Homeગુર્જર નગરીગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં મજૂરી કામ કરતાં આ યુવાને જુનો રેકોર્ડ તોડી નાખ્યો

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં મજૂરી કામ કરતાં આ યુવાને જુનો રેકોર્ડ તોડી નાખ્યો

Team Chabuk-Gujarat Desk: દર વર્ષે યોજાતી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા આજે રવિવારના રોજ જૂનાગઢ ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં અલગ અલગ 11 રાજ્યના 449 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા સિનિયર-જુનિયર ભાઈઓ-બહેનો એમ કૂલ ચાર કેટેગરીમાં યોજાઈ હતી. આજ રોજ યોજાયેલી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં નવો રેકોર્ડ પ્રસ્થાપિત થયો હતો. સિનિયર ભાઈઓની સ્પર્ધામાં જૂનાગઢના મજૂરી કામ કરતાં યુવકે 55.30 મિનિટમાં આ સ્પર્ધા પૂરી કરીને પ્રથમ ક્રમ મેળવીને નવો રેકોર્ડ બનાવ્યો હતો.

આજે રવિવારે સવારે અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઇ હતી જેમાં નવો રેકોર્ડ નોંધાયો છે. સિનિયર ભાઈઓમાં જૂનાગઢના લાલા પરમારે 55.30 સેકન્ડમાં 5500 પગથિયા ને એક સેકન્ડ વહેલા આવી એટલે કે 55.31 નો જુનો રેકોર્ડ તોડી નવો રેકોર્ડ બનાવ્યો છે. પ્રથમ આવનાર લાલા પરમાર મજૂરી કામ કરે છે અને ગરીબ પરિવારમાંથી આવી રહ્યા છે. માત્ર 17 દિવસની મહેનત બાદ તેમણે આ નવો રેકોર્ડ બનાવ્યો છે. જ્યારે મહિલા વિભાગમાં યુપીના મિર્ઝાપુરથી આવેલી દીકરીએ 32.22 સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરીને પ્રથમ નંબર મેળવ્યો છે. તમામ વિજેતા સ્પર્ધકોને રોકડ ઈનામ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉત્તર પ્રદેશ મિર્ઝાપુરથી આવેલી તાપસી સિંઘે નામની દીકરીએ માત્ર 32.22 સેકન્ડ માં 2200 પગથિયાં સર કરી નવો રેકોર્ડ નોંધાવ્યો છે. જે અગાઉ 34 મિનિટનો હતો. યુપીમાં અભ્યાસ કરતી અને ખેડૂત પુત્રી તાપસીએ રેકોર્ડ નોંધાવતા તેના પરિવારજનો પણ ખૂબ જ ખુશ થયા હતા અને માત્ર ગણતરીના દિવસોમાં જ મહેનત કરી અને પ્રેક્ટિસ દ્વારા આ રેકોર્ડ બનાવ્યો છે.

સિનિયર-જુનિયર ભાઈઓ અને બહેનો એમ કુલ 4 કેટેગરીમાં યોજાયેલી આ સ્પર્ધામાં સિનિયર ભાઈઓમાં 194 અને જુનિયર ભાઈઓમાં 95 મળી કુલ 289 તેમજ સિનિયર બહેનોમાં 85 અને જુનિયર બહેનોમાં 75 મળી કુલ 160 સ્પર્ધકો નોંધાયા છે. દર વખતની જેમ આ વખતે પણ દરેક સ્પર્ધકના ટીશર્ટમાં એક ઈલેક્ટ્રિક ચીપ લગાવાઈ છે. જેના થકી તેનું લોકેશન અને ટાઇમીંગ નક્કી કરાયું હતું. ડીવાઇસનું મોનીટરીંગ ભવનાથ ખાતેથી કરવામાં આવ્યું હતું અને સ્પર્ધા પૂર્ણ થયા બાદ વિજેતા જાહેર કરાયા હતા.

વિજેતા સ્પર્ધકોને રોકડ રકમ,પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરાયા હતા. સ્પર્ધાના પ્રથમ વિજેતાને રૂ.૫૦ હજાર,દ્રીતીયને રૂ.૨૫ હજાર અને તૃતીયને રૂ ૧૫ હજાર અને ક્રમ નંબર ૪ થી ૧૦ ને પ્રોત્સાહાન પુરસ્કાર એમ કુલ રૂ પ,૫૦,૦૦૦ના રોકડ પુરસ્કાર, ગોલ્ડ,સીલ્વર અને બ્રોન્ઝ મેડલ તથા મેરીટ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ઉપરાંત જૂનાગઢ કોર્પોરેશન અને અન્યો તરફથી પણ રોકડ પુરસ્કાર વિજેતાને અપાયા હતા.

ડાંગ એક્સપ્રેસ તરીકે જાણીતી અને હાલમાં ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા સરિતા ગાયકવાડ આજે યોજાયેલી 14મી ભારતીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં હાજર રહ્યા હતા અને સ્પર્ધકોને ઉત્સાહ વધાર્યો હતો. સરિતા ગાયકવાડે જણાવ્યું હતું કે, ગિરનારની સ્પર્ધા થોડી કઠિન છે પણ સતત મેહનત અને પ્રેક્ટીસથી તેમા પણ અવ્વલ આવી શકાય છે. વધુમાં જણાવ્યું હતું કે,  હું  ખેલમહાકુંભ સહિતની સ્પર્ધામાં ભાગ લઈ આગળ આવી છું. મેં ઘરે, સ્કૂલમાં પ્રેક્ટીસ કરી છે. હું આ ગિરનાર સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓને જણાવવા માંગુ છું કે, સીડી, હીલ્સ અને પથ્થર જેવા રસ્તાઓમાં સતત પ્રેક્ટીસ કરવાથી વિજેતા થઈ શકાય છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments