Team Chabuk- Gujarat Desk: હજુ એક ગેરકાયદે સિંહદર્શનના કિસ્સામાં કોર્ટે આરોપીને સજા ફટકારી તે વાતને હજુ ગણતરીના દિવસો વિત્યા છે. એવામાં ગીરના જંગલનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જે વન વિભાગ માટે માથાના દુઃખાવા સમાન બન્યો છે.
વીડિયોમાં શું છે ?
વીડિયોમાં જોઈ શકાય છે કે, પાડાને ઝાડ સાથે બાંધી રખાયો છે. આ દરમિયાન સિંહ આવે છે અને તેનો શિકાર કરે છે. સિંહ તેને જંગલ તરફ લઈ જવાની કોશિશ કરે છે પરંતુ દોરડા વડે બાંધેલો પાડો ત્યાંથી હલી શકતો નથી એટલે સિંહ ત્યાં જ મીજબાની માણવાનું શરૂ કરી છે. પાડાનો શિકાર કરીને સિંહ ત્યાં જ ભોજન કરે છે. બીજી તરફ આ સમગ્ર ઘટના કોઈ મોબાઈલમાં રેકોર્ડ કરી રહ્યું છે. કેટલાક લોકોનો અવાજ આવી રહ્યો છે. જો કે, કોઈનો ચહેરો દેખાતો નથી. આ વીડિયો ગીર વિસ્તારનો હોવાનું અનુમાન છે પરંતુ ચોક્કસ જગ્યા કઈ છે તે માલુમ પડી રહ્યું નથી.
સિંહની સુરક્ષા પર સવાલ
વીડિયો વાયરલ થતાં ફરી એકવાર જંગલના રાજાની સુરક્ષા પર સવાલો ઉઠ્યા છે. સાથે જ વન વિભાગની આંખોમાં ધૂળ નાખીને સિંહદર્શનની ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવતા અજાણ્યા શખ્સો પર લોકોનો પણ રોષ ફાટી નીકળ્યો છે. સિંહદર્શન માટે આવી રીતે સિંહને લલચાવી પહેલાં જંગલમાંથી બહાર બોલાવવામાં આવે છે અને જીવના જોખમે આવા ખેલ કરાવવામાં આવે છે.
જંગલના જાણભેદુ હોઈ શકે આરોપી
અનુમાન છે કે, આવી પ્રવૃત્તિ કરનારા શખ્સો કોઈ જંગલના જાણભેદુ છે જેમને સિંહના લોકેશનની ખબર હોય છે. શોર્ટકર્ટમાં રૂપિયા કમાવાવાની લાલાચમાં આવા ગુંડા તત્વો જંગલના રાજાને હથિયાર બનાવે છે. બીજી તરફ બહારથી આવતા કેટલાક પ્રવાસીઓ પણ આવો વિકૃત આનંદ માણવા માટે ગેરકાયેદ સિંહદર્શનની પ્રવૃત્તિ કરનારા શખ્સોને મોઢે માગ્યા રૂપિયા આપતા હોવાનો પણ આરોપ છે.
તપાસની માગણી
હવે આ વીડિયો વાયરલ થતાં ફરીથી તપાસની માગણી ઉઠી છે. તપાસ બાદ જ ખબર પડશે કે વીડિયો ક્યારનો છે અને ક્યાનો છે. ચર્ચા એવી પણ છે કે તાજેતરમાં જે ટોળકીને સજા કરવામાં આવી છે તે સિવાય અન્ય ટોળકી પણ ગેરકાયદે સિંહદર્શનનો ધંધો ચલાવી રહી છે. વન વિભાગે આ દિશામાં પણ તપાસ કરવાની જરૂર છે. આગામી સમયમાં વીડિયો અંગે વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.
તાજેતરમાં આ લોકોને થઈ છે સજા
તાજેતરમાં જ ગીરમાં લાયન શૉ મુદ્દે ગીર ગીરગઢડા કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. કોર્ટે કુલ 8 આરોપીમાંથી 6 આરોપીઓને 10 હજાર રૂપિયાનો દંડ તેમજ 3 વર્ષની કેદની સજા ફટકારી હતી. જ્યારે એક આરોપીને 1 વર્ષની સજા તેમજ એક આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો. એટલું જ નહીં કોર્ટે લાયન શૉ કરાવનારા વ્યક્તિની જમીનની તમામ પરવાનગીઓ રદ કરવાનો હુકમ પણ આપ્યો હતો. વર્ષ 2018માં મે મહિનામાં એક વીડિયો સામે આવ્યો હતો. જે વીડિયો સામે આવ્યા બાદ ગેરકાયદે લાયન શૉ નિહાળનાર અને લાયન શૉ કરાવનારા કુલ 8 આરોપીની ધરપકડ કરાઈ હતી..
કોને સજા થઈ ?
- ઈલ્યાસ અબદ્રેમાન
- અબ્બાસ રિંદબ્લોચ, હરમડિયા
- અલ્તાફ હૈદર બ્લોચ, મંડોરણા, તાલાળા
- રવિ પાટડિયા, અમદાવાદ
- દિવ્યાંગ ગજ્જર, અમદાવાદ
- રથીન પટેલ, અમદાવાદ
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત