Homeગામનાં ચોરેઆ આર્ટીસ્ટે કર્યો ભગવાન રામની દુનિયાની સૌથી નાની મૂર્તિ બનાવ્યાનો દાવો

આ આર્ટીસ્ટે કર્યો ભગવાન રામની દુનિયાની સૌથી નાની મૂર્તિ બનાવ્યાનો દાવો

Team Chabuk-National Desk: આજે રામ નવમી છે. રામભક્તો વગર જ રામ નવમીની ઉજવણી થઈ રહી છે. કોરોનાના કારણે મોટાભાગના મંદિરો બંધ છે. કોરોનાના કારણે શોભાયાત્રા પણ રદ કરાઈ છે. અલગ-અલગ મંદિર ટ્રસ્ટે ભક્તોને ઘરે રહીને જ રામ નવમીની ઉજવણી કરવા અપીલ કરી છે. કોરોનાએ ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમોનો રંગ ફિક્કો પાડ્યો છે. સામાન્ય રીતે રામ નવમીના દિવસે ઠેર ઠેર મોટી સંખ્યામાં શોભા અને પાલખીયાત્રા નીકળે છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે અને ભક્તિમાં લીન થઈ જાય છે પરંતુ આ વખતે દ્રશ્યો કંઈક અલગ છે. મંદિરોને તાળા છે તેમજ ભક્તો ઘરે રહીને જ ભગવાનનું સ્મરણ કરી રહ્યા છે.

આ વખતે રામ નવમીની ધામધૂમથી ઉજવણી નથી થઈ શકી. જેથી ભગવાન રામના ભક્તો ઘરે રહીને જ અનોખી રીતે ભગવાનને યાદ કરી રહ્યા છે. ઓડિશાના એક આર્ટીસ્ટે દાવો કર્યો છે કે તેણે લાકડામાંથી વિશ્વની સૌથી નાની રામ ભગવાનની મૂર્તિ બનાવી છે.  આ મૂર્તિની ઉંચાઈ માત્ર 4.1 સેન્ટીમીટર છે. ઓડિશાના ગંજમ જિલ્લામાં રહેતા સત્યનારાયણ મહારાણાએ આ મૂર્તિને આકાર આપ્યો છે.

સત્યનારાયણનું કહેવું છે કે આ મૂર્તિ તેણે માત્ર એક જ કલાકમાં તૈયાર કરી છે. તેનો દાવો છે કે, આ ભગવાન રામની લાકડાંમાંથી બનેલી આ મૂર્તિ દુનિયાની સૌથી નાની મૂર્તિ છે. ઓડિશાનો આ કલાકાર નાની-નાની મૂર્તિઓ બનાવવા માટે જાણીતો છે. તે સેન્ડ આર્ટીસ્ટ પણ છે. રામ નવમીના દિવસે તેણે લોકોને શુભકામના આપી હતી અને ઘરે રહી રામ નવમીની ઉજવણી કરવા અપીલ કરી હતી. તેણે કહ્યું કે, “આપ સૌ ઘરમાં જ રહો અને કોરોનાથી બચો, ઘરમાં રહીને જ પૂજા કરો, બહાર ન નીકળો.” આ પહેલાં શિવરાત્રી પર પણ સત્યનારાયણે ભગાવન શિવની સૌથી નાની મૂર્તિ બનાવી હતી.

ભગવાન ખુદ રસ્તા પર ઉતર્યા

એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું બીજી તરફ લોકોની બેદરકારી પણ વધી રહી છે. આવા બેદરકાર લોકોને સમજાવવા માટે ભગવાને ખુદ મેદાને આવવું પડ્યું છે.

બેંગ્લોરમાં એક હોટલના ત્રણ કર્મચારીઓએ અનોખી પહેલ શરૂ કરી છે. લોકો સતત નિયમોનો ભંગ કરી રહ્યા હોવાથી તેઓ ભગવાનનો વેશ ધારણ કરી લોકોને સમજાવી રહ્યા છે. હોટલના કર્મચારી અભિષેક, નવીન અને અન્ય એક કર્મચારીએ ભગવાન રામ, કૃષ્ણ અને હનુમાનજીનો વેશ ધારણ કરી રસ્તા પર ઉતર્યા છે અને લોકોને માસ્કનું વિતરણ કરી રહ્યા છે. સાથે જ કોરોના અંગે માહિતી આપી રહ્યા છે. આમ, બેદરકાર લોકોને સમજાવવા માટે હવે ખુદ ભગવાનને મેદાને ઉતરવું પડી રહ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments