Homeવિશેષમાણસ ચાહે ગમે તેટલો સક્ષમ થઇ જાય તો પણ તે કુદરત પાસે...

માણસ ચાહે ગમે તેટલો સક્ષમ થઇ જાય તો પણ તે કુદરત પાસે તો તણખા બરાબર જ છે

અશોક સરિયા: શહેર હોય કે ગામડાં બધે જ અગણિત મોતના માતમ મંડાયા હતાં એવી ભયંકર કોરોનાની મહામારીએ લોકોને તોબા પોકારાવી દીધા. હજુ તો આ રોગમાંથી પુરી કળ વળી ન હતી ત્યાં તો અરબ સાગર ઉપર વાયુવર્તુળ ચકરાવે ચડ્યું અને ખૂબ જ તેજ ગતિથી પવનનો સેંકડો કિલોમીટર પહોળો વંટોળીયો સમુદ્ર ઉપરથી ફરતો ફરતો સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગ તરફથી ગુજરાતની જમીન ઉપર આવી ચડ્યો અને આ જમીની વિસ્તારમાં તેણે વાવાઝોડાનું સ્વરૂપ લઇને જે આવ્યું તેને ઉડાડી પછાડીને તબાહીનું તાંડવ કરી તારાજી સર્જી દીધી.

દરિયાકાંઠાના સાગરખેડૂઓને તો તેમના કમાવાના સાધન એવા નાના હોડકાઓથી માંડીને મોટી બોટોને ક્ષતીગ્રસ્ત કરીને તેમને વ્યવસાય વિહોણા બનાવી દીધાં ત્યાં સુધી તો ઠીક પણ બંદર આગળ રહેલાં તેમના મકાનોનો પણ વિનાશ સર્જી ઘર વિહોણા પણ બનાવી દીધાં. જોકે આ સાઇક્લોનની અગમચેતી મળી ગઇ હતી એટલે શક્ય એટલા લોકોને વાવાઝોડા પહેલાં જ સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી એટલે મોટી જાનહાનીને થોડા અંશે ટાળી શકાઇ પરંતુ છતાંય કેટલાક ફસાયેલા લોકોને તેમનો જીવ ખોવો પડ્યો.

તૌકતેનું ત્રાટક જમીન ઉપર પણ મહાવેગ સાથે વિફર્યું અને ખેતીવાડી, બાગ-બગીચા, અને ગામડાના કાચા, નળિયાવાળા અને પતરાવાળા મકાનોને કાગળની જેમ ઉડાડીને પારાવાર તબાહી કરી છે. કેટલાય ખેડુતોના તૈયાર પાકોને ધમરોળી નાખ્યા. નાળિયેરી, આંબા અને અન્ય ફળ પાકોના વૃક્ષોને તોડી – મરોડી, ચીરી-ફાડી નાખ્યાં તો કેટલાયને મુળ સમેત ઉખેડીને ફેંકી દીધાં. આવા બગીચાના ખેડૂતોએ એ ફળ વૃક્ષોને વર્ષોની માવજતથી દીકરાની જેમ ઉછેરીને મોટા કર્યા હોય અને એનો આખો બગીચો જમીનદોસ્ત થઇ જાય તો તેમને દીકરા ખોયા જેટલું દુઃખ થાય એ સ્વાભાવિક છે.

આવા ખેડૂતોને તેમના ખેતરે જતાં તેમની આંતરડી કકળી ઉઠે અને હૈયાફાટ રૂદન કંઠમાં જ ધરબાઇ જાય તેમ ખેડૂતોના જીવ પણ ધરબાઇ જાય. એ વાતનું દુઃખ તો એ જ સમજી શકે. ઘાયલ કી ગત ઘાયલ જાણે. આપણે સૌ તો માત્ર સમાચાર માધ્યમો થકી એ તારાજીનું તારણ માત્ર નિહાળીને નિસાસા નાંખી જાણીએ પણ જેમની રોજી રોટી જ છીનવાઇ ગઇ હોય એની પીડા તો એમના પંડને જ ખબર હોય.

આ વાવાઝોડા તૌકતેની અસર માત્ર માનવસમુદાયને જ થઇ છે એવું ય નથી. કેટલાય પશુ-પક્ષીઓને પણ આ વંટોળમાં વિખાઇ જવું પડ્યું છે. લોકોના માલ-ઢોર મોતને ઘાટ ઉતર્યા તો અસંખ્ય પક્ષીઓના પણ મૃત્યુ થયા છે. લોકો તો એક બીજાના આશરે પણ સુરક્ષિત રહી શકે છે પરંતુ આવ પશુ-પક્ષીઓને તો કુદરતનો જ આશરો હોય અને એ જ રૂઠે ત્યારે એમનું કોણ ?

જો કે કુદરતી આફતોનો અણસાર તેમને વહેલો આવી જતો હોય છે અને તેઓ સલામત સ્થળે હિજરત કરી જતાં હોય છે. પરંતુ સ્થાનિક લેવલે જ રહેતા અને ઓછું ઉડી શકતા કે ફરી શકતા પશુ-પક્ષીઓને તો આવી આફતોનો અનિવાર્ય સામનો કરવો પડે છે અને એમાંથી બચાય એટલા બચે ને આ સર્વાઇવલમાં ટકી ન શકે એમને મૃત્યુના મુખમાં જવું પડે છે.

વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોને પુનઃસ્થાપિત થતાં સમય લાગી જશે. અહીં તો અત્યારની જીવન જરૂરિયાતની કહી શકાય એવી વિજળીનું સર્ક્યુલેશન પણ ખોરંભાઇ ગયું છે. કેટલાય ઇલેક્ટ્રીક પોલ જમીનદોસ્ત થઇ ગયા છે અને તેના રિપેરીંગ માટે પણ ખાસ્સો સમય લાગી જશે. ત્યાં સુધી આ વિસ્તારમાં સંપૂર્ણ અંધારપટ છવાઇ ગયો છે. જો કે વિજકંપનીઓએ તેમની તમામ શક્તિ કામે લગાડીને આ કાર્યને પૂરપાટ વેગે રીપેરીંગનું કામ ચાલું કર્યું છે. તો કેટલીક સેવાભાવી સંસ્થાઓ પણ ગામડામાં પીવાના પાણી, જરૂરી વસ્તુઓ માટે જનરેટર અને ખોરાકની વ્યવસ્થા કરીને ખરી રીતે માનવસેવાનું કામ કરવા ગામડામાં તેમના વોલિન્ટીયર્સને મોકલી શક્ય એટલી સગવડતા કરવામાં મદદરૂપ બની રહી છે.

આર્થિક દૃષ્ટિએ જોઇએ તો પણ વાવાઝોડાએ કરોડો રૂપિયાનું નુકશાન કર્યું છે જેના સરકારી આંકડાઓ આપણને સમાચાર માધ્યમોમાંથી મળે છે પરંતુ વાસ્તવમાં તેનાથી પણ અનેક ગણું નુકશાન સ્થાનિક લેવલે થયું હશે કે જેની નોંધ સરકારના ચોપડે પણ નહીં પડી હોય. સરકાર દ્વારા આ નુકશાનીના સર્વે માટે ખાસ ટીમો બનાવીને તેના સર્વેનું કામ ચાલુ કરાવ્યું અને મોટા સહાય પેકેજોની પણ જાહેરાત કરી દીધી છે, પરંતુ આ પેકેજોનો લાભ કેટલા લોકોને મળે છે અને કેટલો મળે છે એ તો જે લાભાન્વિત થશે તેમને જ ખબર પડશે. પરંતુ વાસ્તવિક સ્થિતિએ કેટલાય એવા લોકો હશે કે જેઓ આવા સહાય પેકેજ વિશે પણ માહિતગાર નહીં હોય એમને તો આ લાભોના પહોંચવાનો પણ કદાચ અવસર નહીં સાંપડે. અને છતાં પણ સરકાર સુચારું આયોજન કરે અને શક્ય એટલો અસરગ્રસ્તોને લાભાન્વિત કરવાનો સુચારું પ્રયત્ન કરે એ આવકાર્ય ગણી શકાય.

આવી તો અનેક આફતો અવારનવાર આવતી રહે છે અને તે મોટું નુકસાન કરે છે. છતાં પણ આવી આફતોમાંથી ઊભા થઇને જે બચ્યું હોય તેને સમેટીને અને ગયું તેને ભૂલીને નવા સર્જન માટે માનવ હંમેશાં તૈયારી બતાવે છે. જો કે આવી આફતોની માનસિક અસરો પણ ઉદભવે છે છતાં પણ તેમાંથી પણ ઉગરવાના પ્રયત્નો માનવ સતત કરતો રહે છે. હવે તો વૈજ્ઞાનિક સંશોધનોના કારણે આવી આફતોની આગમચેતી પણ મળી રહે છે એટલે એ આફતોમાંથી શક્ય એટલો બચાવ પણ કરી શકાય છે, છતાં પણ અનિવાર્ય આફતો તેનો કહેર તો વર્તાવે જ છે.

આફતો બાદ સર્જાયેલી અવ્યવસ્થાને વ્યવસ્થિત કરતા પણ સમય અને શક્તિ લાગી જાય છે ને પુનઃસ્થાપિત થવામાં ઘણી તકલીફો સહન કરવી પડે છે. પણ હા, એક વાત તો ચોક્કસ સમજી શકાય એવી છે કે માણસ ચાહે ગમે તેટલો સક્ષમ થઇ જાય તો પણ તે કુદરત પાસે તો તણખા બરાબર જ છે. કુદરતી કહેરનો સામનો કરવામાં તે સંપૂર્ણ સક્ષમ તો નથી જ બની શકવાનો.  માણસે જેટલી સગવડતાઓ વધારી છે તેની સામે કુદરત પણ એટલું જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે.

માણસે કુદરતી સંશાધનોનો અમર્યાદિત્ ઉપયોગ કર્યો એટલું જ નહીં પોતાના નિજી ઉપાયો માટે તેણે કુદરતને એટલું જ નુકશાન પણ કર્યું છે. હવા, પાણી ને પૃથ્વી પ્રદુષણથી ખદબદે છે. જેનાથી જળવાયુ પરિવર્તન સક્રિય બને છે અને તેમાંથી જન્મે છે આવા તૌકતે જેવા વાવાઝોડા, ત્સુનામી, ભૂકંપ અને અતિવૃષ્ટી કે અનાવૃષ્ટિ જેવી કૂદરતી આફતો. આવી આફતોનો અણસાર અગાઉથી મળી જાય એ માટે પણ વૈજ્ઞાનિકોએ ટેક્નોલોજી વિકસાવી છે. જેના દ્વારા માહિતગાર બની જરૂરી બચાવપ્રવૃત્તિઓને હાથ ધરવામાં આવે છે. પરંતુ તેનું નિરાકરણ કરી શકાતું નથી. આફતો તો આવીને જ રહે છે અને પોતાનું વરવું સ્વરૂપ દેખાડીને જ જાય છે. ત્યાર બાદ તેની તારાજીના દૃશ્યો અપણા હૃદય કંપાવી જાય એવા જોવા મળે છે. છતાં પણ તેમાંથી ઊભા થઇ આગળના જીવન માટે સંઘર્ષરત થવું એ દરેક જીવની પ્રકૃતિ છે અને સમયની સાથે સાથે આવી આફતોના કારણે થયેલા વિસર્જનને વિસરીને નવસર્જન માટે સર્જનાત્મક વિચારો સાથે માનવમાત્ર પુનઃસ્થાપન માટે પ્રવૃત્ત બની જાય છે.

આમ ને આમ માણસ અને કુદરત વચ્ચે એક બીજાને વધુ સક્ષમ માનવાની કહાની પૂનરાવર્તિત થતી રહે છે. બેઉ સમોવડિયા બનવા મથે છે ને ક્યારેક એક બીજાને મોટી નુકશાનીમાં પણ મુકી દે છે. અને છતાંય આ સંસાર ચાલ્યા રાખે છે અને ચાલતો જ રહેશે. આપણે પણ આપણું જીવન આપણા વિચાર પ્રમાણે આપણને યોગ્ય લાગે એ રીતે જીવીએ. કુદરતની દરેક સ્થિતિને સ્વીકારી તેની સાથે તાલ મીલાવી આપણું જીવન વ્યતિત કરતાં રહીએ. ક્યારેક પડીએ આખડીએ તો ફરી ઉભા થઇ આગળ ચાલવા લાગીએ. ઇશ્વરે આપણને આપેલા આ જીવનના સારને તેના અંત સુધી માણતા રહીએ, ઇશ્વરને આરાધતા રહીએ બસ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments