Homeગુર્જર નગરીગીર સોમનાથઃ સૂત્રાપાડાના બરૂલા, સોલાજ, કડસલા ગામમાં બનતા રસ્તામાંથી આવી રહી છે...

ગીર સોમનાથઃ સૂત્રાપાડાના બરૂલા, સોલાજ, કડસલા ગામમાં બનતા રસ્તામાંથી આવી રહી છે ભ્રષ્ટાચારની ગંધ

શૈલેષ નાઘેરા: ગામડાના લોકોને ધૂળિયા રસ્તાઓમાંથી છૂટકારો મળે તે હેતુથી ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અમલી બનાવાઈ છે. આ યોજના અંતર્ગત ગુજરાતના છેવાડાના ગામડાઓમાં સી.સી રોડ બનાવવાની મંજૂરી આપવામાં આવે છે. હેતુ સારો છે પરંતુ તે સાર્થક નથી થઈ રહ્યો અથવા તો સાર્થક થવા દેવામાં નથી આવતો. આવો જ એક કિસ્સો ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકામાં બન્યો છે. જ્યાં વચેટિયાઓને માલામાલ થવું છે અને ગામલોકોને એજ અસુવિધાઓમાં જીવાડવા છે.

વાત ગીર સોમનાથના સૂત્રાપાડાના બરૂલા, સોલાજ અને કડસલાની છે. અહીં સાતથી આઠ મહિના પહેલાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત નવો રસ્તો બનાવવાની મંજૂરી અપાઈ છે. મંજૂરી બાદ કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ આ કામમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે અને એ આરોપ ખુદ સત્તાધારી પક્ષના જ નેતાએ લગાવ્યો છે.

સૂત્રાપાડા તાલુકા ભાજપના ઉપપ્રમુખ જેસા વાળાએ રસ્તાના કામમાં કૌભાંડ થયું હોવાનો આરોપ લગાવ્યો છે. તેમનો આરોપ છે કે, સાતથી આઠ મહિના અગાઉ મંજૂર થયેલા થરેલી, બરૂલા, કડસલા, સોલાજના રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જસા વાળાએ આરોપ લગાવ્યો છે કે, રસ્તાના કામમાં નબળી ગુણવત્તાની સિમેન્ટ વાપરવામાં આવી રહી છે. એટલું જ નહીં રસ્તામા રેતીની જગ્યાએ રિજેક્ટેડ પાઉડર વપરાઈ રહ્યો છે. આ ઉપરાંત જે પ્રમાણે ટેન્ડરમાં ઉલ્લેખ કરાયો છે તે મુજબ સ્ટીલ પણ વાપરવામાં નથી આવતું.

રસ્તાની નબળી કામગીરીનો આરોપ

આ અંગે જેસા વાળાએ કહ્યું કે, થોડા સમય પહેલાં ગામ લોકોએ સ્થળ તપાસ કરી કામગીરી અંગે માહિતી મેળવી હતી. જેમાં રસ્તાની નબળી કામગીરી જણાઈ આવતા ગામલોકોએ સાથે મળીને કામ બંધ કરાવ્યું હતું અને યોગ્ય રીતે કામ કરવા સ્થાનિક લેવલે રજૂઆત કરી હતી. સ્થળ પર હાજર ડેપ્યૂટી એક્ઝિક્યૂટિવ એન્જિનિયરને પણ મૌખિકમાં રજૂઆત કરાઈ હતી. જો કે, ગામલોકોની રજૂઆતને અવગણીને ફરીથી બળજબરીપૂર્વક કામ શરૂ કરવામાં આવ્યું છે. ચોમાસુ માથે હોવા છતાં ખાડા ખોદી દેવાયા છે.હવે ફરીથી આ જ મુદ્દો ઉઠ્યો છે. નબળી ગુણવત્તાવાળી સિમેન્ટ અને રિજેક્ટેટ પાઉડરથી પ્રોટેક્શન દીવાલ અને સી.સી.રોડ બનાવાઈ રહ્યો હોવાનો આરોપ છે.

સ્થાનિકોનું કહેવું છે કે, અમારો અવાજ તંત્રના કાને પડે તે જરૂરી છે. જો તંત્ર આ અંગે સામેથી કોઈ પગલાં નહી લે તો રસ્તો અને પ્રોટેક્ટેડ દીવાલ બંને બની જશે. એકવાર કામ પૂર્ણ થયા બાદ ન તો કોન્ટ્રાક્ટર અહીં ફરકશે ન તો રસ્તો બનાવનારા એન્જિનિયર. થોડા સમયમાં વરસાદ શરૂ થઈ જશે એટલે એન્જિનિયરને વરસાદી પાણીમાં રસ્તો ધોવાઈ ગયું હોવનું બહાનું પણ મળી જશે. આખરે ફરી રસ્તાની સ્થિતિ જૈસે થે થઈ જશે. રસ્તો ધોવાયા બાદ ફરી ટેન્ડર પાસ થશે અને જો આ વખતે તંત્ર દાખલો નહીં બેસાડે તો ફરી એકવાર ભ્રષ્ટાચારનો રસ્તો બનશે આમ, આ સિલસિલો યથાવત રહેશે. અમારી કલેક્ટરને રજૂઆત છે કે તેઓ ખુદ આ બાબતે નોંધ લઈ ભ્રષ્ટાચારીઓ સામે લાલઆંખ કરે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments