Homeગુર્જર નગરીબિલાડીને ‘અપશુકન’ ગણનારા ઘરમાં પૂરાતા બિલાડીઓ ગેલમાં રસ્તા ઓળંગવાની સ્પર્ધા યોજાઈ

બિલાડીને ‘અપશુકન’ ગણનારા ઘરમાં પૂરાતા બિલાડીઓ ગેલમાં રસ્તા ઓળંગવાની સ્પર્ધા યોજાઈ

મને અણસાર તો હતો જ. જગમાલની દુકાને બેઠા બેઠા મેં આગાહી પણ કરેલી હતી.

‘શેની કરફ્યુની?’

ના ચાબુક જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા નહીં યોજાય એની. લગભગ આઠથી દસ લાખ જેટલા લોકો ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે આવે છે. ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. જ્યાં સુધી મારા ટાંટીયામાં જોર હતું ત્યાં સુધી હું પણ વીસેક વખત કરી આવ્યો. એક વખત તો ટ્રેન ઉપર બેસીને જૂનાગઢ જવાની ઈચ્છા થઈ તો એમાં પણ ગયેલો હતો. મજા આવી ગઈ હતી, પણ હવે આ કોરોના વાઈરસના કારણે મનાઈ કરી દેવામાં આવી છે. ખૂદ કલેક્ટર દ્વારા આ વર્ષની લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે તેવી વાત વહેતી મૂકવામાં આવી.

અમદાવાદમાં રસ્તા કેવા રહ્યા ?

જલજીરા મને આઈ એમ લેજન્ડ ફિલ્મ જોવાનું કહેતો હતો. મેં જોઈ નથી તો શું દુનિયા મને માફ કરશે?

‘હા કર્યા માફ આગળ વધો. પણ આ જલજીરાએ કીધી એ ફિલ્મ અને અમદાવાદને શું લાગે વળગે ?’

એ જ કે ફિલ્મમાં પણ આખી દુનિયામાં એક જ માણસ હતો. અમદાવાદ શહેર પણ એવું જ થઈ ગયું. રસ્તામાં સૂનકાર વ્યાપી ગયો હતો. કૂતરાઓ ભસતા હતા કે એલા ક્યાં વયા ગ્યા સંધાય. બિલાડીઓ આખો દિવસ રસ્તો એ માટે ઓળંગતી રહી હતી કે આજે ક્યાં કોઈ અમને જોઈ કહેશે કે અપશુકન થવાનું છે ? એમની તો હડીયાપાટી વધી ગઈ હતી એટલે મને થયું નક્કી રોડ આળંગવાની સ્પર્ધા યોજાઈ લાગે.

જોકે અમારો જગમાલ તો બિલાડીઓને ખૂબ પ્રેમ કરે કહે, ‘પશુ તો પશુ હોય છે. બિલાડીની જગ્યાએ એક દિવસ દીપડો સામે આવી જાય તો અપશુકનમાં માનનારાઓને ખબર પડે કે, અપશુકન કોને કહેવાય.’

કુલ 116ની આસપાસ આજે કરફ્યુ ભંગના ગુનાઓ નોંધાયા છે. સારું કહેવાય આટલા મોટા અમદાવાદમાં લોકોએ  ન નીકળી સમજદારીનું મોટું ઉદાહરણ આપ્યું છે. કાલે પણ કોઈ નહીં નીકળે. સીજી રોડ, યુનિવર્સિટી રોડ, લાલ દરવાજા, સાબરમતી, એલિસબ્રિજ કોઈ કેતા કોઈ નહીં હો ચાબુક.

અગાઉ લોકડાઉનમાં તો ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધારમાં લખેલા દુહા જેવું થતું હતું.

‘વાહ સંભળાવો દુહો. આજ તો થઈ જાય ગોવાબાપા.’

દાડી ચડતી ડુંગરે, દલના કરીને દોર,

ઝાડવે ઝાડવે જીંગોરાતા, હું કેતાક ઉડાડું મોર?

‘કાં શું થ્યું તને ?’

‘કંઈ સમજાણું નહીં.’

એલા દુહો સમજવાય છપ્પનની છાતી જોઈ, આ કંઈ થોડું જોડકણું છે તે સંધાયને સમજાય જાય. હાલ તને સમજાવું. આ દુહો મેં ગુજરાત પોલીસની અણનમ કામગીરીના સંદર્ભમાં લખ્યો છે.

ડુંગરા ઉપર મોરલા ટહુકે છે અને મને ઓઢો યાદ આવે છે. મોરલાને ઉડાડવા માટે દિલની પણછ કરીને હું ડુંગરે ડુંગરે ચડું છું. પણ ઝાડવે ઝાડવે જ્યાં મોરલા ગરજે છે, ત્યાં હું કેટલાંકને ઉડાડું.

ઓઢા ભાઈની વાતને છોડીએ તો ડુંગરે ડુંગરે એટલે જગ્યાએ જગ્યાએ. મોર એટલે માણસ અને ઉડાડવા એટલે પોલીસ ઘરમાં નાખે કે જાઓ ભીડ કરશો તો કોરોના ફેલાય જશે.

વાહ ગોવાબાપા જબરો પ્રાસંગિક મેળ કરી દીધો હો વર્તમાન અને મેઘાણીના દુહાનો. આજે જ આપણી ઓફિસથી મેઘાણીની ચોપડી લેતો જાઉં. હવે તો હુંય તમારી જેમ દુહા બોલતો થઈ જાય.

કોરોના ફાટ્યો

આજે ચાબુક કોરોનાનો વિસ્ફોટ થયો છે. પ્રથમવાર એક જ દિવસમાં 1515 કેસ આવ્યા છે. આગામી સમયમાં સ્થિતિ કાબુ બહાર જાય તેવી પણ શક્યતા છે. આજના દિવસે કુલ 9 દર્દીઓના મોત થયા જ્યારે 1271 દર્દીઓ સાજા થયા છે.

તો આજે ચાબુક આટલું જ. કાલ પણ કરફ્યુ રહેવાનો છે. ઘરમાં રહો સુરક્ષિત રહો. નાગરિક તરીકેની જવાબદારી નિભાવો. તયે હાલ ચાબુક કાલ મળીએ ને તારી પાસે ગાડી હોય તો મને મૂકી જા.

‘આજ બપોરે જ કોક હવા કાઢી ગ્યું.  સારું લે આપણે બેય દોરતા જાશું.’

(રોજ સાંજે વાંચો ગોવાબાપાની અનુભવી કલમે લખાયેલા દેશ-વિદેશના સમાચાર હળવાફુલ અંદાજમાં)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments