ગૂગલે જાહેરાત કરી છે કે આવતા વર્ષથી ગૂગલ ફોટોઝ પર અનલિમિટેડ ફોટો અપલોડનું ઓપશન નહીં મળે. મતલબ કે જે તમે ધડાધડ ફોટો ક્લિક કરીને ગૂગલ ફોટોઝમાં મુકી દો છો એ સુવિધા આવતા વર્ષથી બંધ થઈ જઈ રહી છે.
ગૂગલ ફોટોઝ શું છે ?
જો તમારી પાસે ગૂગલ એકાઉન્ટ છે તો તેમા ઈમેઈલ સિવાય ગૂગલ ડ્રાઈવ, ગૂગલ કીપ જેવા તમામ ફીચર્સ આવે છે. જેમાં સૌથી કામનું ફીચર છે ગૂગલ ફોટોઝ. આ આપણા ફોટોને ક્લાઉડ એટલે કે ગૂગલના પોતાના સર્વરમાં રાખે છે. તેમા સ્ટોર કરવાની સુવિધા પૂરી પાડે છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે જો કોઈએ પોતાના ગૂગલ એકાઉન્ટ પર જાતે જ ગૂગલ ફોટોઝ પર સિંક કરવાનું ઓપ્શન સિલેક્ટ કર્યું છે તો તે મોબાઈલમાં લીધેલી દરેક ફોટોને સાચવી રાખે છે. જ્યારે પણ આ ફોટાની જરૂર પડે ત્યારે તે એક ક્લિકમાં આપણી સામે આવી જાય છે. એટલે કે ગૂગલ ફોટોઝ પરથી આપણે આ ફોટોઝને ફરીથી મોબાઈલમાં પણ ડાઉનલોડ કરી શકીએ છીએ.
હવે ગૂગલ ફોટોઝ પર અનલિમિટેડ ફોટો સ્ટોર નહીં કરી શકાય. જોકે, ગૂગલ દરેક એકાઉન્ટમાં 15 જીબી ડેટા સ્ટોર કરવાનો વિકલ્પ આપે છે. જે યથાવત રહેશે.
ગૂગલ ફ્રીમા મળતી આ સેવા બંધ કરવા જઈ રહ્યું છે. પહેલાં ગૂગલ ફોટોઝ ડંપિંગ સાઈડ જેવું બની ગયું હતું. સારા ખરાબ તમામ ફોટો અહીં સેવ થતાં. આમ તો ચર્ચા પહેલેથી જ હતી કે ગૂગલ ફોટોઝમાં અનલિમિટેડ સ્ટોરેજની સુવિધા બંધ થવાની છે. આખરે તેની જાહેરાત પણ થઈ ગઈ છે. 1 જૂન 2021થી ગૂગલ ફોટોઝનું સ્ટોરેજ પણ 15 જીબીમાં જ ગણવામાં આવશે. જે આપણા બેઝિક ગૂગલ એકાઉન્ટમાં મળે છે.
આ રસ્તો છે ફોટો સ્ટોર કરવાનો
ગૂગલ પર 15 જીબી ઉપરાંત વધુ સ્પેસ પણ ખરીદી શકાય છે. 100 જીબી વધારાની સ્પેસ માટે મહિનાના 130 અથવા 1300 રૂપિયા વર્ષના ચૂકવવા પડે છે. 2 ટીબી સ્ટોરેજ 650 રૂપિયા મહિનાના અથવા 6500 રૂપિયા વર્ષના ચૂકવી ખરીદી શકાય છે. જે લોકોએ ગૂગલ પર સ્પેસ પહેલાથી ખરીદી રાખી છે. તેઓ પોતાના ફોટોઝ તે સ્પેસમાં પણ સ્ટોર કરી શકશે.
આ હોય શકે છે કારણ !
ગૂગલે પોતાના બ્લોગમાં આ બાબતે કોઈ ચોક્કસ કારણ નથી લખ્યું. પરંતુ એવી માહિતી છે કે, અંદાજે પાંચ વર્ષ પહેલાં શરૂ કરાયેલા ગૂગલ ફોટોઝ પર અત્યાર સુધીમાં બહુ સ્ટોરેજ થઈ ગયું છે. ગૂગલે આપેલી જાણકારી મુજબ અત્યાર સુધીમાં 4 ટ્રિલિયન ફોટો ગૂગલ પર અપલોડ થઈ ગયા છે. એટલું જ નહીં યુઝર્સ દર અઠવાડિયે 28 બિલિયન ફોટો ચડાવી રહ્યા છે. એટલે ગૂગલ પર સ્ટોરેજ સતત વધી રહ્યું છે. બીજું કે હવે આ એક રૂપિયા કમાવાનો રસ્તો પણ બની ગયો છે. એટલે કે પહેલાં ગૂગલે મફતમાં સેવા પીરસી, લોકોને આદત પાડી. આમ, એક બિઝનેસ મોડલ તૈયાર થઈ ગયું.
સ્ટોરેજનો બીજો રસ્તો
જો તમારી પાસે એમેઝોન પ્રાઈમ છે તો તમને એમાં અનલિમિટેડ સ્ટોરેજની સુવિધા મળી રહેશે. એમેઝોન ડ્રાઈવ તમને અનલિમિટેડ સ્ટોરેજની સુવિધા આપે છે. એમેઝોન પ્રાઈમની સુવિધા હાલ મહિનાના 129 રૂપિયા અથવા વર્ષના 999 રૂપિયા ચૂકવી મેળવી શકાશે. ગૂગલની સામે આ સુવિધા તમારા ખિસ્સાનો ભાર ઘટાડશે. સાથે જ અન્ય કેટલીક સુવિધા પણ મળી રહેશે.