Team Chabuk-Gujarat Desk: સારા વરસાદને પગલે વડોદરા જિલ્લામાં કૃષિ સક્રિયતા વધી છે અને જિલ્લાની ખેતીલાયક પૈકી 1,32,287 હેકટર જમીનમાં ધાન્ય, કઠોળ, તેલીબિયાં અને કપાસ સહિત વિવિધ 15 પ્રકારના કૃષિ પાકો લહરાઈ રહ્યાં છે. જો કે નોંધપાત્ર વાવેતર કપાસ, ડાંગર, તુવેર, સોયાબીન, શાકભાજી અને ઘાસચારાનું છે અને અન્ય પાકોનું વાવેતર ઓછું છે.
જિલ્લા ખેતીવાડી અધિકારી નીતિન વસાવાએ જણાવ્યું કે, જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં પ્રથમ વરસાદ થઈ ચૂક્યો છે ત્યારે વાવેતરની પ્રવૃત્તિ વેગવાન બનવાની આશા છે. યાદ રહે કે, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વડોદરા જિલ્લાના કુલ વાવેતર વિસ્તાર પૈકી ખરીફ એટલે કે ચોમાસું મોસમમાં સરેરાશ 2,54,367 હેકટર જમીનમાં પાકો લેવામાં આવ્યા હતા. તેના અનુસંધાને કહી શકાય કે આ વર્ષે અત્યાર સુધીમાં ઉપરોક્ત સરેરાશના 50 ટકાથી વધુ જમીનમાં વાવેતર વર્તમાન ખરીફ મોસમમાં થઈ ચૂક્યું છે.
જિલ્લામાં સહુથી વધુ 69,974 હેક્ટરમાં સફેદ સોનાનું એટલે કે વ્હાઇટ ગોલ્ડ તરીકે ઓળખાતા કપાસનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. કપાસનું વાવેતર જિલ્લાના ખરીફ મોસમના કુલ વાવેતરના 50 ટકાથી વધુ છે એ પણ આંકડાઓ પરથી ફલિત થાય છે. નીતિન વસાવાએ જણાવ્યું કે, વર્તમાન મોસમમાં જિલ્લામાં વધતા ઓછા પ્રમાણમાં ધાન્ય પાકોમાં ડાંગર, બાજરી, જુવાર અને મકાઈ, કઠોળ પાકોમાં તુવેર, મગ અને અડદ, તેલીબિયાંમાં મગફળી, તલ, સોયાબીન અને દિવેલાનું, કપાસ, ગુવાર, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે.
આ પૈકી નોંધપાત્ર વાવેતરની વાત કરીએ તો સહુથી વધુ 69,974 હેક્ટરમાં કપાસ, 17,548 હેક્ટરમાં તુવેર, 16,145 હેક્ટરમાં ઘાસચારો, 12,776 હેક્ટરમાં શાકભાજી, 9298 હેક્ટરમાં સોયાબીન અને 5930 હેક્ટરમાં ડાંગર વાવવામાં આવી છે. જિલ્લામાં તેલીબિયાં પાકોમાં પરંપરાગત મગફળી, તલની જગ્યાએ સોયાબીનનું વાવેતર નોંધપાત્ર પ્રમાણમાં વધ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત