Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલિદર ગામના વાઢેળ પરિવાર પર મહામુસિબત આવી પડી છે. આલિદર ગામના SMA-1 નામની બીમારીથી પીડાતા ચાર મહિનાના વિવાન વાઢેળનું મૃત્યુ થયું છે. આલિદર ગામે રહેતા અશોકભાઈ વાઢેળનો ચાર મહિનાનો દીકરો વિવાન SMA-1 નામની બીમારીથી પીડાતો હતો. સ્પીનલ મસ્ક્યૂલર એટ્રોફી નામની આ બીમારીની સારવારનો ખર્ચ ખૂબ જ થાય છે. આ બીમારીમાં વિવાનને 16 કરોડ રૂપિયાના એક ઈન્જેક્શનની જરૂર હતી. પરંતુ દુર્ભાગ્યે આટલી સહાય એકઠી થાય તે પહેલાં જ વિવાને આ દુનિયાને અલવિદા કહી દીધું. આજે સોમવારની વહેલી સવારે જ વિવાને છેલ્લા શ્વાસ લીધા હોવાનું જાણવા મળ્યું છે. પરિવાર વિવાનના મૃતદેહને લઈને અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે પહોંચ્યો છે.
વિવાનના પિતા અશોકભાઈ વાઢેળ કચ્છની એક કંપનીમાં સામાન્ય પગારથી નોકરી કરે છે. વિવાનને આ ગંભીર બીમારી હોવાનું સામે આવતાં જ માતા-પિતા પર મુસીબતનો પહાડ તૂટી પડ્યો હતો. વિવાનના પિતા અશોકભાઈ વિવાનની આટલી મોંઘી સારવાર કરાવી શકવા સક્ષમ ન હતા. તેથી તેમણે જાહેર જનતા સમક્ષ મદદની ગુહાર લગાવી. વિવાનને જે 16 કરોડના મોંઘા ઈન્જેક્શનની જરૂર હતી તેના માટે પરિવારે લોકો પાસે મદદ માંગી. વિવાનની મદદે અનેક સામાજિક સંગઠનો અને લોકો આવ્યા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. અનેક લોકોએ પોતાની યથાશક્તિ મદદ વિવાનને કરી. જાહેર માર્ગો પર પણ અનેક સામાજિક સંગઠનોએ વિવાન માટે લોકો પાસે હાથ ફેલાવ્યા.
વિવાનની સારવાર માટે 16 કરોડની રકમની જરૂર હતી, પરંતુ અત્યાર સુધી માત્ર 2 કરોડ 20 લાખ 62 હજાર જેટલી રકમ જ એકઠી થઈ શકી હતી. હજુ પણ 13 કરોડ 80 લાખ જેટલી રકમ એકઠી કરવાની બાકી હતી. ધીમે ધીમે સહાયનો ધોધ વહી રહ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં વિવાને આ દુનિયાને અલવિદા કહી દીધું. નાનકડા વિવાનની વિદાય થતાં માતા-પિતા સહિત પરિવારજનોમાં પણ આક્રંદ ફેલાયું છે.
વિવાનના પરિવારને આર્થિક સહાય મળી રહે તે માટે સામાજિક સંસ્થાઓની સાથે સાથે સમાચાર માધ્યમોએ પણ પહેલ કરી હતી અને લોકોને મદદ કરવા માટે અપીલ કરી હતી. વિવાનની આમ અચાનક વિદાયથી પરિવાર શોકમાં ડૂબી ગયો છે. સાથે જ વિવાનને મદદ કરનારા લોકોને પણ આ સમાચાર સાંભળીને આંચકો લાગ્યો છે.
SMA-1 જન્મજાત બીમારી છે પરંતુ 8 જૂને પરિવારને થયું હતું કે, વિવાન પોતાની જાતે હલન-ચલન કરી નથી શકતો. જેથી તાત્કાલિક પરિવાર વિવાનને લઈને રાજકોટ પહોંચ્યો હતો. જ્યાં પ્રાથમિક તાપસ બાદ સેમ્પલ ચેન્નઈ મોકલાયા હતા. 15 જૂને વિવાનના રિપોર્ટ આવ્યો હતો. રિપોર્ટ જોઈને ડોક્ટરે પરિવારને આ બીમારી વિશે જાણ કરી તો પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.
SMA-1 વિશે જાણો
વિવાનને જે બીમારી છે એ જન્મજાત છે. આ બીમારીનું પૂરું નામ સ્પીનલ મસ્ક્યૂલર એટ્રોફી ફેક્ટ શીટ ( Spinal Muscular Atrophy Fact Sheet ) છે. આ બીમારી રંગસૂત્ર-5ની નાળીમાં 4 ખામીના કારણે થાય છે. રંગસૂત્ર-5ની નાળી જનીન સર્વાઈકલમાં પ્રોટીન ઉત્પન કરે છે જે માણસના શરીરમાં ન્યૂરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે. SMA-1થી પીડિત વ્યક્તિમાં આ પ્રમાણ યોગ્ય જળવાતું નથી જેના લીધે બગાડ પેદા થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત