આપણે ત્યાં મીડિયા બોલ્યા રાખ્યું, પ્રધાનમંત્રી મોદીએ પોપટ સાથે પણ તસવીરો ખેંચાવી. સોશિયલ મીડિયાના શોખીનોને મોજ પડી ગઈ કે, એક પોપટની તેઓ નજીક આવ્યા તો દૂર ભાગી ગયો. વીડિયો પણ બન્યા.
એ પોપટ કોણ તેવું જાણવાની કોઈએ કોશિશ ન કરી. આજ સવારથી એ સ્ટોરી મગજમાં આળોટતી હતી. આજે વખત આવી ગયો એટલે હવે લખી છે.
આપણે અહીં તેને પોપટ કહે, દક્ષિણ અમેરિકામાં તેને મકાઉ કહે. યેલો જેને ગોલ્ડન પણ કહેવામાં આવે તેવા અને બ્લુ કલરના રંગનો. જેની પૂંછડી લાંબી હોય. ચાંચના ભાગની બાજુમાં એટલે કે ગાલમાં તેને કાળા કલરની પટ્ટી હોય. ગાલ પાસે જ જે કલર હોય તેને પિન્કીશ વ્હાઈટ કલર કહેવાય.
માહિતી કોની પાસે લેવી ? કોની પાસે લેવી ? તેવી અવઢવમાં હતાં. પછી હરેશ દાફડાને પૂછ્યું. હરેશ દાફડા દાંતના ડોક્ટર છે અને વન્યજીવ પ્રેમી પણ છે. એમણે કહી દીધું કે આ બ્લુ-યેલો મકાઉ છે.
હવે આ પ્રકારની પ્રજાતિના ઘણા કલર હોય. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્રારા જે હાથમાં રાખવામાં આવ્યો તેનો કલર કહેવાની જરૂર નથી. એ મકાઉ હવે પ્રધાનમંત્રી જેટલો જ પોપ્યુલર થઈ ચૂક્યો છે. લોકો તેની સાથે ફોટો પડાવે છે. અને મકાઉ થાકી ગયો છે. મકાઉની સ્થિતિ કેવી છે એ નીચે જુઓ.

દક્ષિણ અમેરિકાના જંગલમાં મકાઉ સૌથી વધારે જોવા મળે. કોઈએ રિયો ફિલ્મ જોઈ ? બીજા પાર્ટમાં તો ઈમરાન ખાન અને સોનાક્ષી સિંહાનો હિન્દી વોઈસ ઓવર પણ હતો. એ ફિલ્મમાં જે દેખાય છે તે સ્પીક્ષ મકાઉ છે. સપ્ટેમ્બર 7 2018ના રોજ પત્રકાર ક્રિસ્ટીનાએ તેના પર સ્ટોરી કરતાં લખેલું કે, આ પ્રકારની જાતિ હવે વિલુપ્ત થવાની કગાર પર છે. રિપોર્ટ હતાં કે તેઓ અંદરો અંદર ખૂબ ઝઘડે છે. જોકે હવે તેમના રક્ષણ માટે સાચા અર્થમાં કહેવાય એવા પક્ષીપ્રેમીઓ મેદાનમાં ઉતર્યા છે અને બચાવી રહ્યા છે.

ફરી જઈએ મકાઉ તરફ. જેથી તેને દુ:ખ ન થાય કે ચાબુકની ગાડી તો આડે પાટે ચડી ગઈ. આ ધરતીના પટ પર ભાઈઓ બહેનો કુલ 370 પ્રકારની પ્રજાતિના પોપટ છે. ભારતીયો તેને પોપટ જ કહે, કારણ કે માણસમાં માણસ નામની એક જ જાતિ છે. જોકે આપણે પણ પ્રકાર તો પાડ્યાને લુચ્ચો માણસ, કંજૂસ માણસ, હેવાન માણસ… તો પછી. આપણે સ્વભાવથી એ શરીરના દેખાવથી.

મકાઉનું વજન કુલ બે કિલોનું હોય. એટલે કે પ્રધાનમંત્રીના હાથમાં જે હતો તે બે કિલોનો મકાઉ હતો. કૂકડા જેવી આદત હોય છે આ મકાઉની. સવારના પહોરમાં ઉઠી જાય અને પછી ‘હું ઉઠી ગયો છું’ આમ રાડા રાડી કરી મૂકે. એટલે કે કેવડિયાનો એલાર્મ મકાઉ બનવાનો છે. મકાઉને પાલતુ પક્ષી તરીકે રાખવામાં આવે છે. જો નવા નવા હોય અને મકાઉને પાળ્યો હોય અને મકાઉ સૂરજની પ્રથમ કિરણ પડતાની સાથે જ રાડારાડી કરવા માંડે, તો ડોક્ટર પાસે ન લઈ જતા. આ તેના જીવન સાથે વણાઈ ગયેલી આદત હોય છે. માંદો ક્યારે પડે આ માટે પક્ષીઓનાં ડોક્ટરને પૂછી લેવું. જોકે પૂછતા પહેલાં ઘરમાં મકાઉ હોવો જરૂરી છે.

આ સાથે જ એ વાતને પણ જોડી દઈએ કે મકાઉને લોકો પાળે તેની પાછળનું કારણ એ પણ છે કે મકાઉનું આયુષ્ય ખૂબ લાંબુ હોય છે. મકાઉને ખવડાવતી વખતે ધ્યાન રાખવું. એની ચાંચ ખૂબ મજબૂત હોય છે. ગમે તેવા ફળની અંદર બાખુ પાડી નાખે. કોઈવાર હાથમાં બટકો ભરી લે તો આપને પણ ડોક્ટર પાસે જવાની જરૂર પડી જાય. ઘણાની ચાંચ એટલી મજબૂત હોય છે કે નાળીયેર પણ ફોડી નાખે.

હવે એક નિરાશાજનક સમાચાર. 17 પ્રકારની પ્રજાતિ મકાઉની છે. બધી સંકટમાં છે. સંકટમાં જે સૌથી વધારે છે તે ત્રણ છે. રેડ-ફ્રોન્ટેડ મકાઉ, બ્લૂ થ્રોટેડ મકાઉ, હાયસિન્થ મકાઉ. હાયસિન્થ મકાઉ સૌથી ડેન્જર શ્રેણીમાં છે. રિયો ફિલ્મની જે વાત કરી એ પ્રકારના જ હોય છે. ખોટું ગુજરાતી તો નથી લખાઈ ગયું ને ? તમારે અંગ્રેજીમાં સર્ચ કરી જોવું હોય તો આ લ્યો સ્પેલિંગ Hyacinth Macaw. હાયસિન્થ મકાઉ 3 ફૂટનો આવે. એટલે બધા મકાઉ કંઈ ગ્રેટ ખલી નથી હોતા કેટલાક રે મિસ્ટીરીયો પણ હોય છે. મીની મકાઉનું કદ 12 ઈંચનું હોય છે.

હવે ખાસ વાત. કોઈ પણ બે મકાઉને લઈ લો. તેના ચહેરાની પેટર્ન એક સરખી નથી હોતી. આ વાત એના જેવી જ છે કે બે માણસની આંગળીઓની છાપ જેમ એક સરખી નથી હોતી એ રીતે મકાઉના મોઢાના પીંછા એક સરખા નથી હોતા. જો જંગલમાં રહેતા હોય. જેમ કે એમેઝોનના જંગલમાં રહેતા મકાઉ છે તો એમનું ભોજન નદી કિનારાની માટી છે. પક્ષીવિદો અને વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું છે કે, વીટામીન બી પ્રાપ્ત કરવા માટે એમેઝોનના મકાઉ આવું ગળચી જાય છે. સંશોધનમાં એ પણ સામે આવ્યું છે કે એમેઝોનમાં કેટલાક ઝેરી ફળો હોય છે. જે ફળો ખાધા પછી ઝેરની અસરનું પ્રમાણ ઘટાડવા માટે મકાઉ માટીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.

મકાઉ સર્વહારી છે. ગમે તે વસ્તુનો ખોરાક તરીકે ઉપયોગ કરી લે. નાનું જીવડું પણ પેટમાં પધરાવે અને મળે તો કોઈની આંગળીમાં પણ બટકો ભરી લે, પાળીતા એવું નથી કરતા. પાળીતાઓમાં એ ઘટના જ્વલ્લે જ જોવા મળે. મકાઉ જોડીમાં રહેવાનું પસંદ કરે. બે હોય તો મજા મજા. નર અને માદા. જેથી કુટુંબ વધારી શકાય. ત્રીસ સુધીના ઝુંડમાં રહે છે. માદા 2થી 4 ઈંડા આપે. 25 દિવસ સુધી સેવવાની પ્રક્રિયા ચાલે. એ સમયે નર મકાઉ ભોજન એકઠું કરે. ઈંડામાંથી બચ્ચા નીકળ્યા બાદ 105 દિવસ પછી ઉડે. એક વર્ષ સુધી માતા પિતા સાથે રહે.

જો તમારા ઘરમાં બીજા પ્રાણી જેમ કે કૂતરો કે બિલાડી હોય તો તેની સામે મકાઉને ખુલ્લો ન છોડવો. મકાઉ ખતરનાક થઈ જશે. ઘણીવાર તે કોપાયમાન થઈ જાય છે.
એને કોપી કરવાની પણ આદત હોય. કોઈ વાર માણસની જેમ બે ચાર શબ્દ બોલી લે. વધારે હોશિયારી નથી બતાવતો. બ્લૂ અને ગોલ્ડ બીજા મકાઉની તુલનાએ સારી રીતે બોલી શકે છે. પણ એ બોલે ક્યારે ? તમારે શીખવાડવું પડે. ધરતીના બેસ્ટ મિમિક્રી આર્ટિસ્ટ જીવમાંથી મકાઉ પણ એક છે.