Homeગુર્જર નગરીમેટ્રો રેલ પ્રોજેક્ટનું પ્રધાનમંત્રી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ખાતમુહૂર્ત

મેટ્રો રેલ પ્રોજેક્ટનું પ્રધાનમંત્રી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ખાતમુહૂર્ત

Team Chabuk-Gujarat Desk : કોરોનાકાળમાં પણ ભારતભરમાં મોદી સરકાર દ્વારા વિકાસના કામોને વેગ આપવામાં આવી રહ્યો છે. આજે ગુજરાતના બે મોટા મેટ્રો રેલ પ્રોજેક્ટનું પ્રધાનમંત્રી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે ગાંધીનગર વિસ્તારના સાંસદ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પણ હાજરી પૂરાવી હતી. જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટનો આ બીજો તબક્કો છે. બીજા તબક્કામાં મોટેરાથી મહાત્મા મંદિર સુધી 22.8 કિલોમીટરનો રૂટ તૈયાર કરવામાં આવશે. જેમાં અંદાજે 5 હજાર 553 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. બીજા તબક્કામાં મોટેરાથી મહાત્મા મંદિર સુધી કુલ 20 જેટલા એલિવેટેડ સ્ટેશનો તૈયાર કરાશે. મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો વસ્ત્રાલથી મોટેરા સુધીનો પૂર્ણતાને આરે છે.

બીજી તરફ 20 વર્ષ બાદ સુરતનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. 20 વર્ષથી સુરતીઓ મેટ્રો ટ્રેનની મીટ માંડીને બેઠા છે. આખરે હવે એ દિવસ આવી ગયો છે જ્યારે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સુરત શહેર ઝડપથી વિકસી રહ્યું હોવાની વાત પોતાના ભાષણમાં મુકી હતી. મેટ્રો ટ્રેનથી સુરતની સૂરત બદલાઈ જશે. PM મોદી મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું ડિજિટલ માધ્યમથી ખાતમુહૂર્ત કર્યું ત્યારે આ તકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ હાજર રહ્યા હતા.

સુરત મેટ્રોરેલ પ્રોજેક્ટની ખાસ વાતો

  • મેટ્રો રેલ પ્રોજેક્ટ પાછળ કુલ અંદાજીત ખર્ચ 12 હજાર કરોડ રૂપિયા
  • 21 કિલોમીટરનો રૂટ તૈયાર કરવામાં આવશે
  • 20 જેટલા સ્ટેશનોનું નિર્માણ કરાશે
  • ખજોડના ડાયમંડ બુર્સથી ફેઝ-1નું કામ શરૂ થશે
  • ખજોડથી કાદરશાની નાળ સુધી 11.6 કિલોમીટર કામ કરાશે
  • રેલવે સ્ટેશનથી ચોકબજાર સુધી 3.46 કિલોમીટરનું કામ શરૂ કરાશે
  • 2023 સુધીમાં ફેઝ-1નું કામ પૂર્ણ થાય તેવી શક્યતા
  • દરેક રૂટ પર 4 મેટ્રો ટ્રેન દોડશે
  • દરેક ટ્રેન 3-3 કોચની હશે
  • ટ્રેનની એવરેજ સ્પીડ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે
  • ટ્રેન વધુમાં વધુ 90 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ રહેશે
  • એક કોચમાં 136 સીટ હશે
  • મેટ્રો ટ્રેનમાં 764 મુસાફરોની ક્ષમતા હશે
  • મેટ્રો ટ્રેનનું ઓછામાં ઓછું ભાડુ 10 રૂપિયા રહેશે

ભારતમાં મેટ્રો ટ્રેનનો ઈતિહાસ ટૂંકમાં

ભારતમાં પ્રથમ મેટ્રો ટ્રેન સેવા કોલકત્તામાં શરૂ થઈ હતી. 1984થી અહીં મેટ્રો ટ્રેન દોડી રહી છે. ત્યારબાદ દિલ્હીમાં મેટ્રો ટ્રેન સેવા શરૂ કરાઈ. જે ખુબ સફળ પ્રોજેક્ટ સાબિત થયો છે. 2002થી દિલ્હીમાં મેટ્રો ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે જે હવે ઘણી અપડેટ થઈ ગઈ છે. દિલ્હીમાં જ દેશનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. અત્યાર સુધીમાં દિલ્હીમાં કુલ અંદાજે 389 કિલોમીટર જેટલા વિસ્તારમાં મેટ્રોનું નેટવર્ક ફેલાઈ ચુક્યું છે. દિલ્હીમાં મેટ્રો ટ્રેનના કુલ 285 જેટલા સ્ટેશન્સ છે. આ ઉપરાંત બેંગાલુરૂમાં પણ મેટ્રો રેલ સેવા શરૂ છે. અહીં 2011માં મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ હતી. ત્યારબાદ તબક્કાવાર આ સેવામાં વધારો થઈ રહ્યો છે.

2014માં મુંબઈમાં મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ.  2015માં ચેન્નઈ અને જયપુરમાં મેટ્રો ટ્રેન સેવા શરૂ થઈ જેનો આજે પણ લોકો લાભ લઈ રહ્યા છે. આ ઉપરાંત કોચી અને હૈદરાબાદમાં પણ મેટ્રો દોડી રહી છે. 2017માં અહીં મેટ્રો ટ્રેન સેવાની શરૂઆત થઈ હતી. હવે ગુજરાતમાં અમદાવાદ બાદ સુરત અને ગાંધીનગર સુધી મેટ્રો સેવાની શરૂઆત થવા જઈ રહી છે. આગામી વર્ષોમાં લોકો મેટ્રો ટ્રેન સેવાનો લાભ લઈ શકશે.

કામ ક્યારે પૂર્ણ થશે ?

અમદાવાદની મેટ્રોનું કામકાજ 2022 સુધીમાં પૂર્ણ થઈ જશે. જે અમદાવાદથી ગાંધીનગર સુધીના માર્ગને જોડે છે. ભારતની આઝાદીના 75મું વર્ષ પૂર્ણ થાય ત્યારે જ મેટ્રો સેવાનું ઉદ્ધાટન ગુજરાતમાં કરવામાં આવશે. વાત જો સુરતની કરવામાં આવે તો સુરતમાં 2024 સુધીમાં કાર્ય પૂર્ણ કરવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments