Team Chabuk-Gujarat Desk: મહિસાગરના સામાન્ય પરિવારના ત્રણ મહિનાના દીકરા ધૈર્યરાજની મદદે ગુજરાતના અનેક યુવા સંગઠનો, એન.જી.ઓ અને ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓ આવી રહી છે. તેઓ આ દીકરાની બીમારીને જડમૂળથી કાઢી નાખવા માટે આર્થિક મદદ કરી રહ્યા છે. ધૈર્યરાજને જે બીમારી છે તેની દવા ખૂબ જ મોંઘી છે. એટલી રકમ આપણે સપનામાં પણ ન વિચારી હોય તેટલી રકમનું એક ઈન્જેક્શન વિદેશથી મંગાવવાનું છે. NGO ઈમ્પેક્ટ ગુરૂએ શરૂ કરેલું આ અભિયાન ગુજરાતના સામાન્ય લોકો સુધી પણ પહોંચી રહ્યું છે અને યથાશક્તિ આર્થિક મદદ કરી રહ્યા છે.
સમગ્ર ગામ ધૈર્યરાજની મદદે
ગીર સોમનાથ જિલ્લાનું એક આખુ ગામ ધૈર્યરાજની મદદે આવ્યું છે. જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લાટી ગામના યુવાનોએ સંકલ્પ કર્યો હતો કે તેમને ધૈર્યરાજની મદદ કરવી છે. આ માટે યુવાનોએ એક ટીમ બનાવી અને ધૈર્યરાજને મદદ કરવાનું નક્કી કર્યું. આ ટીમમાં ગામના વડીલો પણ જોડાયા અને ગામમાંથી તેમજ રસ્તા પર ઊભા રહીને ધૈર્યરાજ માટે ફંડ ઉઘરાવ્યું. રિક્ષા, બાઈક તેમજ મોટા વાહનોને રોકી ધૈર્યરાજની બીમારી વિશે જાણ કરી અને આર્થિક મદદ કરવા અપીલ કરી. ગામ લોકોએ તેમજ રસ્તા પર જતાં લોકોએ પણ આ ત્રણ મહિનાના ધૈર્યરાજને હોશે હોશે મદદ કરી. કોઈએ 10 રૂપિયા, કોઈએ 50 રૂપિયા, કોઈએ 100 રૂપિયા તો કોઈએ 500 રૂપિયાની નોટ ગલ્લામાં નાખી. આમ, જોતજોતામાં જ લાટી ગામની યુવા ટીમના હાથમાં રહેલા ગલ્લા ભરાઈ ગયા હતા. જ્યારે દિવસના અંતે ગલ્લા તોડવામાં આવ્યા તો તેમાથી કુલ મળીને 52 હજારથી પણ વધુની રકમ નીકળી હતી.

કોઈએ 100, કોઈએ 200 તો કોઈએ 500 આપ્યા
આમ, લાટી ગામના યુવાનોના એક નાના વિચારથી ધૈર્યરાજને આટલી મોટી રકમની મદદ થઈ ગઈ છે. ગામના યુવાનોનું કહેવું છે કે, જો યુવાનો આવી રીતે ધૈર્યરાજની મદદે આવશે તો ધૈર્યરાજની સારવાર વહેલી તકે થઈ જશે. યુવાનોએ કહ્યું કે, 100-200 રૂપિયા તો આપણે ક્યાંય વાપરીને આવતા રહીએ છીએ. જે લોકો વ્યસન કરે છે તેઓ એક દિવસમાં વ્યસન પાછળ 100થી 200 રૂપિયા વાપરી નાખતા હોય છે. એવા લોકોને પણ સંકલ્પ કરવો જોઈએ કે એક દિવસ તેઓ ધૈર્યરાજ માટે વ્યસન નહીં કરે અને જે રૂપિયા બચશે તે તેની સારવાર માટે ડોનેટ કરશે.

કોણ છે ધૈર્યરાજ ?
ધૈર્યરાજ મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના રાઠોડ પરિવારનો ત્રણ મહિનાનો દીકરો છે. આ દીકરો હાલ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ધૈર્યરાજને SMA-1 નામની ગંભીર બીમારી છે. SMA-1એ સ્નાયુની બીમારી છે. જે દર્દી આ બીમારીથી પીડિત હોય તે પથારીમાંથી ઉભુ થઈ શકતુ નથી. હલન-ચલન કરી શકતું નથી. ભારતમાં આ બીમારીની સારવાર નથી એટલે જ અમેરિકાથી ઈન્જેક્શન મંગાવવું પડે એમ છે. ધૈર્યરાજને જે ઈન્જેક્શન આપવાનું છે તેની કુલ કિંમત 22 કરોડ રૂપિયાની છે. જેથી સામાન્ય પરિવારમાંથી આવતા ધૈર્યરાજની સારવાર માટે માતા-પિતા અને પરિવાર મુંઝવણમાં મૂકાયો છે. જે પરિવાર માટે 22 હજાર રૂપિયા બહુ મોટી રકમ છે તે 22 કરોડ ક્યાંથી લાવે ? જેથી ધૈર્યરાજના માતા-પિતાએ મદદની ગુહાર લગાવી છે. માતા-પિતાનો અવાજ સાંભળી ગુજરાતીઓ ધૈર્યરાજની મદદે આવ્યા છે અને યથાશક્તિ પ્રમાણે સહાય કરી રહ્યા છે.
SMA-1 વિશે જાણો
ધૈર્યરાજને જે બીમારી છે એ જન્મજાત છે. આ બીમારીનું પૂરું નામ સ્પીનલ મસ્ક્યૂલર એટ્રોફી ફેક્ટ શીટ ( Spinal Muscular Atrophy Fact Sheet ) છે. આ બીમારી રંગસૂત્ર-5ની નાળીમાં 4 ખામીના કારણે થાય છે. રંગસૂત્ર-5ની નાળી જનીન સર્વાઈકલમાં પ્રોટીન ઉત્પન કરે છે જે માણસના શરીરમાં ન્યૂરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે. SMA-1થી પીડિત વ્યક્તિમાં આ પ્રમાણ યોગ્ય જળવાતું નથી જેના લીધે બગાડ પેદા થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. SMA-1 વારસાગત રોગ છે.
16 કરોડનું ઈન્જેક્શન, 6 કરોડ રૂપિયા ટેક્સ
ધૈર્યરાજની સારવાર માટે ઈન્જેક્શન USAથી મંગાવવું પડે તેમ છે. આ ઈન્જેક્શનની કિંમત 16 કરોડ રૂપિયા છે જેના પર 6 કરોડ રૂપિયા જેટલો ટેક્સ લાગે છે. એટલે ઈન્જેન્ક્શની કુલ કિંમત 22 કરોડ રૂપિયા થઈ જાય છે. આ ઈંન્જેક્શન બનાવવાની માન્યતા 2016માં USA ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (સ્પીનરાઝા)ને મળેલી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત