HomeસિનેમાવાદThe Wailing : ધ્યેયને પામવો હોય તો ધ્યેયની આડે આવતાને મિત્ર બનાવી...

The Wailing : ધ્યેયને પામવો હોય તો ધ્યેયની આડે આવતાને મિત્ર બનાવી લો

ઝાલાવાડી જલજીરા : જે સારું દેખાતું હોય તેની પાછળ જોવું. વધારે સારું દેખાશે. અજ્ઞાત નામેરી કોઈ ફિલોસોફરે કહેલી આ પંક્તિ નથી. હિન્દી સિનેમાની પાછળ દક્ષિણની ફિલ્મો છે. જે હિન્દી કરતા સારી છે. કોઈ હિન્દી ફિલ્મ ન કરી શકી પણ દક્ષિણની માસ્ટરે લોકોને ફરી થીએટર તરફ ખેંચ્યા અને બસ્સો કરોડની કમાણી કરી. એવી રીતે જ. મંથર ગતિએ હોલિવુડ ફિલ્મોને દક્ષિણ કોરિયાની ફિલ્મો પછડાટ આપી રહી છે. તેની ફિલ્મો જોઈ કંઈક અલગ ભાસ થાય છે.

ભારતનું દક્ષિણ અને કોરિયાનું સિનેમા જે ‘માસ’ માટે બનાવે છે તે પણ ‘ક્લાસ’ માટે બની જાય છે. આ અભ્યાસનો વિષય છે. ભવિષ્યમાં આ વિષય પર સંશોધનો થાય તો નવાઈ ન પામશો. આવી જ એક ફિલ્મ ઝાલાવાડી જલજીરાએ જોઈ. હવે તો ઓટીટી પ્લેટફોર્મના કારણે મનોરંજનનો એટલો વિસ્ફોટ થાય છે કે કેટલીક સારી ફિલ્મો પણ જોવાતી નથી.

ધ વેઈલિંગ નામની એવી જ એક સાઉથ કોરિયાની ફિલ્મ છે. હોરર ફિલ્મ છે. કોરિયા ભૂત વિષય પર પણ રસપ્રદ અને મગજના તાર ખેંચી નાખતી ફિલ્મો બનાવે છે તે કહેવાની આવશ્યકતા નથી. કોરિયનો દિગ્દર્શકોને સસ્પેન્સ, થ્રીલર, સાઈકોલોજીકલ થ્રીલર અને હોરરની ગળથૂંથી જન્મતા જ પીવડાવી દેવામાં આવતી હશે!!

અહીં એક પિતા પોતાની પુત્રીને કેવી રીતે મોતના મુખમાંથી બચાવવા ધમપછાડા મારે છે તેની વાર્તા છે. સાઉથ કોરિયાની ફિલ્મોમાં પુત્રી એ સેન્ટર પોંઈન્ટ હોય છે. ઓલ્ડબોયમાં એક પુત્રી હતી. જેના પર બદલાની ભાવનાનો કુતુબ મિનાર ચણાયો હતો. ધ હોસ્ટમાં પણ પુત્રીને દૈત્યની ચુંગાલમાંથી બચાવવા માટે પિતા કંઈ પણ કરી છૂટવા તૈયાર હતો. ટ્રેન ટુ બુસાનમાં પણ પુત્રીને જોમ્બીના હાથમાંથી બચાવતો વ્યસ્ત પિતા હતો. જે પોતાની પુત્રીને બુસાન ટ્રેનમાં માતાને ત્યાં છોડવા માટે જાય છે. તેમાં એક સ્ત્રીના પેટમાં બાળક ઉછરી રહ્યું છે. શું એ પણ છોકરી જ હશે ? આવી નાની નાની વાતો સાઉથ કોરિયન ફિલ્મો આપણી સમક્ષ રાખે છે. ઘણી તો પ્રતિકાત્મક જ હોય છે. દિગ્દર્શક તેમાંથી શું સાર કાઢવા માગે છે તે પણ આપણે આપણી રીતે જ સમજવાનું હોય છે.

આજે વાત કરીએ ધ વેઈલિંગની. ધ વેઈલિંગ સાઉથ કોરિયાની હોરર ફિલ્મ છે. 2016ની સાલમાં રિલીઝ થઈ હતી. અભિનયની રીતે પણ ઉત્કૃષ્ટ છે. ફરજીયાત અંગ્રેજી કે હિન્દીમાં જ જોવી પડે, કારણ કે કોરિયન ભાષાથી આપણે અજ્ઞાત છીએ.

એક પોલીસ ઓફિસર છે. જે નબળો છે. કોઈ કામ ઠીકથી નથી કરી શકતો. તેનું નાનું પરિવાર છે. જેમાં માતા, પત્ની અને પુત્રી છે. તેના ગામમાં એક બાદ એક એમ અનહોની કેસ સામે આવવા લાગે છે. કેટલાક લોકોને ભૂત વળગી ગયું હોય તેમ શરીરેથી આખા કાળા થઈ જાય છે. પરિવારની જ પરિવારના લોકો હત્યા કરી નાખે છે. એક બાદ એક ઘર આટીએ આવી રહ્યું છે. ને એમાં પોલીસનો પરિવાર પણ સામેલ થઈ જાય છે. તેની દીકરીને પણ ભૂત વળગે છે. ગામમાં ફેલાયેલી કેટલીક અફવાઓની વાતો અને કથાઓ પરથી તેને માહિતી મળે છે કે જંગલમાં એક સ્થળ પર કોઈ જાપાનીઝ વસવાટ કરી રહ્યો છે. જે આ બધી વિધિમાં આડકતરી રીતે સંડોવાયેલો છે. પોલીસ અને બાદમાં તેના કેટલાક સાથી મિત્રો પણ તેની પાછળ પડી જાય છે અને તેને મારી નાખવાની હદ સુધી પહોંચી જાય છે. એક વખત તો મારી જ નાખે છે. બીજી બાજુ દીકરીનો જીવ બચાવવા માટે માતાની વાત માની એક ભૂત ભગાડનારને બોલાવવામાં આવે છે. એક કોરિયન પ્રિસ્ટ પણ હોય છે. અંત ભયાનક છે.

આ ફિલ્મ જોતી વખતે જલજીરાને થયું કે કોરિયામાં પણ ભારતની માફક જ ભૂત ભગાડવાની વિધિ થાય છે. દાણા નાખવા. એ તો આપણા ગુજરાતમાં પણ થાય! કથાની દૃષ્ટીએ અવ્વલ એવી આ ફિલ્મ તેના લોકેશનના કારણે ઉમદા છે. પહાડીઓ છે. વૃક્ષો છે. અચાનક આવી પડતો વરસાદ છે. કોરિયાનું રિયલ લોકેશન બિહામણું પણ એટલું જ છે.

આખી ફિલ્મ શંકા અને કુશંકાની ધરી પર અટવાયેલી પડી છે. પહેલા આના પર શંકા જાય છે. પછી તેના પર શંકા જાય છે. પછી તેનાથી દૂર હટી શંકા ક્યાંક બીજે અટવાય છે. કોરિયન ફિલ્મ ધ વેઈલિંગમાંથી એ પણ જાણવા મળે છે કે તમારે તમારા ધ્યેયને પામવો હોય તો ધ્યેયની આડે આવતાને મિત્ર બનાવી લો. ફિલ્મની છેલ્લી કેટલીક મિનિટો તો દર્શકોને આ જ સમજાવવા માગે છે.

કોરિયનોએ એક જાપાનીઝને વિલન બનાવ્યો છે. હવે એ વિલન છે પણ કે નહિ ? સાઉથ કોરિયા માટે જેમ દક્ષિણ કોરિયા કે ચીન દુશ્મન હોય તેમ તેમના માટે માઈગ્રેટ થયેલો એક પ્રવાસી જાપાનીઝ દુશ્મન છે. હોરર ફિલ્મમાં માઈગ્રેશનને પણ આ પ્રકારની ભૂમિકા ભજવી શકે એવું આપણે ક્યાં જોયું ? જોકે અહીં તો દિગ્દર્શક ના-હોંગ-જીને એ વાત બારણાની પાછળ સંતાડીને રાખી છે. તેના વિશે એક પણ સંવાદ પ્રયોજ્યો નથી.

કૂકડો સવારમાં બોલે એટલે માણસ ઉઠે. અહીં કૂકડો ત્રણ વખત રાતનાં બોલે તો જે તે વ્યક્તિનું ઘર સાવેય પોઢી જાય. નિયમિત થતી એક ઘટનાને દિગ્દર્શકે ઉલટી કરી નાખી છે. એક સામાન્ય વિચારને અસામાન્ય બનાવી પીરસ્યો છે. કોરિયન ફિલ્મોની આ જ મઝા છે.

એક સીનમાં અભિનેત્રી ચૂન વુ હી અભિનેતા ક્વેક ડો વોનને કેટલા બધા પથ્થર મારે છે, પણ અભિનેતા ક્વેક તેની જગ્યાએ સ્થિર જ રહે છે. ત્યાંથી હટતો જ નથી. એ બધા પથ્થરો પ્રતિકાત્મક રીતે એક ચેતવણી હતા.

આ ફિલ્મની પટકથાને આપણે કેવી રીતે જોઈએ એ વિશે કહું તો. માની લો કે તમારા નાનકડા એવા ગામમાં એક અફવા ચાલી રહી છે. અફવા છે કે અહીં ભૂત થાય છે. બે ચાર લોકોને અનુભવ થાય એટલે એ બધાને કહેવા મચી પડે. ભલે પછી એ વ્યક્તિએ પંચાયત સિરીઝની જેમ દારૂ પીધેલી હાલતમાં ઝાડને દોડતા જોઈ લીધું હોય. પછી ધીમે ધીમે બધા માનવા લાગે. જોકે ઘણા તો એવા હોય જ જેમને એ વાત પર વિશ્વાસ જ ન હોય. અહીં આપણા ગામની કથા અટકી જાય છે. ને પછી જે શરૂ થાય છે એ ધ વેઈલિંગ ફિલ્મ છે. એક એક ઘરને ભૂતના પરચા મળતા રહે છે. આપણી ગામની વાત જ્યાં અટકે છે ધ વેઈલિંગની વાત ત્યાંથી આગળ વધે છે. જ્યાં આપણી ફિલ્મોનું કામ પૂર્ણ થાય છે ત્યાં કોરિયન ફિલ્મોનું કામ શરૂ થાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments