Team Chabuk-Gujarat Desk: ચોર માટે હવે મંદિરો ધાડ પાડવાનું નવું ઠેકાણું બન્યું છે. રોજબરોજ એવી ખબરો સામે આવતી રહે છે કે આ કે તે મંદિરમાંથી ચોર હાથફેરો કરીને ચાલ્યા ગયા. આટલા રૂપિયા ચોરાયા કે આટલા ઘરેણા ચોરાયા. તસ્કરોનો આ ત્રાસ હવે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બાકુલા ધણેજ ગામ નજીક આવેલા બાકુલા ડુંગર સુધી પહોંચી ગયો છે. અહીંના પીઠડ આઈ માતાજીના મંદિરે તસ્કરોએ કરામત દેખાડી હતી.
મંદિરમાં કસબ આચરવા ઘુસેલા તસ્કરના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવીના આધારે પોલીસે ચોરને ઝડપવા માટે કાર્યવાહી શરૂ કરી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ધાડ પાડનારે દાનપેટી તોડી તેમાંથી દસેક હજાર રૂપિયા ઉઠાવી ગયા છે.
ઘટના 17મી તારીખના રોજ બની હતી જ્યારે રાતના અગિયાર વાગ્યે આખું ગામ પોઢી ગયું હતું ત્યારે તસ્કર હાથફેરો કરવાના ઈરાદા સાથે ઘુસ્યો હતો. સીસીટીવીમાં સ્પષ્ટરૂપે દેખાયું હતું કે, પહેલા તો ચોરે આજુબાજુ ખાખાખોળા કર્યા હતા, બાદમાં માતાજીની દાનપેટી તોડી તેમાંથી માલ લઈ રફુચક્કર થઈ ગયો હતો. સવારમાં મંદિરના પુજારીને ચોરી થઈ હોવાની જાણ થતા તેમણે આ અંગે પોલીસને જાણ કરી હતી.
સૌરાષ્ટ્રમાં અને ખાસ તો ગીર સોમનાથમાં શ્રદ્ધાળુઓના આસ્થાના પ્રતીક સમા એવા માતાજીના મંદિરના તાળા તોડી ચોરે કળા કરી હોવાથી લોકો રોષે ભરાયા છે. લોકોની એક જ માગ છે કે આ તસ્કરને તાત્કાલિક પકડી પાડવામાં આવે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત