Team Chabuk-Gujarat Desk: જૂનાગઢની બહાઉદ્દીન કોલેજને હેરિટેજ જાહેર કર્યા બાદ તેની નીતનવીન સમસ્યાઓ બિલાડીના ટોપની માફક ફૂટીને બહાર આવી રહી છે. આ પહેલા બહાઉદ્દીનને જ્યારે હેરિટેજ બિલ્ડીંગમાં સ્થાન મળ્યું તે સમયે જ રાજ્યકક્ષાનો સ્વતંત્રતા દિવસ હોય જૂનાગઢની તમામ બિલ્ડીંગને નવવધૂની માફક શણગાર કરવામાં આવ્યો હતો, પણ હેરિટેજ બહાઉદ્દીન જ વિસરાઈ ગઈ હતી. બિલ્ડીંગ ઝળહળવાની જગ્યાએ અંધારપટ છવાયો હતો. અને હવે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેની પાછળના ભાગમાં જ કચરાનો અલમસ્ત ઢગ ઠલવાય રહ્યો છે.

કચરાના આ મહાકાય ઢગથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફ પડી રહી છે. આરંભે જ ધ્યાન આપવામાં આવ્યું હોત તો આટલો મોટો ઢગ ન થાત, પરંતુ હવે આ ઢગ બૃહદકાય બન્યો છે. ગંદી વાસ આવી રહી છે. પાસેથી પસાર પણ ન થઈ શકાય ત્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ કેવી રીતે કરતા હશે? આસપાસનું વાતાવરણ જે પહેલા ચોખ્ખુ રહેતું હતું તે હવે ગંદકીની હવડવાસથી ભરાય જાય છે.

આ અંગે તારીખ 24-9-2021ના રોજ NSUIના પ્રમુખ યુગ પુરોહિત દ્વારા પણ મહાનગરપાલિકાના કમિશ્નરને એક અરજી લખી નકલ રવાના કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢની પાછળ ખડકાયેલા ‘ગંદાગઢ’ ને હટાવવા માટે કહેવામાં આવ્યું હતું. અરજીમાં લખવામાં આવ્યું છે કે, ‘મહાનગરપાલિકા દ્વારા ડમ્પિંગ યાર્ડ બનાવી શહેરનો બધો કચરો ત્યાં ભેગો કરવામાં આવે છે. આથી વિદ્યાર્થીઓ ખૂબ જ પરેશાન છે. તો આપ આ સમસ્યાનો તાત્કાલિન ઉકેલ લાવો.’

ઉલ્લેખનીય છે કે ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો વકરતો હોય છે. એવામાં કચરાનો આટલો મોટો ઢગ મચ્છરો માટે આશિર્વાદ સમાન જ ગણવો રહ્યો. NSUIના પ્રમુખ દ્વારા અરજીમાં એ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે કચરાના આટલા મોટા ઢગના કારણે કેટલાય વિદ્યાર્થીઓ ડેન્ગ્યુ અને મલેરિયાની ઝપેટમાં આવી ગયા હોવાની ફરિયાદો સાંભળવા મળી છે. આ અંગે પ્રમુખ દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આવનારા સમયમાં જો આ સમસ્યાનો નિકાલ નહીં આવે તો કચેરીનો ઘેરાવ કરવામાં આવશે. જેની જવાબદારી પણ પ્રશાસનની રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત