Homeસાહિત્યપોલીસે એક ટ્રેક્ટર લીધું અને મડદાઓ તેમાં નાખી દીધા

પોલીસે એક ટ્રેક્ટર લીધું અને મડદાઓ તેમાં નાખી દીધા

અરુંધતિ રોય : નવો દિવસ. નવી જગ્યા. અમે મહુવાના વિશાળ વૃક્ષોની નીચે ઉસિર ગામના બહારના ભાગમાં બેઠક જમાવી દીધી. મહુવાના વૃક્ષોમાં હમણાં હમણાં જ ફૂલ આવ્યા હતા. એ હલકા પીળા, લીલાછમ દેખાતા જંગલની ધરતી પર હીરા મોતીની જેમ પડ્યા હતા. હવામાં તેની મંદ મંદ ઉન્મત કરી દેતી સુગંધ પ્રસરી રહી હતી. અમે ભાટપલ શાળાના બાળકોની પ્રતિક્ષા કરી રહ્યા હતા. જે ઓન્ગનારના દંગલ બાદ બંધ કરી દેવામાં આવ્યો હતો. તેને હવે પોલીસની શિબિરમાં બદલી દેવામાં આવ્યો હતો. બાળકોને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. નેલવાડા, મૂંઝમેટ્ટા, એકડા, વેડોમાકોટ અને ઘનોરાના શાળાના બાળકો માટે પણ આ સત્ય છે.

ભાટપાલ નિશાળના બાળકો નહોતા આવતા.

કોમરેડ નીતિ (મોસ્ટ વોન્ટેડ) અને કોમરેડ વિનોદ અમને પોતાની સાથે લઈને જળસંગ્રહની જગ્યા અને તળાવની એ શૃંખલાને બતાવવા લઈ જાય છે. જે જનતાના સરકારે બનાવી છે. કોમરેડ નીતિ ખેતી-વાડીથી સંબંધિત અસંખ્ય સમસ્યાઓ વિશે વાત કરે છે. જેનો તેમને સામનો કરવો પડે છે. ફક્ત બે ટકા જમીનની સિંચાઈ કરવી પડે છે. અબૂઝમાડામાં દસ વર્ષ પહેલા સુધી હળથી ખેતી થાય આ વિશે સાંભળ્યું પણ નહોતું. બીજી બાજુ ગઢચિરોલીમાં સંકર બીજ અને રાસાયણિક કિટાણુંનાશક ધીમે ધીમે પોતાનો રસ્તો બનાવી ઘુસી રહ્યા હતા.

‘‘અમને ખેતીવાડીના વિષયમાં તાત્કાલિક મદદની જરૂર છે.’’ કોમરેડ વિનોદ કહે છે, ‘‘અમને એવા લોકોની જરૂર છે જે બીજ, જૈવ કિટાણુંનાશક, પર્માકલ્ચર વિશે જાણતા હોય. થોડી મદદના બળ પર અમે ઘણું બધું કરી શકીએ છીએ.’’

કોમરેડ રામુ જનતાના સરકારના ક્ષેત્રમાં કૃષિ પ્રભારી છે. એ ગર્વની સાથે અમને ખેતીવાડીનું ચક્કર લગાવડાવે છે. જ્યાં તેઓ ચોખા, રિંગણા, ડુંગળી, ફૂલગોબી ઉગાડે છે. એ પછી એટલા જ ગર્વથી એ અમને વિશાળ, એકદમ સૂકાયેલા સિંચાઈ માટેનું તળાવ બતાવે છે.

‘‘આ તળાવમાં તો વરસાદની સિઝનમાં પણ પાણી નથી હોતું. આ ખોટી જગ્યાએ ખોદવામાં આવ્યું છે.’’ તેમના ચહેરા પર એક સ્મિત આવી જાય છે, ‘‘આ અમારું નથી. આને લૂટી સરકારે ખોદાવ્યું હતું.’’ અહીં બે સમાન્તર શાસન પ્રણાલીઓ છે. જનતાના સરકાર અને લૂટી સરકાર.

હું એ વાત વિશે વિચારું છું જે મને કોમરેડ વેણુએ કહી હતી : એ અમને કચડી નાખવા માગે છે. માત્ર ખનીજો માટે જ નહીં. એટલા માટે પણ કે અમે દુનિયા સામે એક વૈકલ્પિક નમૂનો રજૂ કરી રહ્યા છીએ.

આ હજુ માત્ર વિકલ્પ નથી. આ બંદૂકના બળ પર ગ્રામ સ્વરાજ છે. અહીં વધારે ભૂખ છે, વધારે બીમારી છે. પણ એમણે વિકલ્પની સંભાવનાઓ તો નિશ્ચિત પેદા જ કરી દીધી છે. સમગ્ર વિશ્વ માટે નહીં. ન અલાસ્કા માટે ન નવી દિલ્હી માટે. ત્યાં સુધી કે સમગ્ર છત્તીસગઢ માટે પણ નહીં. પણ પોતાના માટે. દણ્ડકારણ્ય માટે. આ વિશ્વનું સૌથી ગોપનીય રહસ્ય છે. તેમણે તેમના નાશના વિકલ્પનો પાયો રાખી દીધો છે. તેમણે ઈતિહાસને પડકાર ફેંક્યો છે. ભારે અટકાયતો બાદ પણ તેમણે પોતાના જીવિત બચીને નીકળવાનો એક રસ્તો તૈયાર કર્યો છે. તેમને મદદ અને કલ્પનાશિલતાની જરૂર છે. એમને ડોક્ટર, પ્રાદ્યાપકો અને ખેડૂતોની જરૂર છે.

તેમને યુદ્ધની જરૂર છે.

પણ જો એમને યુદ્ધ જ મળવાનું છે. તો એ ફરીને લડશે.

****

આગામી કેટલાક સમય સુધી ક્ર.આ.મ સંગઠનની સાથે કામ કરનારી મહિલાઓ, જનતા સરકારના વિભિન્ન પદાધિકારીઓ, દણ્ડકારણ્ય આદિવાસી, ખેડૂત મજદૂર સંગઠનના સભ્યો અને સદસ્યો, મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો અને માત્ર સામાન્ય લોકોની મુલાકાત કરું છું. જે આ ભયાનક સમયમાં જિંદગીનો સાથ નિભાવવાની કશ્મકશમાં લાગેલા છે.

હું નારાયણપર જિલ્લાની ત્રણ બહેનો સુખિયારી, સુકદેઈ અને સુક્કલીને મળું છું. જવાન નથી, કદાચ ચાલીસની આસપાસ છે. એ ક્ર.આ.મ સંગઠનમાં છેલ્લા બાર વર્ષથી છે. ગામના લોકો પોલીસનો સામનો કરવા માટે તેમના પર નિર્ભર છે.

‘‘પોલીસ બસ્સોથી ત્રણસોના ઝુંડમાં આવે છે. એ દરેક વસ્તુ ચોરી જાય છે. ઘરેણા, મુરઘીઓ, સુઅર, અમારા વાસણ, બાણ,’’ સુક્કલી કહે છે, ‘‘એ ચાકુ પણ નથી છોડતા.’’

ઈન્નરમાં તેનું ઘર બે વખત સળગાવવામાં આવ્યું છે. એક વખત નાગા બટાલિયન દ્રારા અને એક વખત કેન્દ્રિય રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા. સુખિયારીની ધરપકડ કરીને જગદલપુરમાં સાત મહિના સુધી જેલમાં રાખવામાં આવી. એક વખત તેઓ ગામના પુરૂષોને એમ કહીને ઉઠાવી ગયા કે, આ ગામમાં બધા નક્સલી છે. સુખિયારીએ મહિલાઓ અને બાળકોને લઈ તેમનો પીછો કર્યો. તેમણે પોલીસ સ્ટેશનને ઘેરી લીધું અને ત્યાં સુધી અડીંગો જમાવી રાખ્યો જ્યાં સુધી પુરુષોને છોડવામાં ન આવ્યા.

‘‘જ્યારે પણ એ કોઈને લઈ જાય.’’ સુકદેઈ કહે છે, ‘‘તમારે તુરંત જઈને એમને પાછા છીનવી લેવા જોઈએ. એક વખત તે લોકો ફાઈલમાં લખી લે તો પછી છોડાવવું ખૂબ આકરું થઈ પડે છે.’’

સુખિયારી જેને બાળપણમાં જબરદસ્તી અપહરણ કરીને એક ઉમદાર માણસ સાથે પરણાવી દેવામાં આવી (એ ઘરેથી ભાગી ગઈ અને પોતાની બહેનની સાથે રહેવા લાગી) હવે જનતાની રેલીઓનું આયોજન કરે છે અને બેઠકોમાં ભાષણ આપે છે. લોકો તેમના પર સુરક્ષા માટે નિર્ભર રહે છે. મેં તેને પૂછ્યું કે, તેના માટે પાર્ટીનો અર્થ શું છે ?

‘‘નક્સલવાદનો અર્થ અમારો પરિવાર. જ્યારે અમે હુમલા વિશે સાંભળીએ છીએ તો એવું લાગે છે કે અમારા પરિવારને વાગ્યું છે.’’ સુખિયારીએ કહ્યું.

મેં તેને પૂછ્યું કે, શું તેને ખબર છે કે માઓ કોણ હતા. એ શરમાવા લાગી અને હસી, ‘‘એ એક નેતા હતા. અમે તેના સપના માટે કામ કરી રહ્યા છીએ.’’

હું કોમરેડ સોમારી ગવડેને મળી. વીસ વર્ષની અને જગદલપુરમાં બે વર્ષ જેલવાસ પણ ભોગવ્યો છે. એ 8 જાન્યુઆરી 2007ના ઈન્નર ગામડામાં, જે દિવસે 740 પોલીસે ઘેરો ઘાલ્યો હતો, કારણ કે એમને ખબર હતી કે, કોમરેડ નીતિ ત્યાં હતી. (એ હતી, પણ પોલીસના આગમન સુધીમાં એ જઈ ચૂકી હતી.) જોકે ગામડાનું અર્ધ-સૈનિક બળ ત્યાં જ હતું. જેમાં સોમારી પણ હતી. પોલીસે ભળભાંખળું થતાં જ ગોળીઓ વરસાવવાની શરૂઆત કરી.

એમણે બે છોકરા, સુકતાલ ગવડે અને કચરૂ ગોટાને મારી નાખ્યા. એમણે ત્રણ બીજા લોકોને પકડી લીધા. સાલમ, રાનાઈ અને સોમારી. રાનાઈને બાંધીને ગોળી મારી દેવામાં આવી. સોમારીને મારી મારીને અધમરી કરી દેવામાં આવી. પોલીસે એક ટ્રેક્ટર લીધું અને મડદાઓ તેમાં નાખી દીધા. સોમારીને મડદાઓ સાથે બેસાડીને નારણપુરા લઈ જવામાં આવી.

(સભાર-Walking With The Comrades પુસ્તકમાંથી. લેખિકા-અરુંધતિ રોય-અનુવાદ- Team Chabuk)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments