Homeગુર્જર નગરીરાજધાની એક્સપ્રેસમાં ટિકિટ વિના મુસાફરી કરતાં મુસાફરો પાસેથી તોડપાણી કરનાર રેલવેના કર્મચારીઓને...

રાજધાની એક્સપ્રેસમાં ટિકિટ વિના મુસાફરી કરતાં મુસાફરો પાસેથી તોડપાણી કરનાર રેલવેના કર્મચારીઓને ગાંધીનગર એસીબીની ટીમે ઝડપ્યા

Team Chabuk-Gujarat Desk: લાંચ લેવાના બનાવો હવે દરેક સરકારી વિભાગોમાં બની રહ્યા છે. જેમાં ભારતીય રેલવે પણ બાકાત નથી. ત્યારે ગુજરાતમાંથી ટિકિટ વિના મુસાફરી કરતાં મુસાફરો પાસેથી તોડ કરીને રૂપિયા ઉઘરાવતા રેલવેના કર્મચારીઓ એસીબીના હાથે ઝડપાઈ ગયા છે. રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં ટિકિટ લીધા વિના મુસાફરી કરતાં મુસાફરો સામે કાર્યવાહી ન કરવાના નામે લાંચ લેતા અધિકારીને ગાંધીનગર એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધા છે. ગાંધીનગર એસીબીની ટીમ દ્વારા અગાઉથી મળેલી બાતમીના આધારે રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં ટ્રેપ ગોઠવીને ટિકિટ વિના મુસાફરી કરતાં મુસાફરો સામે કાયદેસરની કાર્યવાહી નહીં કરી લાંચ પેટે તોડ પાણી કરી લેતા વેસ્ટર્ન રેલવે ઝોન, અમદાવાદ ડિવિઝન ભારતીય રેલવેનાં ડેપ્યુટી ચીફ ટિકિટ ઇન્સ્પેટર અને આસિસ્ટન્ટ હેલ્પરને મહેસાણા જંકશન પર ત્રણ મુસાફરો પાસેથી રૂ. 1500ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લઈ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદથી અન્ય જિલ્લાઓ અને રાજ્યોમાં જતી ટ્રેનોમાં ટી.ટી., ટી.સી., આર.પી.એફ. તથા રેલવે પોલીસના અઘિકારી/કર્મચારીઓ દ્વારા ટિકિટ ન લીધેલા પેસેન્જરો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે લાંચ પેટે તોડ પાણી કરીને રૂપિયા ઉઘરાવી લેતાં હોવાની બાતમી ગાંધીનગર એસીબી પોલીસ મથકના પીઆઈ એસ.ડી.ચૌધરીને મળી હતી.

રેલવેના આવા તોડબાજ કર્મચારીઓને ઝડપી પાડવા માટે મદદનીશ નિયામક એ.કે.પરમારની દેખરેખ હેઠળ રાજધાની એક્સપ્રેસમાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેનાં ભાગરૂપે ગાંધીનગર એસીબીની ટીમ રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરોનાં સ્વાંગમાં ચડી ગઈ હતી. આ ટ્રેપમાં સહકાર આપનાર ડીકોયર સાથે અન્ય બે વ્યક્તિઓ પણ રાજધાની એકસપ્રેસ ટ્રેનમાં બેસી મહેસાણા-પાલનપુર જવા ટિકિટ લીધી ન હતી.

બાદમાં વેસ્ટર્ન રેલવે ઝોન, અમદાવાદ ડિવિઝન ભારતીય રેલવેનાં ડેપ્યુટી ચીફ ટિકિટ ઇન્સ્પેટર કમલેશ રાધેશ્યામ શર્મા અને આસિસ્ટન્ટ હેલ્પર (ઇલેક્ટ્રિશિયન) રૂપેશગીરી મનોહરગીરી ગોસ્વામીએ ડીકોયર પાસે ટિકિટ માંગી હતી. પરંતુ અગાઉથી નક્કી થયા મુજબ તેમની પાસે ટિકિટ ન હતી. આથી ટિકિટ ઇન્સ્પેકટર કમલેશ અને હેલ્પર રૂપેશગીરીએ કાયદેસરની કાર્યવાહી નહીં કરી એક મુસાફર દીઠ રૂ. 500 લેખે ત્રણેય પાસેથી રૂ. 1500ની લાંચ માંગી હતી.

જે રૂપિયા હેલ્પર રૂપેશગીરી ગોસ્વામીએ ઉઘરાવીને ટિકિટ ઇન્સ્પેકટર કમલેશ રાધેશ્યામ શર્માને આપતાં જ મુસાફરનાં સ્વાંગમાં ટ્રેનમાં બેઠેલ એસીબીની ટીમે બન્નેને લાંચની રકમ સાથે રંગેહાથ ઝડપી લીધા હતા અને બન્ને તોડ બાજ વેસ્ટર્ન રેલવેના કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મહેસાણા જંકશન પર એસીબીની ટ્રેપ થઈ હોવાની વાત રેલવે તંત્રમાં વહેતી થતાં જ અન્ય કર્મચારીઓ પણ ફફડાટ ફેલાઈ ગયો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments