Homeગુર્જર નગરીસુરતના કતારગામમાં આવેલી ભાજપના નેતાની સ્કૂલની ઘોર બેદરકારી, મનાઈ છતાં વિદ્યાર્થીઓને શાળાએ...

સુરતના કતારગામમાં આવેલી ભાજપના નેતાની સ્કૂલની ઘોર બેદરકારી, મનાઈ છતાં વિદ્યાર્થીઓને શાળાએ બોલાવ્યા

Team Chabuk-Gujarat Desk: સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગજેરા સ્કૂલની મનમાની સામે આવી છે. સરકાર દ્વારા શાળાએ વિદ્યાર્થીઓને બોલાવીને અભ્યાસ કરાવવાની મંજૂરી આપી ન હોવા છતાં ગજેરા સ્કૂલમાં વિદ્યાર્થીઓને બોલાવીને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો હતો. શાળા સંચાલકોએ મંજૂરી વિના જ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને સવારથી જ શાળાએ બોલાવીને અભ્યાસ શરૂ કરાવ્યો હતો. આ અંગેના અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થતાં પોલીસ અને જિલ્લા શિક્ષણાધિકારીએ કાર્યવાહી શરૂ કરી છે.

સુરતના કતારગામની ગજેરા સ્કૂલની આ ગંભીર બેદરકારી બાદ પોલીસની ટીમ શાળાએ પહોંચી હતી અને શાળામાં હાજર સ્ટાફની પુછપરછ કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારીને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારીએ કહ્યું છે કે, સંચાલકની ભૂલ હશે તો સંચાલક સામે પગલાં ભરવામાં આવશે. તપાસ રિપોર્ટ બાદ કડક કાર્યવાહી કરાવામાં આવશે. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી પણ આ મામલે ભીનું સંકેલી લેવા માગતા હોય તેમ તપાસ બાદ કાર્યવાહી કરવાની વાત કરી રહ્યા છે.

ગજેરા સ્કૂલના ટ્રસ્ટીઓ આ બાબતે અજાણ હોવાનું કહીને ઢાંક પીછોડો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. શાળામાં મોટી સંખ્યામાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને બોલાવીને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. વર્ગોમાં કોઈપણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરાવવામાં નથી આવી રહ્યું. વર્ગમાં 50 જેટલા વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે. એક બેન્ચ પર ત્રણ ત્રણ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે. આખો ક્લાસ ખીચોખીચ ભરીને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. કોરોના કાળમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ગજેરા સ્કૂલને જરાય પણ ચિંતા ન હોય તેવું જણાઈ રહ્યું છે.

શાળાના સત્તાધિશોએ પોતાની ભૂલ પર પડદો નાખતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને નોટબુકની ચકાસણી માટે બોલાવ્યા હતા અને વાલીઓના સમંતિપત્રક પણ લેવામાં આવ્યા હતા. શાળા સત્તાધિશોએ એવું પણ કહ્યું છે કે, આવતીકાલથી વિદ્યાર્થીઓને શાળાએ નહીં બોલાવાય. સમગ્ર મામલો સામે આવતાં જ વિદ્યાર્થીઓને શાળાએથી હાલ રજા આપી દેવામાં આવી છે.

ભાજપના નેતાની છે સ્કૂલ

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી આ ગજેરા સ્કૂલ ભાજપના નેતાની છે. તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધીરુ ગજેરાની આ સ્કૂલ છે. ભાજપની સરકારે જ રાજ્યમાં હાલ ધોરણ 9 થી 12ના વર્ગો જ શરૂ કરવાની પરવાનગી આપી છે ત્યારે સરકારના નિયમોની ઉપર જઈને ભાજપના જ નેતાની શાળામાં ધોરણ 6 થી 8ના વર્ગો ચલાવવામાં આવી રહ્યો હોવાનું ધ્યાને આવતા તંત્ર સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે. ભાજપના નેતાઓ જ જાણે પોતાની સરકારના નિયમોને ઘોળીને પી ગયા હોય તેમ પોતાની મનમાની ચલાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

કતારગામની ગજેરા સ્કૂલમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વિદ્યાર્થીઓને શાળાએ બોલાવીને વર્ગો ચલાવવામાં આવી રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. આજે મીડિયાને આ વાતની જાણ થતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે આ અંગે શાળા સંચાલકો સામે ખરેખર કડક કાર્યવાહી થશે કે પછી સરકારની મીઠી નજર હેઠળ મામલો દબાઈ જશે તે જોવું રહ્યું.

કોંગ્રેસના આક્ષેપ

ગજેરા સ્કૂલમાં ધોરણ 6 થી 8ના વર્ગો મંજૂરી વગર ચાલતા હોવાના મામલે કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ભાજપના નેતાઓ અને મળતિયાઓ માટે કાયદા કાનૂન જુદા છે અને ગુજરાતની સામાન્ય જનતા માટે કાયદાઓ જુદા છે. સી.આર.પાટીલને મોટી મોટી રેલીઓ કરવી હોય તો છૂટ, ભાજપને કાર્યક્રમ કરવા હોય તો છૂટ, એમના નેતાઓને બાળકોને સ્કૂલમાં બોલાવવા હોય તો છૂટ પરંતુ સામાન્ય લોકો કોઈ નિયમનો ભંગ કરે, કોઈ પરમિશન માગે તો તેના પર તવાઈ કરવાની. આ બેવડી નીતિના કારણે, દુરંદેશીના અભાવના કારણે, નમસ્તે ટ્રમ્પ જેવા કાર્યક્રમો કરીને જ ગુજરાતમાં કોરોનાને આમંત્રણ આપ્યું અને ગુજરાતની પ્રજા મહામારીનો ભોગ બની.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments