Homeસિનેમાવાદહરમન બાવેજા : જેનું કરિયર મધુરાયની નવલકથા પણ ન બચાવી શકી

હરમન બાવેજા : જેનું કરિયર મધુરાયની નવલકથા પણ ન બચાવી શકી

ઝાલાવાડી જલજીરા : વર્ષ 2008નું અને ફિલ્મ છે લવસ્ટોરી 2050. દૂર દૂર સુધી કોઈને નહોતી ખબર કે ભારતમાં સાયન્સ ફિક્શન ફિલ્મ બની શકે. એ પણ એક નવા હીરોને લઈને જેને હજુ સુધી કોઈ નથી ઓળખતું. કરન મલ્હોત્રાએ ફિલ્મ દિગ્દર્શિત કરી હતી. એમાં હીરો હતો હરમન બાવેજા.

અત્યારે પણ છે, પણ એ ફિલ્મની રિવ્યૂવીરોએ એટલી હદે પીટાઈ કરી નાખી કે ખૂદ હરમન પણ એ ફિલ્મને યાદ કરવા નહીં માગતો હોય. હોલિવુડમાં સ્ટાર થઈ ગઈ અને પોતાનાથી નાની ઉંમરના નિક જોનાસને પરણી જોનાસ ઘરની વહુ થઈ ગયેલી પ્રિયંકા ચોપરા તેમાં લીડ રોલમાં હતી. પ્રિયંકા અને હરમન વચ્ચે ઈલુ ઈલુ હોવાની વાતો ખૂબ ચાલી હતી. ન તો પ્રિયંકાની કરિયરને એ ફિલ્મ તારી શકી ન તો હરમનની. પ્રિયંકાને તો તેના અભિનયના જોરે અને તેના વર્ચસ્વને લઈ ફિલ્મો મળતી રહી. પણ હરમનબાબુ ખોવાઈ ગયા.

હરમન પર આક્ષેપો પણ થયા હતા કે તેણે બધુ ઋત્વિક રોશન જેવું જ કોપી માર્યું છે. એ ચહેરાથી તો એવો જ દેખાતો હતો, પણ ડાન્સ સુદ્ધા તેની જેમ જ કરતો હતો. એ ફિલ્મ ચાલી નહીં. બોક્સઓફિસ પર ધબડકો થયો. 2009ની સાલમાં વિક્ટ્રી નામની ફિલ્મ કરી. ઘણાને એવું લાગતું હતું કે આ યુવરાજ સિંહના જીવન પર આધારિત ફિલ્મ છે. જો કે એવું કંઈ ન હોતું. ફિલ્મને ચલાવવા માટે ચલાવવામાં આવેલા ગપગોળો હતો. ફિલ્મમાં રિયલ ક્રિકેટરો હતા જેને હરમન બેટીંગના બળે પીટતો હતો પણ એક્ટિંગના બળે તે કંઈ ન કરી શક્યો.

એ જ વર્ષ હતું. હરમને પોતાના નામમાં ફેરફાર કર્યો. નામમાં ‘S’ વધારે ઉમેરી દીધો. શું કામે ? દાદાને ટ્રીબ્યુટ કરવા માટે. હરમનની કિસ્મત ન ચાલી અને તેની કરિયરનો ગ્રાફ વધારે નીચે જવા લાગ્યો. હરમન તેના લુકથી યુવતીઓને ઈમ્પ્રેસ કરતો હતો પણ તેની ધડાધડ ફ્લોપ જઈ રહેલી ફિલ્મોને બચાવનારું કોઈ નહોતું.

પ્રિયંકા ચોપરા અને હરમન બાવેજા ફરી એક વખત આવ્યા. આ વખતે આશુતોષ ગોવારિકર પણ સાથે હતા. આશુતોષે લગાન અને જોધા અકબર જેવી ફિલ્મો બનાવી હોવાથી કોઈને પણ અપેક્ષા તો રહેવાની જ, તો અભિનેતા હરમનને કેમ ન રહે ? ગુજરાતીઓને તો ખાસ અપેક્ષા રહેવાની, કારણ કે ફિલ્મ ગુજરાતી નવલકથાકાર મધુરાયની નવલકથા કિમ્બલ રેવન્સવુડ પરથી બનાવવામાં આવી હતી.

એ નવલકથા વાંચો તો મજા જ આવ્યા રાખે પણ જો ફિલ્મ બનાવવાનું વિચારો તો ખૂબ જ મહેનત કરવી પડે. એક બાજુ આશુતોષ ગોવારિકર જેવો દિગ્દર્શક જે કોઈ ફિલ્મની જાહેરાત કરે તો પહેલા જ દર્શકો અને ક્રિટિક એ વિચારે કે તેની લંબાઈ કેટલી હશે. વોટ્સ યોર રાશી વખતે તો એક જોક પણ ફરતો થયો હતો કે, આશુતોષ જો શીઘ્ર સ્ખલન પર ફિલ્મ બનાવે તો તે પણ ત્રણેક કલાક ઉપરની તો હોય જ.

એમાંય વોટ્સયોર રાશી ?નું તો શું કહેવું. નવલકથામાં વાત યોગેશ પટેલ નામના ગુજરાતીની છે. જે નક્કી કરે છે કે 12 રાશીની 12 છોકરીઓને મળવું અને પછી યોગ્ય યુવતી સાથે વેવિશાળ કરવા. પ્રિયંકા ચોપરા રેકોર્ડ કરતી ગઈ કે તેણે 12 અલગ અલગ રોલ પ્લે કર્યા. ફિલ્મના ઘણા ગીતો સરસ હતા. એમાં પણ શું છે શું છે એ મને કઈ દો… કઈ દો મનમાં શું છે ? તો હજુય મગજમાં ફેરફુદરડી ફરે છે. આ એ જ ફિલ્મ હતી જે પછી હરમન બાવેજા 2014ની સાલ સુધી નહોતો દેખાવાનો. 2014માં ઢીશ્કીયાઉંમાં જોવા મળ્યો. જેમાં 2007-09વાળો હરમન તો ગાયબ જ હતો.

2020માં તેની છેલ્લી ફિલ્મ ઈટ્સ માય લાઈફ રિલીઝ થઈ જે બની 2007માં ગઈ હતી, પણ કેટલાક ફિલ્મી કારણોસર અધવચ્ચે જ અટકી ગઈ હતી. એમાં ફરી જૂનો હરમન બાવેજા દેખાયો. લવ સ્ટોરી 2050 ફિલ્મની જેમ તેનું શરીર ભૂતમાંથી ભવિષ્યમાં ચાલ્યું ગયું હતું! ઘણાને આશ્ચર્ય થયું હશે કે આ ભૂતકાળમાંથી ફરી તો નથી આવી ગયોને ?

તો હરમનને યાદ શું કામે કરીએ છીએ ? હરમને સગાઈ કરી લીધી. આજે સવારમાં તસવીર સામે આવી તો હરમનની કાળી દાઢી પર સફેદ દાઢી સવાર હતી. કોઈ ન કહે કે એક સમયે તે ઋત્વિક જેવો લાગતો હતો. 21 માર્ચ 2021માં શાશા રામચંદાની સાથે કલકતામાં જીવનના નવા પડાવની શરૂઆત કરશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments