Homeતાપણુંકર્ણાટકના નવા મુખ્યમંત્રી બોમ્મઈ, યેદિયુરપ્પા ખુરશી પર ન હોવા છતાં ખુરશીમાં

કર્ણાટકના નવા મુખ્યમંત્રી બોમ્મઈ, યેદિયુરપ્પા ખુરશી પર ન હોવા છતાં ખુરશીમાં

Team Chabuk-Political Desk: કર્ણાટકમાં મંગળવારના રોજ બસવરાજ બોમ્મઈને ભારતીય જનતા પાર્ટીની ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરી લેવામાં આવ્યા છે. આ સાથે જ મુખ્યમંત્રી બનવાનો તેમનો રસ્તો સાફ થઈ ગયો છે. મુખ્યમંત્રી બનનારા બોમ્મઈ હવે એ જોડીમાં આવી ગયા છે કે જ્યાં પિતા પણ મુખ્યમંત્રી રહી ચૂક્યા હોય અને પુત્રએ પણ બાગડોર સંભાળી હોય.

ઉત્તર કર્ણાટકથી આવનારા લિંગાયત સમુદાયના નેતા બસવરાજ બોમ્મઈ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસ.આર. બોમ્મઈના પુત્ર છે. 1988થી 1989 સુધી કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. 61 વર્ષીય બોમ્મઈ પૂર્વ મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પાની નેતૃત્વવાળી સરકારમાં ગૃહ, કાયદો અને સંસદીય મંત્રાલયની જવાબદારી સંભાળતા હતા. કર્ણાટકમાં આ પ્રથમ વખત નથી બન્યું કે પિતા બાદ પુત્રએ સત્તા સંભાળી હોય. પૂર્વ પ્રધાનમંત્રી એચ.ડી.દેવેગૌડા જેઓ કર્ણાટકના તત્કાલિન મુખ્યમંત્રી હતા, બાદમાં તેમના પુત્ર એચડી. કુમારસ્વામી પણ રાજ્યના મુખ્યમંત્રી કોંગ્રેસ પાર્ટીના ટેકા દ્વારા બન્યા હતા. જેમની સરકાર પાડી યેદિયુરપ્પા સત્તામાં આવ્યા હતા.

બસવરાજ બોમ્મઈના નામનો પ્રસ્તાવ રાખ્યો જેનું સમર્થન સૌથી પહેલા ગોવિંદ કરજોલે કર્યું અને પછી તમામ ધારાસભ્યોએ આ વાતનું સમર્થન કર્યું હતું. મુખ્યમંત્રી બોમ્મઈની સાથે સાથે કર્ણાટકમાં ત્રણ ઉપ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. સૂત્રો મુજબ જે નેતા ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવશે તેમાંથી આર અશોક, વોક્કાલિંગા સમુદાયમાંથી આવે છે. ગોવિંદ કરજલો એસસી સમુદાયમાંથી આવે છે અને યેદિયુરપ્પાની સરકારમાં પણ નાયબ મુખ્યપ્રધાન હતા. અન્ય એક શ્રી રામાલુ એસટી સમુદાયમાંથી આવે છે. આમ કરી ભાજપ રાજ્યમાં જ્ઞાતિ આધારિત સમીકરણ પર વાર કરવા માગે છે.

કર્ણાટક બીજેપી નેતા અને કર્ણાટક પ્રભારી અરુણ સિંહે કહ્યું હતું કે, નિર્ણય તમામ ધારાસભ્યોએ સર્વસંમત્તિથી લીધો છે.  તેમણે ગૃહમંત્રીના કાર્યકાળ દરમિયાન પણ યોગ્ય કામ કર્યું છે. આશા છે કે તેઓ ઉત્તમ મુખ્યમંત્રી સાબિત થશે. જણાવી દઈ કે બોમ્મઈના મુખ્યમંત્રી બનતાના એક દિવસ પહેલા પૂર્વ મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પાએ પોતાનું રાજીનામું આપ્યું હતું. મુખ્યમંત્રી બોમ્મઈ રાજનીતિક રૂપથી પ્રભાવશાળી એવા લિંગાયત સમુદાયમાંથી આવે છે. સવાલ તો એ ઉઠે છે કે બસવરાજ બોમ્મઈની જ શા માટે નિયુક્તિ કરવામાં આવી.

એક તો બોમ્મઈ લિંગાયત સમુદાયનો ચહેરો છે, બીજું કે તેઓ કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર નીકળી રાજ્યમાં છેલ્લી ત્રણ ટર્મથી ધારાસભ્ય બની રહ્યા છે. લિંગાયત સમુદાય ભાજપના પરંપરાગત વોટર્સ રહ્યા છે અને રાજ્યમાં તેમની સંખ્યા કુલ વસતિની 19 ટકા છે. ખૂદ પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પા પણ લિંગાયત સમુદાયના હતા. આ સિવાય બોમ્મઈની છબી બિલકુલ સાફ છે. યેદિયુરપ્પાના સૌથી નજીકના માનવામાં આવે છે જેથી યેદિનો એનકેન પ્રકારે સાથ પણ મળી રહેશે.

આ સમયે બીજેપી યેદિયુરપ્પાને નિરાશ કરવાનું રિસ્ક ન ઉઠાવી શકે અને આ કારણે જ યેદિયુરપ્પાએ કહેલા નામ પર મહોર લગાવવી પડી હતી. જેને યેદિનો માસ્ટરસ્ટ્રોક કહી શકાય કે એ ખુરશી પર ન હોવા છતાં ખુરશી પર છે. બોમ્મઈ પહેલા જેડીએસમાં હતા. બે વખત એમએલસી રહ્યા. 2008માં એમણે બીજેપી જોઈન કર્યું અને સતત ત્રણ વખત ધારાસભ્ય બન્યા. તેમના પિતા અગાઉ મુખ્યમંત્રી પણ હતા અને એચડી દેવેગોડાની સરકારમાં મંત્રી પણ હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments