Homeવિશેષકોલેજ કથા :- રાહ

કોલેજ કથા :- રાહ

હું ખુદને દ્વાર દ્વાર શોધું છું

આમ અનહદ અપાર શોધું છું

આપણી વાર્તા પતી ગઈ છે

તોયે એમાંથી સાર શોધું છું

કોલેજમાં ફાંકા મારતા ફરતા પૂરબની માથે પનોતી બેસી ગઈ જ્યારે તેને ખબર પડી કે સંધ્યાના ભાઈઓ તેને મારવા માટે આવે છે. લાંબા વાળનો સ્વામી અને લેખક બનવાના અભરખા સેવતો પૂરબ અહીંથી ત્યાં વલખા મારવા લાગ્યો. બે ચાર મિત્રો પાસે મદદની ભીખ પણ માગી.

‘અમે તો પહેલાં જ કહ્યું હતું કે ઊંડા કૂવામાં પડવું પણ સંધ્યામાં ન પડવું.’ મિત્રો શીખામણ આપતા. ચિત્રગુપ્તના હાથમાં જીવનના હિસાબનો ચોપડો આવે એ પહેલાં જ જીવનની થાપણ ઉઠાવી ભાગી છૂટ્યા.

સંધ્યાના છ-છ ફૂટના ત્રણ ભાઈઓ જાણે રાક્ષસ જ જોઈ લો. ક્યાં રાજા ભોજ જેવા સંધ્યાના ભાઈઓ અને ક્યાં ગંગુ તૈલી જેવો પૂરબ. વાત પૂરબ પૂરતી સીમિત નહોતી, એના સિવાય કોઈ બીજું હોત તો તેના પણ આવા જ વારા આવેત.

પંચાતિયા પૂરબને તેના મિત્રોએ ચેતવેલો, પણ મરીઝની બે શાયરી ફટકારી તેણે પ્રેમમાં ક્યાં વહેવાર જેવું છે કહીં આ શુભ તહેવારની ઘડીમાં મરણનું ચોઘડીયું ઘડી નાખ્યું. બક્ષી અને ઓશોના ઉધાર લીધેલા સંવાદો ફટકાર્યા. તેને કોણ સમજાવે છે કે કોઈ મારતું હોય ત્યારે તેની સામે સાહિત્યની વાતો કરવાથી કંઈ નથી વળતું. 

પૂરબ અને સંધ્યાની આ ઘટમાળાની શરૂઆત આજથી એક મહિના પહેલાં થઈ હતી. પરિવાર દ્વારા દબાવીને રખાતી સંધ્યાને કોલેજમાં પ્રથમ વખત મુક્ત વાતાવરણ મળેલું. છોકરાઓને જોઈ તેના મનમાં પ્રેમનાં એકડા બગડા રમવાના ઓરતા જાગી ગયેલા. ક્લાસના એક બે ચીરકુટોએ, સંધ્યાને કોલેજથી લેવા માટે આવેલા તેના બે ભાઈઓની આંખમાંથી વરસતા અંગારા જોયા, તો તેમણે પાસ હોવા છતાં નવરાત્રીમાં જવાનું ટાળી દીધું. આ ખતરનાક પાર્ટી પ્લોટમાં જેને ગરબે ઘુમવું હોય તેને પાસ અપાવવા ચીરકુટો તૈયાર થઈ ગયા.

પૂરબ પણ કોલેજમાં સિંગલ રહી રહી કંટાળ્યો હતો. તેને પણ એક છોકરીને સ્પ્લેન્ડરની પાછળ બેસાડવી હતી. રોદો આવે ત્યારે બ્રેક મારી તેને પોતાની પીઠ સાથે અથડાવવી હતી. તેની દાઢીને પોતાના ખભાનો ટેકો આપવો હતો. કર્ણપટલ પાસે રહેલા તેના મોંમાંથી નીકળતા મીઠા ઉદ્દગારો સાંભળવાની એષણા હતી.

પ્રિયતમાને સ્પ્લેન્ડરની પાછળ બેસાડી મીઠા વેણ સાંભળવાની જીજીવિષાએ પૂરબને ભર જુવાનીએ આજે ડાયાબિટીસનો દર્દી બનાવી દીધો. પ્રણયના ફાગ ખેલાવાના શરૂ થાય ત્યાં જ ધડ ધિંગાણે જેના… જેવા ભજનો તેના કાને પડઘાવા લાગ્યા.

એક ચોપડાની આપ લેમાં બંનેના હાથ ઘસાયા. આચાર્યએ બેઉને ભૌતિકશાશ્ત્રનો એક પ્રોજેક્ટ સોંપ્યો. જેમાંય આ ઢોલા-મારું સાથે હતા. પંદર દિવસ સુધી એક સાથે કામ કર્યું. ફિઝિકસના સિદ્ધાંતો બંન્નેના હ્રદયમાં પણ લાગુ પડ્યા. બેઉં ધ્રૂવો વચ્ચે આકર્ષણ થવા લાગ્યું. બસ આ બે ઘટના બની અને તેમાં સંધ્યા નામના નમણા ફૂલ પર પૂરબ નામનો સૂરજ આવી ચડ્યો અને આજે ગ્રહણ બનીને તેના ભાઈઓ આવતા હતા.

મિત્રોને એકઠા કરવા માટે પૂરબે દોટ લગાવી. શરીર જમાવી ગયેલા જયેન્દ્રને કહ્યું તો તેણે ઝાડા થઈ ગયા હોવાની વાત કહી હાલતી પકડી લીધી. શરીરે ઊંચા એવા દિગ્વિજયને કહ્યું, તો તેણે બીજાના ડખ્ખામાં અમે પડતા નથી જેવી વાત કરી મોંઢુ ફેરવી લીધું. આશિષને આટલી જલ્દી ફોટોફ્રેમમાં સુંદર હાર સાથે શણગાર સજવાની અભિલાષા નહોતી. મોહનનું તો શરીર જ એટલું પાતળું કે કહીએ કે ન કહીએ કંઈ ફર્ક પડે જ નહીં.

છોકરીઓ તરફથી સંધ્યાને સાંત્વના મળી રહી હતી. હવે છોકરીઓ થોડી લડે! અને આ બાજુ પૂરબના ચહેરો અત્યારથી લાલ થઈ ગયો હતો.

કોલેજના પ્રાંગણમાં ટાયર ઘસાયા. એક જીપ આવી ને ઊભી રહી. સંધ્યાના ભાઈઓ બહેન સાથે પ્રણયનો ફાગ ખેલતા પૂરબની દિશાનો જ અસ્ત કરવા માટે બીજા પાંચ ગુંડાઓ પણ લાવેલા. તેઓ અંડરવર્લ્ડના ડોન જેવા લાગતા હતા. મારવામાં અનુભવી દેખાતા હતા. કોઈના ગાલ પર છરી માર્યાનો લિસોટો હતો તો કોઈના હાથ પર તલવારના ઘા.

‘પૂરબ કોણ ?’

સંધ્યાના મોટાભાઈ વિરાગે ફરી પૂછ્યું, ‘પૂરબ કોણ છે ?’ 

ત્રણ છોકરાઓ જ હતા બાકીની બધી છોકરીઓ સંધ્યા સાથે ઊભી હતી. સંધ્યાએ દોડી જઈ ભાઈને મનાવવા માટે હાથ પકડ્યો, પણ કયા ચોઘડીયે સંધ્યાએ પોતાના ભાઈઓને રાખડી બાંધી હતી કે તેઓ પૂરબના હાડકા ખોંખરા કરવા આવી પહોંચ્યા.

બહેનને આંખ સામે જોઈ વિરાગ સળગ્યો. તેનો હાથ પકડી નાનીયા નાનજીની પાસે નાખી. નાનજી તેને યુદ્ધના મેદાનમાંથી આંતરી ગયો. હવે મેદાનમાં સાત હટ્ટાકટ્ટાઓ હતા. જેઓ પૂછતા હતા કે, ‘પૂરબ ક્યાં ?’

મૌન બની બેઠેલા પૂરબથી રહેવાયું નહીં. તે બોલી બેઠો, ‘હું છું પૂરબ. મને ખબર છે આજે કદાચ મારો છેલ્લો દિવસ હોઈ શકે છે. હું તમારી સામે થોડી વાર માટે પણ ટકી નહીં શકીશ, તેનો મને ગળા સુધી વિશ્વાસ છે. પણ મારા પ્રેમ ખાતર હું લડવા તૈયાર છું. એવા છોકરાઓમાંથી નથી જેણે સંધ્યાને એટલા માટે પ્રેમ ન કર્યો કે તે તમારા જેવા દુર્યોધન અને દુ:શાસનની બહેન હતી. મને પણ ખ્યાલ હતો કે આ દિવસ આવવાનો છે. સંધ્યાએ પણ મને પહેલાં જ કહી દીધું હતું, કે તેનાં ભાઈઓ કળિયુગના રાક્ષસો છે. હું કોઈને પ્રેમ કરું છું, આ વાતની ભાળ મળશે તો મારા પ્રેમીનાં હાડકા ખોંખરા કરી નાખશે. સંધ્યાએ તો ફક્ત પ્રેમી સુધી કહ્યું હતું, પણ હું કહું છું કે જો તમે મને આજે મારી નાખ્યો, તો નક્કી સંધ્યા આજીવન કુંવારી રહેશે. તેને ખબર પડશે કે પૂરબ હવે નથી રહ્યો એટલે તેનો અસ્ત પણ નિશ્ચિત છે. તે વહેલી મોડી જીવ ટૂંકાવી દેશે. તમારા જેવા પ્રેમના દુશ્મનો તેને મરવા નહીં દે તો તે જીવતી લાશ જેવી બનીને રહી જશે. આવો… આવો મારી સામે. કોણ પહેલો વાર કરે છે હું જોઉં છું. આવો કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે ? એ જાડીયા તું!! આવ….!!!’

સંધ્યાનો મોટાભાઈ પૂરબની એકદમ નજીક ગયો. તેના હાથમાં બેઝબોલનો ધોકો હતો. એ ક્યારે પૂરબનું ખોપરું ફોડે છે તેની જ સૌને રાહ હતી. આચાર્ય અને પ્રોફેસરો કાન પર હાથ રાખી સ્ટાફ રૂમમાં બેઠા હતા. આ ડખાવૈતરૂમાં તેમને પડવું નહોતું.

ને અચાનક ન બનવાનું બની ગયું. હમણાં સુધી જે વિરાગ પૂરબને મડદુ બનાવી છ ફૂટ નીચે જમીનમાં દાંટવા માટે મક્કમ બનેલો હતો તેના હાથમાંથી બેઝબોલનો ધોકો નીચે પડી ગયો. તેણે પૂરબ નામના સાઠીકડાને ગળે લગાવી દીધો. સિંહે જાણે હરણને દબાવી દીધું હોય અને રમાડતો હોય એવું આ દ્રશ્ય હતું. પૂરબ તો કંઈ સમજી જ નહોતો શકતો કે આ શું થઈ રહ્યું છે. કોલેજનાં પ્રાંગણમાં દેવ અને દાનવના આ મિલનને સંધ્યા પણ જોતી હતી. તેને પણ કંઈ સમજાયું નહીં. આખરે તેની આંખમાંથી સરી પડેલા એક આંસુએ તેને ઘણું બધું સમજાવી દીધું.

ચહેરા પર લિસોટાવાળો ગુંડો તો હાથ સાફ ન કર્યાના વસવસાથી પીડાવા લાગ્યો હતો. પ્રેમનું જીવતું નાટક ભજવાયું. પૂરબની વાણીમાં રહેલી હિંમતે સંધ્યાના ભીમકાય ભાઈઓના હ્રદયમાં ગુલાબનું વાવેતર કરી દીધું.

વિરાગ ઘોઘરા સ્વરથી બોલ્યો પણ ખરો, ‘જાન લઈને આવજે. રાહ જોઈશ.’

યુદ્ધ પછીની શાંતિ કેવી હોય તે સૌએ નરી આંખે જોઈ. સંધ્યા પણ જીપમાંથી ઉતરી દોડીને મોટાભાઈને વળગી પડી અને પછી ભાવી ભરથારની કાયા પર ઢળી પડી. આખી કોલેજમાં પૂરબની હિંમતના ગાણા ગવાવા લાગ્યા.

સંધ્યા અને પૂરબની આ પ્રેમકહાની પૂર્ણ થોડી થઈ હતી. વિધાતાએ તેમના લેખમાં કંઈક અલગ જ લખ્યું હતું.

ભાઈઓ તરફથી મળી ચૂકેલી લીલીઝંડીનો પૂરબે પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો. પ્રેમના રોપાયેલા બીજને તાત્કાલિક પાણી આપી ઉછેર કરવાનું શરૂ કર્યું. પૂરબ નામના કામદેવે એક રૂમ ભાડે લીધો. દિવસે ફિઝિક્સનો અભ્યાસ થતો. સાંજે છ વાગ્યે સંધ્યાના શરીરમાંથી ઉઠતા તોફાનમાં પૂરબ નામનો મરજીવો પોતાની નાવને હળવે હળવે હલેસા મારી ચલાવતો. આગ અને ઘીને ભેગા કરવામાં સંધ્યાના પૂજારી જેવા ભાઈઓએ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો અને હવે પૂરબ પ્રસાદી ખાવામાંથી ક્યાં પાછો હટે તેમ હતો.

કોલેજ પૂરી થઈ. પૂરબ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયો. સંધ્યા પણ સેકન્ડ ક્લાસ સાથે પાસ થઈ ગઈ. ત્રણ વર્ષ સુધી પૂરબે ભાડે રાખેલા રૂમમાં આજે છેલ્લી વખત મિલનની ત્સુનામી આવી.

મકાન માલિકને રૂમ સોંપાયો અને બીજા દિવસે પૂરબ સંધ્યાના પરિવાર સાથે પોતાના પરિવારને લઈ ભોજન માટે આવવાનો હતો. એ બીજા દિવસને આજે બે વર્ષ થયા. સંધ્યાએ ચારે દિશામાં બેબાકળી બની પૂરબની પૂછતાછ કરી ત્યારે માહિતી મળી કે એ પરિવાર સાથે અમેરિકા સેટલ થઈ ગયો છે. તેના ભાઈઓ દિવાલમાં મુક્કા પછાડતા રહ્યા. સંધ્યા આજે પણ કુંવારી છે. એ રાહમાં કે એનો પૂરબ આવશે.

(શિર્ષક પંક્તિ-દિલીપ રાવળ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments