Team Chabuk-Gujarat Desk : 26મી જાન્યુઆરીથી જૂનાગઢનાં ગિરનારમાં પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકે આ માટે નેચર સફારી પાર્ક શરૂ કરવામાં આવ્યું છે. જોકે, સફારી પાર્ક શરૂ થતાની સાથે જ રોપ-વેની જેમ ભાડા મુદ્દે વિવાદમાં આવી ગયું છે. નેચર સફારી પાર્કમાં સિંહ દર્શન માટે જવા માટેનું ભાડું એટલું વધુ છે કે, તે સામાન્ય માણસોને તો પોસાય તેવું નથી. એટલે ફરી એકવાર વિવાદ સર્જાયો છે. સોશિયલ મીડિયા પર નેચર સફારી પાર્કનાં ભાડા મુદ્દે વિરોધ પણ થઈ રહ્યો છે.
જંગલ સફારી પાર્કમાં જવા માટે કુલ 26 કિલોમીટર નક્કી કરાયા છે. 13 કિલોમીટર જવાના-13 કિલોમીટર પરત ફરવાના. આ દરમિયાન જો તમને જંગલનો રાજા જોવા મળી જાય તો ઠીક, ન મળે તો નિયત સમયમાં તમારે પરત ફરવું પડશે. એટલે કે, રૂપિયા ચુકવવા છતાં એની કોઈ જ ગેરંટી નથી આપવામાં આવી કે તમને સિંહ જોવા જ મળશે. આ સફરના એક મુસાફરે ચુકવવા પડશે કુલ 2900 રૂપિયા. એમાં જો રજાનો દિવસ હશે તો ખિસ્સામાં 200 રૂપિયાનો બોજ મુસાફરો માટે વધારાનો ભાર નખાશે. એટલે રજાના દિવસોમાં મુસાફરોને આ સફર 3 હજાર 100 રૂપિયામાં પડશે. આ ભાડામાં પરમિટ, જીપ્સી અને ગાઈડનું ભાડુ સામેલ છે.
નેચર સફારી પાર્કની વિગતો
સવારે 4 અને સાંજે 4 મળી કુલ 8 પરમિટ નીકળશે
જીપ્સીમાં એક 3થી 12 વર્ષનું બાળક મળી કુલ 7 પ્રવાસી બેસી શકશે
એક દિવસમાં વધુમાં વધુ 36 પ્રવાસીને મંજૂરી અપાશે
ઇન્દ્રેશ્વરથી જાંબુડી થઈ પાતુરણ વન વિસ્તારનો 13 કિમીનો રૂટ
આટલું ચુકવણું કરવું પડશે
6 વ્યક્તિના 800 પરમિટના
બાળકના 100 રૂપિયા વધારાના
જીપ્સીનું ભાડું 1700 રૂપિયા
ગાઇડને ચુકવવાના રૂપિયા 400
રજાના દિવસે જીપ્સીવાળાને મજ્જા !
શનિ-રવિ અથવા તહેવારોના દિવસે પરિમટના 800ના બદલે 1 હજાર રહેશે
રજાના દિવસે બાળકોના 100ના બદલે 125 ચુકવવા પડશે
વિદેશી પ્રવાસી માટે ભાડું કેમ અલગ ?
વિદેશી પ્રવાસી માટે 6 વ્યક્તિના પરમિટના 5 હજાર 600
વિદેશી પ્રવાસી સાથે આવેલા બાળકના 1 હજાર 400
વિદેશી પ્રવાસીઓએ રજાના દિવસે 6 વ્યક્તિએ પરમિટના 7000 ચૂકવવા પડશે
બાળકના 1,750નો ચાર્જ ચૂકવવાનો થશે
આટલું ભાડુ હોવા છતાં પ્રકૃતિપ્રેમીઓ તેમજ જંગલના રાજાની એક નજર નિહાળવા લોકો જઈ રહ્યા છે. જણાવી દઈએ કે ગીરના જંગલમાં કુલ 674 જેટલા સિંહ છે. વન વિભાગના અંદાજમાં સિંહની સંખ્યા વધી હોવાનું કહેવાયું છે. 2017 દરમિયાન કરાયેલા સર્વેમાં આ સંખ્યા 650 જેટલી હતી. એશિયાટિક સિંહોની વિશેષતા એ છે કે તે માત્ર ગુજરાતમાં ગીરના જંગલમાં જ જોવા મળે છે.
એશિયાટિક સિંહ વિશે જાણો
સિંહ પોતાના વિવિધ નામ તરીકે જાણીતો છે. સિંહ ઉપરાંત તેને સાવજ, કેસરી, ઉનિયો, અને બબ્બર શેર તરીકે પણ ઓળખવામાં આવે છે. ASIATIC LION તેનું અંગ્રેજી નામ છે. સિંહનું આયુષ્ય 15 થી 18 વર્ષનું હોય છે. એક તંદુરસ્ત સિંહનું વજન અંદાજે 150થી 180 કિલો સુધીનું હોય છે. જ્યારે સિંહણનો વજન 125થી 135 કિલો સુધીનો હોય છે. સિંહણનો ગર્ભકાળ 105થી 110 દિવસ સુધીનો રહે છે.
સિંહ સામાન્ય રીતે એક દિવસમાં 6થી 8 કિલોગ્રામ ભોજન કરે છે. સિંહ ચિત્તલ, સાંભર, જંગલી ભૂંડ, ચોશિંગા, ચિંકારા, ભેંસ, ગાય વગેરેનો શિકાર કરી મેજબાની માણે છે. સામાન્ય રીતે સિંહ માણસોની વસતીથી દૂર જંગલમાં જ રહેવાનું પસંદ કરે છે. જો કે, ક્યારેક જંગલ વિસ્તારની નજીકના રહેણાંક વિસ્તારમાં પણ જોવા મળી જાય છે. જ્યાં સુધી સિંહને કોઈ માણસ રંજાડતું નથી ત્યાં સુધી તે સુરક્ષિત રહે છે. સિંહ સામાન્ય રીતે માણસોને હાનિ નથી પહોંચાડતો. ગિર વિશે તો બિલકુલ અલગ વાત છે કે અહીં માણસો અને સિંહ એકબીજાના ભાઈબંધ હોય એ રીતે વસવાટ કરે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત