હે ચાબુક આવતીકાલ પેટાચૂંટણી છે તારે મતદાન કરવા નથી જવાનું ને ?
‘ના ગોવાબાપા હું તો હજુ સતર જ દિવસનો થયો છું. મારું થોડું ચૂંટણી કાર્ડ નીકળે.’
હા કાં તું તો હજી ટેણીયો છો. હવે કાલ ચાબુક ચૂંટણી છે. સાથો સાથ અમેરિકાની પણ ચૂંટણી છે. ગુજરાત સાથે અમેરિકાએ સંબંધ જાળવ્યો કહેવાય ચાબુક. હવે કાલની ચૂંટણીની આંકડાકીય માહિતી તને આપી દઉં. કાલ આપણે વધારે કંઈ માથાકૂટ કરવાની રહેતી નથી. આખા દિવસની માહિતી હું સાંજે આપીશ એટલે ખાલી ગોવાબાપાની અનુભવી કલમ ગુજરાતના લોકો વાંચી લેશે તો પણ એમને સંધીય ખબર પડી જાશે.
સવારમાં 7નાં ટકોરે મતદાન શરૂ થવાનું છે. સાંજના છ વાગ્યા સુધી મતદાન થાશે. ત્રણ હજાર ચોવીસ મતદાન કેન્દ્ર છે, જેમાં 18 લાખ અને 75 હજાર મતદારો આવતીકાલે નેતાઓના ભાવીનો ફેંસલો કરશે. 419 માઈક્રો ઓબ્ઝર્વ અધિકારીઓ અને 900 કેન્દ્ર પર વેબ કાસ્ટિંગ સુવિધા.
હવે કાલે શું થાય છે એ જોવાનું રહેશે. કહેવાનું એમ કે મતદાનની ટકાવારી કેટલા ટકા સામે આવે છે. મતદાન એ તમારો અધિકાર છે. મતદાનનો ઉપયોગ કરજો પણ છૂટાછૂટા જજો. કોરોના છે એટલે. છૂટાછૂટા ઊભા રહેજો. જોકે મારે આ થોડું લખવાનું હોય. આપણા ચૂંટણીપંચે સારામાં સારી તૈયારી કરીને જ રાખી હશે. તો ફરી એક વખત મતદાન કરજો. અમેરિકાના પ્રખર રાજનીતિજ્ઞો પણ કહી ચૂક્યા છે કે, ‘જો તમે મતદાન નથી કરતાં તો બાદમાં તમને વિરોધ કરવાનો અધિકાર પણ નથી રહેતો.’ તો ટીમ ચાબુક અને આપના પ્રિય ગોવાબાપા તરફથી આવતીકાલના મતદાન દિવસથી શુભેચ્છા.
સી પ્લેન નદીમાં કેમ ?
હવે ઓલું સી પ્લેન. હું ચાબુક જગમાલની દુકાને હતો ન્યાં મને બે ભણેલા પૂછતા હતાં કે બાપા આ પ્લેન તો નદીમાંથી જાવાનું છે, તો એને સી પ્લેન કાં કહે ? સી એટલે તો દરિયો. પછી ખબર ન હોયને આબરૂનાં કાંકરા થાય એટલે હું ન્યાંથી ભાગી આવ્યો. આ વોત્સએપ યુનિવર્સિટીના જોક્સનું કંઈક કરવું પડશે ચાબુક. તો સમાચાર કંઈક એવા છે કે એમાં બુકિંગ કરાવવામાં ધાંધિયા થાય છે. બીજા દિવસની પ્રવાસીઓએ રાહ જોવી પડે છે. આ કારણે જ પ્રવાસીઓ હવે સીધા ઓફિસમાં પહોંચે છે. મારો અનુભવ તો એવો કહે છે ચાબુક કે નવું નવું હોય એટલે આવું લાગ્યા રાખે. જેમ જૂનું થાશે એમ ઘડાતા જઈશું. તારું જ ઉદાહરણ આપું. તું આવ્યો ત્યારે કોઈને નહોતું લાગતું કે તું ચાલીશ પણ પછી બઘડાટીયું બોલાવી દીધી માર્કેટમાં.
‘એક વાત તો ખરી હો ગોવા બાપા, બસમાં આવું ખૂબ ઓછું થાય, કારણ કે મોટાભાગે માણસો જ કામ કરતાં હોય. મશીનનું તો કંઈ નક્કી નહીં. ક્યારે બગડી જાય ?’
હા ચાબુક આ વાતથી સિદ્ધ થાય છે કે માણસ એ ભગવાન નથી. ભગવાને બનાવેલી વસ્તુ એટલે કે માણસ બરાબર કામ કરે. પણ માણસે બનાવેલી વસ્તુ બરાબર કામ નથી કરતી.
‘અને માણસથી ભૂલ થાય તો કહી પણ શકાય ગોવાબાપા કે આપણે માણસ છીએ ભગવાન થોડા.’
જોટાવાળીથી ભડાકે દઉં
આ દુનિયામાં કોઈ બુદ્ધીવગરનો હોય તો પેલો કિંમ-જોંગ-ઉન છે. એને કોઈ સમસ્યા દેખાય એટલે સીધી જોટાળી બંદૂક ઉપાડી ધબાધબી કરવા માંડે. હવે જે સમાચારો સામે આવે છે તે સાચા છે કે ખાલી ગોસીપુ કરે છે, મને તો કંઈ ખબર નથી પડતી. કોરોનાને રોકવા કિમ જોંગ ઉને ભયંકર આદેશ આપ્યો છે. એ કહે છે કે બફર જોનમાં વિના મંજૂરીએ જે પ્રવેશ કરે તેને જોતા જ ઠાર મારી દો. આ બફર જોન એમણે ઉત્તર કોરિયાની સરહદ પર બનાવ્યો છે. હવે જે મંજૂરી વિના પ્રવેશ કરશે એ તો ગયો. પાછો એ હુશિયારી મારે છે કે, મારા કડક શાસનના પગલે કોરોના ઉતર કોરિયામાં નથી ફેલાયો. હવે તું જીવવા દે તો ફેલાયને બાપા.
દીકરીયુંને ગોવાબાપાના નમન
હવે ચાબુક દીકરી તો વ્હાલનો દરિયો. દેશમાં હવે દીકરીઓ પ્રત્યેની માનસિકતા બદલાતી હોવાના અહેવાલ સામે આવ્યા છે. ખબર છે કે 2019-20ની સાલમાં સૌથી વધારે દત્તક દીકરીઓ લેવામાં આવી છે. 31 માર્ચ સુધીમાં 3 હજાર 531 બાળકો લેવામાં આવ્યા જેમાંથી 2 હજાર 61 દીકરીઓ છે. આંકડા પર આપણે નજર કરીએ ચાબુક તો… મહારાષ્ટ્રમાં 615, કર્ણાટકમાં 272 અને ઉત્તરપ્રદેશમાં 271 દીકરીઓ સૌથી વધારે દત્તક લેવાય છે. દીકરીયું અને એમને દત્તક લેનારા પરિવાર બંનેને ગોવાબાપાના નમન.
કચરા શેઠની કિંમત હવે સમજાણી
નાનપણમાં ભણતા ચાબુક કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવો. કાર્યાનુભવની ચોપડીમાં આવતું. સુરત શહેર પણ હવે એ જ કરવાનું છે. કચરામાંથી કમાણી. સુરત મહાનગર પાલિકા કચરામાંથી પ્લાસ્ટિક અલગ કરશે. મનપાનો વિચાર છે કે કચરામાંથી લોકો પ્લાસ્ટિક ફ્રીમાં લઈ રહ્યા છે. આ પ્લાસ્ટિક મટીરીયલ્સના 45 પૈસે પ્રતિકિલો ભાવ બોલે છે અને જો નોન પ્લાસ્ટિક મટીરીયલ હોય ને તો 35 પૈસે પ્રતિકિલો ભાવ બોલે. મનપાનો એવો વિચાર છે કે કચરામાંથી વર્ષે 30 લાખની કમાણી કરીએ.
હેરાફેરીમાં મનોજભાઈ જોષી કચરા શેઠ નથી બનતા ? એ કચરો હકીકતનો શેઠ જ હતો ચાબુક. બાકી વર્ષે 30 લાખ એ પણ કચરામાંથી. હા મોજ હા.
ગોવા બાપાની રિયલ મોજ
તને ખબર જ હશે ચાબુક કે સોશિયલ મીડિયા પર એવા મીમુ શેર થાય છે કે પ્રિયંકા ચોપરાને આજથી આટલા દિવસ પછી અસ્થમાની તકલીફ થાશે. હવે આ વાક્યને રાજસ્થાનની સરકારે ગંભીરતાથી લીધું છે. સરકારનું કહેવું છે કે, કોરોના સમયે ફટાકડા ફોડશું તો થશે ધૂમાડો, પછી થશે દર્દીમાં વધારો. આ માટે સરકારે આ દિવાળીમાં ફટાકડા ફોડવા અને વેચવા આ બંને પર પ્રતિબંધ લગાવી દીધો છે. એટલું જ નહીં રાજસ્થાનમાં લગ્ન હોય અને વરઘોડા હારે લાંબી હાઈરુ ગોઠવીને ભડાકા કર્યા તો પણ લાંબા કરી દેશે. જેથી આવનારા સમયમાં રાજસ્થાનના પત્રકારો લખશે….
પચ્ચીસ હજારના મુદ્દામાલ સાથે ફટાકડા ફોડતા પાંચ નબીરા ઝડપાયા
ધડાકા સોસાયટીમાં આજે રાતના ફટાકડા ફોડી કોરોનાના કુંભકર્ણને જગાડવા જતા પાંચ લોકોને પોલીસે બહાદુરીપૂર્વક ઝડપી પાડ્યા હતા. સાથે જ પચ્ચીસ હજારનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી હતી. ફટાકડા ફોડવામાં ઝડપાયેલા નબીરાઓમાં ત્રણ કિશોર અને બે વયસ્કોનો સમાવેશ થાય છે. પોતાની સોસાયટીમાં ધડાકા કર્યા પછી નજીકમાં આવેલી સૂતળી નામની સોસાયટીમાં પણ ભડાકા કરવાનું ષડયંત્ર ઘડાયું હતું. જોકે E ડિવિઝનના પીએસઆઈ ફૂલઝડીએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જતા પાંચે નબીરાઓનાં રંગમાં ભંગ પડ્યો હતો.
‘ઓહો ગોવા બાપા શું તમારું હ્યુમર છે. મોજ કરાવી દીધી.’
તયે દીકરા હું કોણ ? ગોવા બાપા.
(ગોવા બાપાની અનુભવી કલમે લખાયેલા રાજકારણ સહિતના સમાચારો હાસ્ય-વ્યંગના અવતારમાં માણવા જોડાયેલા રહો ચાબુક સાથે)