Homeગુર્જર નગરીગીર સોમનાથની આ કંપનીએ જિલ્લા કલેક્ટરના આદેશને અવગણીને કામ ચાલુ રાખ્યું

ગીર સોમનાથની આ કંપનીએ જિલ્લા કલેક્ટરના આદેશને અવગણીને કામ ચાલુ રાખ્યું

શેલેષ નાઘેરા: ગીર સોમનાથ જિલ્લામાં GHCL કંપનીની ફરી એકવાર મનમાની સામે આવી છે. આરોપ છે કે, કંપનીએ જિલ્લા કલેક્ટરનો આદેશ અવગણી કામ ચાલુ રાખ્યું છે અને કર્મચારીઓના જીવ જોખમાં મુક્યા છે. રાજ્યમાં આવતી આફત તૌકતાના કારણે જિલ્લા કલેક્ટરે કંપનીઓને બે દિવસ માટે કામ બંધ રાખવા આદેશ કર્યો છે જો કે, કંપની કલેક્ટરના આદેશને ઘોળીને પી ગઈ છે. કંપનીના સંચાલકો અને માલિકોએ તંત્રની પીઠ પાછળ કર્મચારીઓ પાસે કામ કરાવી રહ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં વાવાઝોડાને અગમચેતીના ભાગરૂપે જિલ્લામાં આવેલી 4 કંપની 17 અને 18મેએ બંધ રાખવા જિલ્લા કલેકટર અજય પ્રકાશે સૂચના આપી છે.  ગીર સોમનાથમાં મુખ્ય ચાર મોટી કંપનીઓ આવેલી છે જેમાં GHCL કંપની, અંબુજા સિમેન્ટ, સિદ્ધિ સિમેન્ટ અને વેરાવળની ઇન્ડિયન રેયોન યુનિટ કંપનીનો સમાવેશ થાય છે.

GHCL કંપની આ પહેલીવાર વિવાદમાં આવી હોય તેવું નથી. અગાઉ પણ કંપનીના સંચાલકો લોકડાઉન વખતે મનમાની કરી ચુક્યાનો આરોપ છે. આ વખતે ફરી કંપની પોતાનું કામ કઢાવવા લોકોના જીવન સાથે ચેડાં કરી રહી હોવાની ચર્ચા તેજ બની છે. સુત્રાપાડાના જાગૃત નાગરિકો માગણી કરી રહ્યા છે કે, કંપનીના સંચાલકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવવામાં આવે અને માનવજીવનની કિંમત સમજાવવામાં આવે. કામ કઢાવવાના સ્વાર્થીપણામાં કંપનીના સંચાલકો માનવતા નેવે મૂકી રહ્યા છે. આરોપ છે કે, મહામારીમાં નોકરી છૂટી જવાના ડરથી કર્મચારીઓ ચુપચાપ કંપનીના સંચાલકોની મનમાની સહન કરી રહ્યા છે.

કલેક્ટરના આદેશ છતાં કંપનીએ કામ શરૂ રાખતાં અનેક સવાલો ઉઠ્યા છે. સવાલ છે કે શું સુત્રાપાડમાં કલેક્ટરના આદેશ છતાં કંપની ચાલુ છે તેની કલેક્ટર અને મામલતદારને જાણ નથી કે પછી તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે ?

જિલ્લામાં હાલ બે મુસિબત એક સાથે છે. એક તરફ કોરોના વાઇરસ તાંડવ મચાવી રહ્યો છે. બીજી તરફ પ્રકૃતિ પણ નારાજ થઈ હોય તેમ તૌકતે નામની મુસિબત નજીક પહોંચી ગઈ છે. જિલ્લામાં વાવાઝોડાની અસર પણ વર્તાવા લાગી છે. જિલ્લાના કેટલાય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments