Homeસિનેમાવાદકિશોર કુમાર: એક બખત કી બાત બતાયેં એક બખત કી...

કિશોર કુમાર: એક બખત કી બાત બતાયેં એક બખત કી…

ઝાલાવાડી જલજીરા: પેઢીઓની પેઢીઓ બદલાઈ જાય છે. કિશોર કુમારનો ચાર્મ ભૂંસાતો નથી. વર્ષાવનના જંગલમાં મેઘરાજાની અતિરિક્ત એષણા સેવતા કાર્તિકેયના વાહનના સુમધુર ટહુકાર જેવો અવાજ. માદા નહીં પણ નર કોયલ ગાય છે, તેની સંસ્કૃત સાહિત્ય બાદ મનુષ્ય જાતિને સાબિત આપતો ઉત્તમ ધ્વનિ. ગિરનારના ઘનઘોર જંગલમાં આવેલા ભરતવન અને રામવન જેવી તૃપ્તિ આપતો, કે પછી કોઈ વર્ષોની મહેનત બાદ, કોઈ એક નિબંધકારને ખબર પડે કે હવે દસ વર્ષે આ નિબંધ બરાબર લખાયો છે અને તેના હ્રદયમાં સંતોષરૂપી ઓડકાર આવે એવો જ અદ્દલ સંતોષ પુનરપિ પુનરપિ કિશોર કુમારનું શ્રવણ કરતા મળે છે.

બંગાળી હોવું અને ટેલેન્ટ હોવી એ જવાબદારી છે. બાકી તો બંગાળના હોય અને લેખક હોય તો શું બધા ટાગોર બની ગયાના દાખલા છે? નથી. બધા કિશોર કુમાર બન્યા છે? બિલકુલ નહીં. એમ તો બંગાળમાં કેટલીય ફિલ્મો બની, પણ શું બધી ફિલ્મો સત્યજીત રાય કે ઋત્વિક ઘટકના સિનેમાને ટક્કર આપે એવી છે? એક પણ નહીં. કોઈનું કૌશલ્ય એક સરખું નથી હોતું. તેને કોપી કરનારો પણ તેનાથી અનોખી ભાત પાડતો જ હોય છે. અદ્દલ એવો ઘુઘવતો અર્ણવ તો ન જ બની શકે. જગતમાં એક બડભાગી હોય જે કિશોર કુમાર બને. ખૂદ કિશોર કુમાર ધરતી પર ફરી જન્મ લઈ ઈચ્છે તોપણ ફરી એવા જ કિશોર કુમાર ન બની શકે. બાકી તો કેટલાય કિશોર પાનની દુકાને રખડે છે, પણ એ કિશોરને કોઈ યાદ કરતા નથી. એક જ કિશોરનું સ્મરણ કરીએ છીએ.

કિશોર. કેવું નામ? નામ પ્રમાણેના ગુણ. ફિલ્મમાં પીઢ વ્યક્તિનો રોલ નિભાવનારા કિશોર કુમાર જે હરકત કરે એય યશવંત મહેતા કે આઈ.કે વીજળીવાળાની કિશોર સાહસકથાના કિશોર જેવી હોય. કંઈક મજાકિયું સાહસ કરે. હસાવી દે અને કોઈ કોઈ વખત તો રાજેશ ખન્નાનો અવાજ બની રડાવી દે. કિશોર આટલો હસતો, કારણ કે કેટલાક માણસની છાતીમાં કેટલાક ઘા એવા પણ લાગેલા હોય છે જે સામેવાળાને કોઈ દિવસ દેખાતા નથી. વિનોદ ભટ્ટ કહે છે એમ, ‘હાસ્ય તો ખારા આંસુ કહેવાય.’

આ તો આપણા માટે દુર્ભાગ્યશાળી વ્યક્તિ. મોટાભાઈનો જે દિવસે જન્મદિવસ એ દિવસ એનું મૃત્યુ! અમારે રાજીપો વ્યક્ત કરવો કે ખાલીપો વ્યક્ત કરવો. 76 વર્ષીય અશોક થયા હતા. કિશોરે હિન્દી સિનેમાના દિગ્ગજોને પાર્ટી પર બોલાવ્યા હતા. મોટાના જન્મદિવસમાં કાંઈ ઘટવું ન જોઈએ. પુત્ર અમિત લંડનથી પરત ફરતો હતો એટલે સોને પે સુહાગા જેવો અવસર હતો. અને એ દિવસે જ કિશોર આપણને સૌને છોડીને ચાલ્યા ગયા.

એક અફવા છે. અફવા છે કે સત્ય ખબર નથી, પણ હિન્દી સિનેમાની દુનિયા કહે છે કે, એ તો કિશોર કુમારની જિંદગીનો પડછાયો જ છે. કિશોરદાની પ્રથમ પત્નીનું નામ રોમા ગુહા. એનેય કિશોર કુમારની જેમ સિંગર બનવું હતું. કિશોર કહેતા હતા કે, તું ઘર સંભાળ, હું વ્યવસાય સંભાળું છું. રોમાને આ વાત પસંદ નહોતી. કહે છે, અમિતાભ અને જયા બચ્ચનની ફિલ્મ અભિમાન એ આ બંનેના જીવન પરથી જ છે.

તમે કિશોર કુમારને મળો કે ન મળો. મધુબાલાના જીવનના અંતિમ દિવસમાંથી એ વાતનો પરિચય પ્રાપ્ત થાય છે કે કિશોર કુમાર લાગણી ધરાવતા માણસ હતા. બાથરૂમમાં ફક્ત ગાતા નહીં હોય રડી પણ લેતા હશે. ખબર હતી કે મધુબાલાના હ્રદયમાં કાણું છે. એ જીવી નહીં શકે. ને તોપણ વેવિશાળ કરવા. આ સાચો પ્રેમી જ કરી શકે. આ કથાનકને આધાર તરીકે લઈ ને પણ કેટલીય નાની મોટી સિરીયલોના ઝરણાઓ ફૂટી નીકળ્યાં. જેમાં નાયિકા કોઈ રોગથી પીડાતી હોય અને નાયક કોઈ રોગ ન હોવા છતાં તેનાથી પણ મોટા અસહ્ય રોગથી દુભાતો હોય.  

ફિલ્મ હતી ચલતી કા નામ ગાડી. જેમાં ત્રણે કુમારબંધુઓએ અભિનયના ઓજસ પાથર્યા હતા. હિરોઈન હતી મધુબાલા. ફિલ્મના સેટ પર મધુ અને કિશોરની આંખો મળી ગઈ અને પ્રેમ થઈ ગયો. કિશોરને એ વાતની ખબર હતી કે મધુબાલા લાંબું નહીં જીવી શકે તોપણ તેમણે તેમની સાથે લગ્ન કર્યા. કિશોર ઈચ્છતા હતા કે લગ્ન પહેલા ગમે તેમ કરી મધુબાલાનો ઈલાજ કરાવી લઉં, સામે મધુબાલા ઈચ્છતી હતી કે પહેલા લગ્ન પછી ઈલાજ. કિશોરે તુરંત લગ્ન કર્યા અને મધુબાલાના ઈલાજ માટે લંડન ચાલ્યા ગયા. ખૂબ પ્રયત્ન કર્યા પણ કિશોરદા એકલા પડી ગયા… તેમના એ ગીતની જેમ.

मगर जी नहीं सकते तुम्हारे बिना

हमें तुम से प्यार…

આનંદ ફિલ્મ માટે ઋષિકેશ મુખર્જીની પહેલી પસંદ કિશોર કુમાર હતા. કિશોર કોઈ સાથે ઝઘડીને આવ્યા હતા અને ચોકીદારને કહી દીધેલું કે, ‘કોઈ ઘરમાં આવવા ઈચ્છે તો પરમીશન ન આપતો.’ એ દિવસે ઘરમાં ઋષિકેશ મુખર્જી જ આવ્યા. બિચારા અંદર પ્રવેશ ન કરી શક્યા. આનંદમાં કિશોર કુમાર હોત, તો એવું લાગે તો છે કે રાજશે ખન્નાએ આપણને જેટલા રડાવ્યાં તેનાથી વધારે કિશોર કુમાર રડાવી દેત? તમે શું વિચારો છો? કિશોરનાં જીવનનો આ કિસ્સો તેના માટે અહર્નિષ પરિતાપ બનીને રહી ગયો.

કિશોર કુમાર હિન્દી ઉદ્યોગ જગતમાં પ્રવેશ કરવા ઈચ્છતાં હતાં ત્યારે તેમને ફિલ્મ સાથે સંકળાયેલા લોકો ધુત્કારતા હતા. કિશોર જ્યારે લોકપ્રિય થયા ત્યારે તેમણે આ લોકોને બોલાવ્યા પણ નહીં. એ સમયના દિગ્દર્શક અને અભિનેતાઓને લાગતું હતું કે, ‘મોટાભાઈ અશોક હીરો છે તો શું આ પણ ચાલતી ગાડીમાં ચડી જશે?’ એક સમય એવો પણ આવ્યો કે કિશોર કુમારે એક પણ ફિલ્મ ન કરી. એક પણ ગીત ન ગાયું. ઈન્કમ ટેક્સ ભરવાનો હતો, તો એ માટે સ્ટેજ પર ગીતો ગાઈ લીધા. કિશોરના ઠરતા દીવાની આડે હાથ રાખી એક વ્યક્તિ ઊભો રહ્યો. તેણે કહ્યું, ‘એક નાનો પ્રોજેક્ટ છે, ચાલો સાથે કામ કરીએ.’ કિશોરે હા પાડી દીધી. ફિલ્મમાં એક નવો સવો અભિનેતા હતો. જે હીટ જશે કે નહીં કોઈ અનુમાન પણ નહોતું લગાવી રહ્યું. બધા ગીતો કિશોર કુમારે ગાયા અને ફિલ્મનો આલ્બમ સુપરહીટ થઈ ગયો. કિશોર માટે એ વ્યક્તિ એટલે એસ.ડી.બર્મન અને નવોસવો છોકરો એટલે હિન્દી સિનેમાનો પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્ના. ફિલ્મ આરાધના.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments