શૈલેષ નાઘેરા: ગામડાઓને શહેર સાથે જોડવાની પ્રાથમિક જરૂરિયાત પાકા રસ્તા છે. જો ગામડાથી શહેર સુધી પાકા રસ્તા ન હોય તો ગામડાઓમાં રહેતા સ્થાનિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગ્રામ સડક યોજના થકી સરકારે મોટા ભાગના ગામડાઓને શહેર સાથે પાકા રસ્તાના માધ્યમથી જોડી પણ દીધા છે. જો કે, હજુ પણ કેટલાક એવા રસ્તાઓ છે જ્યાં સુધી સરકાર પહોંચી નથી અથવા તો ભારે વાહનોના કારણે બનાવેલા રસ્તાઓ ફરી બિસ્માર બન્યા છે. આ બિસ્માર રસ્તાઓ પૈકીનો એક રસ્તો ગીર સોમનાથના વેરાવળમાં છે. વેરાવળના રામપરા ગામથી ગોરખમઢી ગામ સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે. ચોમાસામાં આ રસ્તા પર વાહન ચલાવવું બહું જોખમભર્યું છે.
રામપરાથી ગોરખમઢીનો આ રસ્તો આજુબાજુના 10થી વધુ ગામોને લાગુ પડે છે. જેથી રોજ હજારો વાહન આ રસ્તા પરથી પસાર થાય છે. વળી, રામપરામાં અબુંજા કંપનીની માઇનિંગ લીઝ આવેલી છે. કંપનીનું કાચું મટિરિયલ ભારે વાહનો દ્વારા આ જ રસ્તા પરથી લઈ જવાય છે. જેના કારણે પણ રસ્તાની હાલત કફોડી બની હોવાનો સ્થાનિકોનો આરોપ છે.
સ્થાનિકોનું કહેવું છે કે, આ બિસ્માર રસ્તાના કારણે વારંવાર અકસ્માત થવાનો ભય રહે છે. રામપરાથી ગોરખમઢીનો રસ્તો અતિ ખરાબ હોવાને કારણે 108 જેવી ઈમરજન્સી સેવાનો લાભ પણ અહીંના આજુબાજુના ગામોને સમયસર નથી મળી શકતો. ખરાબ રસ્તાના કારણ 108નો સમય વેડફાય છે. એટલું જ નહી સૌથી વધુ મુશ્કેલી સગર્ભા સ્ત્રીઓને પડે છે. સ્થાનિકોએ કહ્યું કે, આ રસ્તા પરથી સગર્ભાઓને લઈ જતાં અમને ડર લાગે છે. સરકાર આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરે.
રામપરા ગોરખમઢી ગામના રસ્તા વચ્ચે એક પુલ પણ છે જે ખુબ જ નીચો હોવાથી ચોમાસામાં શહેરનો સંપર્ક તૂટી જાય છે. વર્ષોથી 10થી વધુ ગામના લોકોની આ સમસ્યા છે. અનેકવાર રજૂઆત પણ થઈ છે પરંતુ તંત્ર મગનું નામ મરી ન પાડતું હોવાની સ્થાનિકોએ વેદના ઠાલવી છે. સ્થાનિકો આ પૂલને ઉંચો બનાવવાની માગણી વર્ષોથી કરી રહ્યા છે.
આરોપ છે કે, આ રસ્તા બાબતે અગાઉ પણ અનેક રજૂઆત થઈ છે જો કે, તંત્ર આ બાબતે આંખ આડા કાન કરી રહ્યું છે. સ્થાનિકોની સમસ્યા સ્થાનિક તંત્રને કે સરકારને ઉકેલવામાં કોઈ રસ ન હોય તેવી રીતે સ્થાનિકોની વાત અવગણાતી હોવાનો આરોપ છે.
આ અંગે સંસ્કાર રુરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન-આણંદપરાના પ્રમુખ બાબુ વાજા તેમજ સામાજિક કાર્યકર વિજય વાઢેર અને ગામલોકોએ મળી મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર, સાંસદ રાજેશ ચુડાસમા, સ્થાનિક ધારાસભ્ય અને માર્ગ મકાન વિભાગ વેરાવળને લેખિતમાં રજૂઆત કરી છે અને રસ્તો બનાવવા તેમજ પૂલની ઊંચાઈ વધારવા વિનંતી કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત