Homeગુર્જર નગરીગીર સોમનાથઃ શોભાયાત્રામાં નિયમોના ધજાગરા, ઢોલના તાલે ઝુમ્યા યુવાનો, વૃદ્ધો, બાળકો અને...

ગીર સોમનાથઃ શોભાયાત્રામાં નિયમોના ધજાગરા, ઢોલના તાલે ઝુમ્યા યુવાનો, વૃદ્ધો, બાળકો અને મહિલાઓ

શૈલેષ નાઘેરાઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિવસને દિવસે વધી રહ્યા છે. હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા, ઓક્સિજન માટે લોકો રિતસરના વલખાં મારી રહ્યા છે. રોજ નવા નવા હ્રદય દ્રાવક કિસ્સાઓ સાંભળીને લોકોની આંખ ભીની થઈ રહી છે. બીજી તરફ  કેટલાક એવા લોકો છે જે આ તમામ વાતોને અવગણીને મૂર્ખામી કરી રહ્યા છે અને કોરોનાને આમંત્રણ આપી રહ્યા છે.

આવો જ એક કિસ્સો ગીર સોમનાથના વેરાવળમાં બન્યો છે. અહીં ધાર્મિક કાર્યક્રમની ઉજવણીમાં લોકો કોરોનાને ભૂલી ગયા. રાજ્યમાં જાણે કોરોના નામનો કોઈ વાયરસ ન હોય તેમ માસ્ક વગર જ નીકળી પડ્યા. આ ધાર્મિક કાર્યક્રમમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી નાચતા-ગાતા જોવા મળ્યા.

સોશિયલ મીડિયા પર હાલ આ બેદરકારીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કેટલાક લોકો ઢોલ વગાડી રહ્યા છે, મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં હાજર છે. યુવાનો મસ્ત બનીને બિન્દાસ્ત ઢોલના તાલે ઝુમી રહ્યા છે. કેટલાક આધેડ વયના લોકો અબીલ-ગુલાલની છોડો ઉડાવી રહ્યા છે. આ યાત્રામાં બાળકો પણ માસ્ક વગર જ નીકળી ગયા છે. માસ્ક કેમ નથી પહેર્યું ? એ બાળકોને કોઈ કહેનારું નથી કારણ કે ખુદ વડીલોએ જ આ નિયમને નેવે મુકી દીધો છે. આ વીડિયો વેરાવળની સોની બજારનો હોવાનો દાવો કરાયો છે.

થોડા દિવસ પહેલાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશિયલ મીડિયા પર લાઈવ આવીને જનતાને અપીલ કરી હતી કે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યું છે એટલે સાવચેતી જરૂરી છે. તેમણે એવી પણ સૂચના આપી હતી કે, જ્યાં સુધી કોરોનાનું સંક્રમણ હળવું ન થાય ત્યાં સુધી રાજ્યમાં ધાર્મિક કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવે છે. આ અંગે ગીર સોમનાથ જિલ્લા તંત્રએ પણ જાહેરનામુ બહાર પાડ્યું હતું. જો કે, શોભાયાત્રામાં જોડાયેલા લોકોને ન તો જાહેરનામું નડ્યું ન તો તેમને મુખ્યમંત્રીની અપીલ યાદ આવી.

આ કાર્યક્રમ મુદ્દે હવે અનેક સવાલો ઉઠ્યા છે. વેરાવળના જાગૃત નાગરિકો કહી રહ્યા છે કે, શું હવે આ લોકો વિરૂદ્ધ કોઈ ફરિયાદ નોંધાશે ?  શા માટે આયોજકે સેંકડોની સંખ્યામાં લોકોના જીવ જોખમમાં મુક્યા ?  જો આ યાત્રામાં એક પણ વ્યક્તિ પોઝિટિવ હશે અને સંક્રમણ ફેલાશે તો તેના માટે જવાબદાર કોણ ? 

ઉલ્લેખનીય છે કે, વેરાવળમાં હાલ સ્વૈચ્છિક આંશિક લોકડાઉન અમલી છે. ભીડ ન થાય તે માટે શહેરમાં 4 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. બીજી તરફ આ ભીડના દ્રશ્યો જાગૃત નાગરિકોને ભયભીત કરી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments