Homeગુર્જર નગરીનિયમતોડ મેરેથોન અંગે ખુલાસો: મંજૂરી ન હોવા છતાં યોજાયો કાર્યક્રમ, આયોજકોએ...

નિયમતોડ મેરેથોન અંગે ખુલાસો: મંજૂરી ન હોવા છતાં યોજાયો કાર્યક્રમ, આયોજકોએ સ્પર્ધકોને માત્ર દોડાવ્યા જ નહીં ‘નચાવ્યા’ પણ ખરા !

શૈલેષ નાઘેરા: ગીર સોમનાથના વેરાવળમાં મેરેથોન દોડ યોજવા અંગે ખુલાસો થયો છે કે, પોલીસની મંજૂરી ન હોવા છતાં દોડનું આયોજન થયું હતું. આ મુદ્દે એએસપી ઓમપ્રકાશ જાટએ જણાવ્યું કે, મેરેથોનનું આયોજન કરનારા ભારત વિકાસ પરિષદ સંસ્થાએ મંજૂરી માંગી હતી પરંતુ પોલીસે મંજૂરી આપી ન હતી. હાલ આ મામલે એફઆઈઆર નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે સવારે વેરાવળ ચોપાટી ખાતે 6થી 10 વાગ્યા સુધી મેરેથોન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ત્રણ કેટેગરીમાં કુલ 1800 સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને ખુદ સાંસદ રાજેશ ચુડાસમાએ આ દોડને લીલીઝંડી આપી હતી. એટલું જ નહીં જાહેરમાં કોઈ પાર્ટી હોય તેમ આયોજકો સહિત સ્પર્ધકોએ ડી.જેના તાલે ડાન્સ પણ કર્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ-પ્રમુખ માનસિંગ પરમાર, નગરપાલિકા પ્રમુખ પીયૂષ ફોફડી સહિતના રાજકીય પદાધિકારીઓ ઉપસ્થિત હતા.

તો ઉડીને આંખે વળગે તેવી એક વાત એ પણ હતી કે આ કોરોનાને આમંત્રણ આપવાનો કાર્યક્રમ ચોપાટી પર આવેલા જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસવડા, એએસપી અને ડીડીઓના સરકારી બાંગ્લાઓની સામે જ થઈ રહ્યો હતો. જો કે, અધિકારીઓએ ત્યારે જ આયોજકો સામે કાર્યવાહી કેમ ન કરી તે મોટો સવાલ છે.

રાજ્યકક્ષાના ટ્રાન્સપોર્ટ અને ટૂરિઝમમંત્રી અરવિંદ રૈયાણીએ આ રેલી યોજાતાં પહેલાં સમીક્ષા કરી હતી. ત્યારે મીડિયાએ મોટી સંખ્યામાં સ્થાનિકો ભેગા થાય તો શું તકેદારી રાખવી એ અંગે પૂછતાં જવાબદાર મંત્રીએ જવાબદારીપૂર્વક જણાવ્યું હતું કે ‘મારા ધ્યાન પર છે, હું જોઈ લઉં છું’. જો કે, તેમણે દોડ અંગે શું ધ્યાનમાં લીધું તે સવાલ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments