રમંડળની રમતમાં એક મેડલ જીત્યો હતો. આમાંથી લોકોને એક પણ જીત વિશે યાદ નથી. યાદ છે તો હાર વિશે. ઉચ્ચ કક્ષાના ખેલાડીનો પરાજય પણ ઊંચો હોવાનો. તેની જીત કરતા મારી હારની ચર્ચા વધારે છે. મિલ્ખાના કિસ્સામાં આ હાર હકીકતે તેની સાથે ચોંટી ગઈ હતી. છૂટવાનું નામ નહોતી લેતી.
વર્ષોના વર્ષ લાગ્યા બાદ ભારતમાંથી કોઈ એવો દોડવીર પેદા થયો હતો જે ‘ફ્લેશ’ની જેમ ભાગતો હતો અને એ જ હારી ગયો. કોઈને વિશ્વાસ જ નહોતો આવતો કે મિલ્ખા સિંહ રોમ ઓલિમ્પિકમાં હારી શકે. એ વખતે લોકોને ખબર પડી કે શેરને માથે સવાશેર પણ આ પૃથ્વીમાં પડ્યા પાથર્યા છે. રોમ ઓલિમ્પિકની એ દોડમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ કોણ જીત્યું? કોઈને ખબર નથી. ગૂગલ કરો તો ખબર પડી જાય પણ હાર્યું કોણ હતું એ આખી દુનિયાને ખબર છે. ધ લેજન્ડરી મિલ્ખા સિંહ.
હવે ભારત રમતમાં ધીમે ધીમે ઉપર ઉઠી રહ્યું છે. રેસલિંગમાં કેડી જાધવ, ટેનિસમાં લિએન્ડર પેસ, એથેન્સ ઓલિમ્પિકમાં રાજ્યવર્ધન સિંહ રાઠોર અને બિજીંગ ઓલિમ્પિકમાં અભિનવ બિન્દ્રાએ ગોલ્ડ મેડલ અપાવ્યો. જોકે એથ્લેટ કોઈ એવો પેદા નથી થયો જે મેડલ અપાવી શકે. કાંટાની ટક્કર હોય છે. મહાભારતના શૂરવીરો જેવા મહારથીઓ મેદાનમાં હોય છે. બોલ્ટને દોડતા જોયો છે કોઈ દિવસ?
રોમ જતા ના બે વર્ષ પહેલાથી જ મિલ્ખા સિંહની વિશ્વસ્તરના ખેલાડી તરીકે ગણના થવા લાગી હતી. આ કોઈ નાનીસૂની વાત નથી. કોમનવેલ્થ ગેમ્સમાં વિશ્વ રેકોર્ડ ધારક હોલ્ડર, મેલ, સ્પેસને હરાવીને તેમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. રોમમાં ભારતીય એથલેટિક્સ ટીમના ઉપ કોચ વેન્સ રિલનું પણ માનવું હતું કે મિલ્ખા સિંહ આ વખતે તો મેડલ જીતશે જ. કદાચ ગોલ્ડ મેડલ જ જીતી જાય.
રોમ ઓલિમ્પિકમાં જતાં પહેલા મિલ્ખા સિંહે વિશ્વની અલગ અલગ 80 દોડમાં ભાગી લીધો હતો. જેમાંથી 77 દોડ જીત્યા હતા. આખું વિશ્વ કહી રહ્યું હતું કે રોમ ઓલિમ્પિકમાં મિલ્ખા સિંહ મેડલ ખેંચી જશે. 400 મીટર દોડમાં વિજેતા તરીકે તેમનું નામ જીભે જીભે બોલાતું હતું.
રોમમાં મિલ્ખા સિંહ પાંચમી હીટમાં બીજા સ્થાન ઉપર આવ્યા હતા. ક્વાર્ટર ફાઈનલ અને સેમી ફાઈનલમાં તેઓ બીજા સ્થાને આવ્યા હતા. ખાસ વાત એ હતી કે મિલ્ખા સિંહને સ્થાનિક પ્રશંસકો દ્વારા ખૂબ પ્રેમ મળતો હતો. મિલ્ખાજી જ્યારે પણ મેદાનમાં પ્રવેશતા સ્ટેડિયમ હોહો અને ચીચીયારીઓ કરતું તેમનું નામ લેવા માંડતું હતું. લોકો કહેતા હતા કે આ તો સંત છે, કારણ કે આ પહેલા તેમણે શીખ વ્યક્તિને જોયો જ નહોતો. લોકો કહેતા હતા કે તેના માથામાં જે રીતે વાળ છે તે સાધુઓની યાદ અપાવે છે.
સામાન્ય રીતે સેમિફાઈનલના આગામી દિવસે જ ફાઈનલ દોડ થાય છે. 1960ના રોમ ઓલિમ્પિકમાં 400 મીટર ફાઈનલ દોડ બે દિવસ બાદ થઈ. જેમાં મિલ્ખા સિંહને એ દોડ વિશે વધારે વિચારવાની તક મળી ગઈ અને તે પ્રેશરમાં આવી ગયા. તેઓ એટલા નર્વસ હતાં કે તેમના રૂમમાં જ ઝડપથી ડગલાં ભરી ચાલવા લાગ્યા.
તેમની આત્મકથા રેસ ઓફ માઈ લાઈફમાં લખેલું છે કે, ‘‘અચાનક મારા દરવાજાને કોઈએ ખટખટાવ્યો. બહાર અમારા મેનેજર ઉમરાવ સિંહ હતા. એ મને લાંબી વોક પર લઈ ગયા. અમે અસંખ્ય પથ્થરોવાળી ગલીઓ, ઈમારતો, ફુંવારા, તોરણના દ્વારની સામેથી પસાર થયા. એ મને પંજાબ અને શીખ ગુરૂઓની બહાદૂરીની વાતો કરી રહ્યા હતા. જેથી આગામી દિવસે થનારી સ્પર્ધામાંથી મારું ધ્યાન હટી જાય.’’
રેસના દિવસે કાર્લ કોર્ફમેનને પ્રથમ લેન આપવામાં આવી. અમેરિકાના ઓટિસ ડેવિસ બીજી લેનમાં હતા. મિલ્ખા સિંહ દુર્ભાગ્યવશ પાંચમી લેનમાં હતા. તેમની નજીકમાં એક જર્મન ખેલાડી હતો જે છ ખેલાડીઓમાં સૌથી નબળો હતો.
જ્યારે રેસ શરૂ થવાની હતી ત્યારે મિલ્ખા સિંહ ઘૂંટણથી નમી ગયા અને બોલ્યા, ‘‘ધરતી માતા તે મને અત્યાર સુધી ખૂબ જ આપ્યું છે. આજે પણ હું તારી પાસેથી એ જ આશા રાખું છું.’’ મિલ્ખા સિંહે શરીર નીચું કર્યું અને ઊંડો શ્વાસ લીધો. પિસ્તોલનો અવાજ થતાં જ મિલ્ખા સિંહ ભાગવા લાગ્યા. દોઢસો મીટર સુધી મિલ્ખા સિંહ લીડ કરી રહ્યા હતા. મિલ્ખા સિંહને એવું લાગ્યું કે હું જેવી રીતે દોડું છું તેવી રીતે તો શક્ય છે રેસ પૂરી ન કરી શકું. રેસ પહેલા જ હાંફી જાઉં. એટલે તેમણે ઝડપ ધીમી કરી. છેલ્લી 100 મીટર પર એમને ખબર પડી કે ચાર દોડવીરો તેમનાથી આગળ નીકળી ગયા છે. એ ખેલાડીઓ બરાબરીના હતા. મિલ્ખા સિંહ આ વાતને યાદ કરતા કહે છે કે, ‘‘તમારી બરાબરના ખેલાડી જ્યારે તમારાથી આગળ નીકળી જાય ત્યારે તેને પકડવા અઘરા થઈ પડે છે.’’
મિલ્ખા સિંહે રેસમાં પાછળ જોવા વિશે પણ મીડિયાને જણાવ્યું હતું કે તેમને આદત પડી ગઈ હતી. એશિયન રમત હોય કે કોમનવેલ્થ ગેમ્સ હોય. એ પાછળ ફરીને જોતાં જ હતાં કે અન્ય ખેલાડીઓ કેટલા પાછળ રહી ગયા છે. રોમમાં પણ તેમણે આમ જ કર્યું હતું. જે તેમની મોટી ભૂલ સાબિત થઈ હતી.
પ્રથમ ચાર એથલિટ ડેવિસ, કોફમેન, સ્પેસ અને મિલ્ખા 45.9 સેકન્ડનો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો. ડેવિસ 44.9 સેકન્ડના સમયની સાથે પહેલા સ્થાન પર આવ્યા. કોફમેન 44.9 સાથે બીજા. એમને ફોટો ફિનીશથી બીજું સ્થાન મળ્યું હતું. સ્પેસનો સમય 45.5 હતો. જેમને બ્રોન્ઝ મેડલ મળવાનો હતું. મિલ્ખા સિંહે 45.6નો સમય લીધો હતો. જે તેમના ઓલિમ્પિક રેકોર્ડથી શ્રેષ્ઠ હતું પણ તેમને ચોથા સ્થાનથી સંતોષ માનવો પડ્યો.
ભારતની એ સમયની હોકી ટીમના સભ્ય આર.એસ ભોલા જે એ મેચને નીહાળી રહ્યા હતા તેમણે કહેલું કે, ‘‘તેમની ભૂલ એ થઈ કે તેમણે પોતાની ઊર્જાનો ઠીક રીતે ઉપયોગ ન કર્યો. પાછળ એથલિટને જોવામાં રહી ગયો અને ત્યાં જ પસ્ત થઈ ગયો.’’
આ આખી 400 મીટર રનીંગની સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે ગોલ્ડ મેડલ જીતનાર ડેવિસને અમેરિકા મોકલવાની જ નહોતી. એ મિલ્ખા સિંહની સાથે કોઈ દિવસ દોડ્યો જ નહોતો. મિલ્ખા માટે આ નવો પ્રતિસ્પર્ધી હતો. અમેરિકાની રિલે ટીમમાં પણ એ ચોથા પાયદાન પર હતો. એક અમેરિકાના ખેલાડીના પગમાં ઈજા થઈ ગઈ જેથી તેને દોડવાની તક મળી ગઈ. અન્યથા એ 400×4ની રીલે રેસમાં જ દોડવા માટે આવ્યો હતો. એ સમયે બધા ખેલાડીઓ હક્કા બક્કા રહી ગયા કે આ કોણ જીતી ગયું? જે લોકો કહે છે કે નસીબ જેવું કંઈ હોતું નથી તેમના માટે આ ઉદાહરણ કાફી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત