Team Chabuk-Gujarat Desk: જમાનો ઓનલાઈન અને ડિઝીટલ પેમેન્ટનો છે. કોરોના મહામારીમાં પૈસા અડકવાની બીકે કે પછી ખિસ્સામાં પૈસા ન હોય ત્યારે લોકો ઓનલાઇન પેમેન્ટ કરતા હોય છે. આવા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના છે ગીરસોમનાથની. જ્યાં સાઉથની ફિલ્મોને ટક્કર આપે તેવો એક ભેજાબાજ પોલીસના સકંજામાં આવી ગયો છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં તેણે પોતાની જાળ ફેલાવી રાખી હતી. એ જાળમાં ઘણા નિર્દોષ ‘કબૂતરો’ ફસાયા હતા. આખરે આ ભેજાબાજની અઢી લાખના મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી છે.
આરોપીનું નામ અસફાક છે અને તે મૂળ વેરાવળનો વતની છે. તે હંમેશાં આવા શિકારની શોધમાં રહેતો હતો અને એ.ટી.એમ. નજીક જ બાજ નજર રાખી આંટાફેરા મારતો હતો. આરોપીએ પોતાની જાળ એવી રીતે ફેલાવીને રાખી હતી કે જ્યારે એ.ટી.એમ.ની નજીક કોઈ આવે ત્યારે મદદ કરવાનો આંધળો અભિનય કરતો હતો. સામેનો વ્યક્તિ આમ તેની જાળમાં ફસાઈ જતો હતો. ગણતરીની જ સેકન્ડમાં પોતાનું કામ પાર પાડનારો આ ભેજાબાજ અસલી માલિકને ડુપ્લિકેટ એટીએમ કાર્ડ પકડાવી ત્યાંથી નો દો ગ્યારાહ થઈ જતો હતો. એ પછી મૂળ માલિકના એ.ટી.એમ.માંથી પૈસા ઉપાડી તળિયાઝાટક કરી નાખતો હતો.
એક કે બે નહીં પણ આવા અસંખ્ય લોકોને આ ભેજાબાજે ઠગ્યા હતા. વેરાવળના એક વયોવૃદ્ધને 84 હજારની બાટલીમાં ઉતારી દીધાં હતાં. એમનું એ.ટી.એમ. કાર્ડ પણ કચરામાં ફેંકવાને લાયક કરી નાખ્યું હતું. જોકે તેને ક્યાં ખબર હતી કે આ 84 હજાર જ તેને ભારે પડી જવાના છે.
વેરાવળની એસ.ટી.માં ફરજ બજાવતા રતનસિંહ જાડેજા જ્યારે એ.ટી.એમ. પાસે પૈસા ઉપાડવા ગયા ત્યારે તેણે તેની જાળ પહેલાથી પાથરેલી હતી. ‘આપો વડિલ તમારી મદદ કરું…’ જેવા ગળચટ્ટા શબ્દો વાપરી વૃદ્ધના ગળામાંથી 84 હજારનો ઘંટ ઉતારી લીધો હતો. અર્થાત્ 84 હજાર ઉપાડી લીધાં હતાં. આખરે રતનસિંહે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. એ.ટી.એમ.નાં ફૂટેજના આધારે આરોપીને પોલીસે પકડી પાડ્યો છે. આરોપી પાસેથી ગીર સોમનાથની પોલીસને સોનાનાં દાગીના, રોકડ રકમ અને ડુપ્લિકેટ એ.ટી.એમ. કાર્ડ વગેરે જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
હાલ પોલીસ દ્રારા નાગરિકોને એવી અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના એ.ટી.એમ.ના પાસવર્ડ કોઈને પણ ન આપે. અજાણ્યા સાથે માહિતીની આપ-લે ન કરે. પોલીસે એ પણ કહ્યું કે, આ મહાઠગબાજે 27 લોકોના ખિસ્સા ખાલી કરી નાખ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત