મારું મારું તું જ કરે છે
ક્યાંય કશુંયે તારું ક્યાં છે?
કોલેજની કવિતા પ્રતિયોગિતા. હોલ ચીચીયારીઓથી ગૂંજી રહ્યો હતો. કવિતા પ્રતિયોગિતાનું પરિણામ જાહેર થવાનું હતું. બધાને ખબર હતી કે આ વખતનું પરિણામ તો ફરી સોહમ આંચકી જવાનો છે. સોહમની કવિતાઓ લજામણીના છોડ જેવી હતી. તેના ઘેઘુર અવાજમાંથી શબ્દો નીકળતા ત્યારે પાણીદાર આંખોવાળી છોકરીઓનાં મોઢામાંથી પણ નિ:સાસા નીકળી જતા હતા.
એનો એક એક શબ્દ કાને અથડાતો અને છોકરીઓમાં તેની સાથે ફ્રેન્ડશીપ કરવાના અરમાનો ખીલી ઉઠતા. વીસ વર્ષની નાજૂક કળીઓના હ્રદયમાંથી પતંગિયા ઉડવા લાગતા. સોહમના સોહામણા ચહેરાને જોઈને તેને પામવાના ઘણી છોકરીઓ કીમિયા કરતી હતી. કેન્ટીનમાં તેની હાજરી વર્તાતી અને છોકરીઓની સંખ્યા વધી જતી. જે બસમાં એ બેસે ત્યાં છોકરીઓની ભીડ થઈ જતી. આ નાયકને પામવા અગણિત નાયિકાઓમાં પ્રેમની મેરેથોન રેસ જામી હતી.
પરિણામ આવ્યું. જજના મોઢામાંથી શબ્દ નીકળ્યો. એ શબ્દ નીકળતા જ સોહમ ઢગલો થઈ ગયો. વિજેતા જસ્મીન થયો હતો. કાળો. ફાંદાળો. જેના વિશે કહેવાતું હતું કે ગઝલના ‘ગ’ અને કવિતાના ‘ક’ ની પણ આને થોડી ખબર પડવાની છે.
છોકીરીઓ પક્ષે પણ નિરાશાનું મોજુ ફરી વળ્યું. આ કોણ છે ? એવું કેટલીક છોકરીઓ પૂછી પણ બેઠી.
જસ્મીન દેખાવમાં કાબરચીતરો લાગતો હતો. વધેલી ફાંદ. અદોદળું શરીર. કોઈ છોકરીના મનમાં ખરાબ છોકરા માટે જે પેરામીટર બાંધવામાં આવેલા હોય તેમાં જસ્મીન ફિટ બેસતો નહોતો. જોકે જેના હ્રદયમાં કવિતા સ્થાન લઈ લે તેના માટે કવિ ગમે તેવો હોય શું ફર્ક પડવાનો ?
તેના ચહેરાને જોઈ કોઈને પણ ન લાગ્યું કે આ કવિતાની સ્પર્ધામાં જીતી શકે. કેટલીક છોકરીઓ તો કવિતાના આશિક છોકરાઓની જ દિવાની હતી. જસ્મીને સ્ટેજ પર જઈ રચેલી કવિતાનું પઠન કરી સંભળાવી અને ઘણાને પેલી કહેવત પર વિશ્વાસ આવી ગયો કે શેરને માથે સવાશેર તો હોય જ છે.
નવા આવેલા છોકરાએ સોહમના છેલ્લા વર્ષમાં, કવિતાની પ્રતિયોગિતા જીતવાના અરમાનો પર પાણી ફેરવી દીધું. સોહમને તેના મિત્રો પૂછતા હતાં, પણ તેની હાલત સિંચો તો પણ પાણી ન નીકળે એવી ડંકી જેવી થઈ ગઈ હતી. તેના ગળામાંથી અવાજ પણ નહોતો નીકળતો.
જસ્મીને જ્યારે સ્વરચિત ગઝલ સૌને સંભળાવી ત્યારે બીજા લોકો પણ મંત્રમુગ્ધ થઈ ગયા. એના પ્રાસ અજોડ હતા. તેના શબ્દોમાં ડૂબી જવાનું મન થતું હતું. તેની કવિતામાંથી છલકતું પીડાનું વર્ણન મરીઝની યાદ અપાવતું હતું.
જસ્મીને આ ગઝલ સંભળાવી તેના થોડા સમયમાં જે તેની આજુબાજુ કેટલીક છોકરીઓ વીંટળાઈ વળી. જસ્મીનને પણ એ ગઝલ ફળી હતી. તેની આજુબાજુ હરતા ફરતા રહેતા પ્રાસમાંથી તેણે વિદ્યાની પસંદગી કરી.
મોટી જાંઘ અને ઉભરેલા નિતંબો એ વિદ્યાની ઓળખ હતી. જેને આખી કોલેજ નીહાળતી રહેતી. સ્કૂટી પર તે આવતી ત્યારે બમ્પ પાસે જ જવાનીયાઓ તેના ઉછળતા જોબનને જોવા માટે લાંબા સમય સુધી રાહ જોતા હતા. સ્કૂટીનું ટાયર અને છોકરાઓના હ્રદય એકસાથે ઉછળતા. હાફ ટોપ પહેરીને આવતી ત્યારે તેની નાભીની અંદર ડૂબી જવાની આશિકો માનતા માનતા હતા.
જસ્મીન પણ આ કામિની પર જ પસંદગીનો કળશ ન ઢોળે તો જ નવાઈ. ગઝલ પ્રતિયોગિતા જીત્યા પછી વિદ્યા તેની તરફ ઢળી તેનો જસ્મીનના પ્રતિદ્રંદીઓને ખ્યાલ આવી ગયો હતો. એ કામના કરવા લાગેલા કે હરતું ફરતું આ ગુલાબ પેલા કાગડાના મોઢામાં ન આવી જાય, પણ ન થવાનું જ થયું.
બધી છોકરીઓમાંથી જસ્મીને સાહિત્યની પૂજા બાદ વિદ્યાની પૂજા કરવાનું નક્કી કરી લીધું. એક પ્રતિયોગિતાના કારણે જસ્મીનનો ફૂલગઝરો થઈ ગયો. જસ્મીન અને વિદ્યાને નજીક આવતા જોઈ કામ વગરના પ્રાસ ભાગી છૂટ્યા.
હવે લાઈબ્રેરીમાં સાથે પુસ્તકો લેવા જતા હતા. સ્કુટીની જગ્યાએ વિદ્યા કોઈ કોઈ વાર જસ્મીનની બાઈક પાછળ બેસીને આવતી થઈ ગઈ હતી. બમ્પ પાસે ઊભા રહેતા છોકારાઓનો ગ્રાફ ધીમે ધીમે ઘટતો ગયો અને પછી ત્યાં યુનિવર્સિટીના પ્રથમ કુલપતિની મૂર્તિ સિવાય કોઈ ન રહ્યું.
જસ્મીન બમ્પ પાસે આવી કંઈક વધારે જ જોરથી બ્રેક મારતો અને વિદ્યાની છાતીને પોતાની પીઠ સાથે અથડાવી લ્હાવો લેતો. છોકરાઓ બમ્પ પાસે હાજર ન રહેતા તેનું એક એ પણ કારણ હતું કે, જીવતે જીવ હજુ કેટલી વખત મરવું.
બળેલા કોલસાની સાથે કોહિનૂર હીરો ચાલીને જતો હોય તેવું લાગતું. ગાર્ડનમાં બેઉં બેસતા અને જસ્મીન વિદ્યાને ગઝલો સંભળાવતો. આજુબાજુ કોઈ ન હોય ત્યારે વિદ્યા જસ્મીનની ગઝલો ભરપેટ માણ્યા પછી તેના ખોળામાં માથું ઢાળી દેતી. જસ્મીન પણ ઉડતી આવેલી તકને છોડતો નહીં અને તેના હોઠમાંથી રસનો એક ઘૂંટળો પી લેતો. વિદ્યા આંખો મીંચી એક ઊંડો શ્વાસ નાખી જતી.
અમૃતના આવા કંઈ કેટલાય પ્યાલા પોતાની અંદર ઠાલવી જસ્મીન ઓડકાર લેતો. આ સંબંધ ચુંબનરેખાથી આગળ નહોતો વધ્યો. જસ્મીન અને વિદ્યાએ એકબીજાને વાયદો કરીને રાખ્યો હતો કે, જે થાય એ પણ લગ્ન પછી જ મધુરજની.
સોહમ તો ચાલ્યો ગયો પણ તેના પછી સતત ત્રણ વર્ષ સુધી જસ્મીન કોલેજની કવિતાની પ્રતિયોગિતામાં વિજેતા જાહેર થયો. કોલેજની નવી છોકરીઓ પણ તેના કવિ હ્રદયને જીતી લેવા અને બાહોપાશમાં જકડવા આગળ આવતી, પણ વિદ્યા નામની ખુરશીનો પહેલાથી મુખ્યમંત્રી બની ચૂકેલો જસ્મીન હવે બીજી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડવા તૈયાર નહોતો. સામે જ્યારે ગોરવર્ણી, નમણી અને માંસલદેહ ધરાવતી નાયિકા હોય તો પછી બીજી નારનું શું કરવું ?
વિદ્યાના એક ફૂંફાડા આગળ કોલેજમાં નવા આવેલા કટપીસો કલટી થઈ જતા અને જસ્મીન સાથે વિદ્યા ગાર્ડનમાં તેની કવિતાઓ સાંભળતી રહેતી.
‘કંઈ નવું નથી લખતો?’ ગાર્ડનમાં બેઠા બેઠા વિદ્યાએ જસ્મીનને પૂછ્યું.
‘નવું તો હું શું લખું ? એક કવિને તેની કવિતા માટે એક પ્રેમિકા જોઈએ. જેને તે કોઈ દિવસ પામ્યો ન હોય. અથાગ મહેતન પછી પણ તે તેને મળે નહીં. જ્યારે પામી લે ત્યારે દુ:ખથી સભર પ્રેમની નવી કવિતાઓ રચાતી નથી.’
વિદ્યા મોં નીચું કરી ગઈ. તેને જસ્મીનની વાતનો તાગ મેળવતા વાર ન લાગી. નામે વિદ્યા ભણવામાં પણ વિદ્યા જ હતી !
‘છતાં કંઈક નવું હોય તો મજા આવે. ત્રણ વર્ષથી તારી એકની એક કવિતાઓ સાંભળી સાંભળીને હવે તો હું કંટાળી છું. નવી કવિતાઓ લખ. મને સંભળાવ.’
‘ઘણી લખી છે, પણ કવિને તેની દરેક કવિતાઓ થોડી યાદ હોય.’
‘બીજી કવિતાઓ ક્યાં છે ?’
‘ગામડે હોય છે. મારું જૂનું સર્જન હવે મને નથી ગમતું. મારા ભાવકોને પણ કદાચ નહીં ગમે કે, આ એ કવિ જસ્મીને લખી છે ? જે કોલેજમાં કવિતાની ત્રણ ત્રણ વર્ષથી પ્રતિયોગિતા જીતી ચૂક્યો છે.’
‘ભાવકો માટે નહીં પણ તારી વિદ્યા માટે તો ગામડેથી કવિતા લાવજે.’
‘હવે તો તું મારી સાથે પરણીને મારા ઘરે આવીશ ત્યારે જ એ કવિતાઓ તારી સામે મૂકી દઈશ. તું કવિતાઓ વાંચજે અને હું તને વાંચીશ.’
આસપાસ કોઈ ન હતું. વિદ્યાએ જસ્મીનના ખોળામાં માથું ઢાળી દીધું. તેના મોઢા ઉપર આવતા તડકાને હટાવી જસ્મીન પડછાયો બન્યો. વિદ્યાએ આંખો મીંચી દીધી અને જસ્મીને અમૃતપાન કર્યું.
એ દિવસ અમૃતપાન જ ન થયું. જસ્મીન જ્યાં એકલો રહી સાહિત્યની સાધના કરતો હતો એ રૂમમાં આજે વિદ્યાની સાધના થઈ રહી હતી. તેનો માંસલ દેહ આજે પહેલી વખત અનાવૃત થઈ તેની આંખો સામે પડ્યો હતો. વિદ્યાએ ચાદરના બંને છેડાને મુઠ્ઠીથી પકડી રાખ્યા હતા. અમૃતપાન કરી કરીને થાકેલો જસ્મીન આજે આ દેહને મન ભરીને માણવા તૈયાર હતો. એક યૌદ્ધા જેમ શત્રુ પર ત્રાટકે એવી રીતે જ તે વિદ્યા પર તૂટી પડ્યો. વિદ્યાનું એક એક પાનું તેણે ખોલીને વાંચી લીધું. વિદ્યાએ પણ જસ્મીન સામે પોતાની કિતાબ ખોલીને રાખી દીધી. ત્રણ વર્ષની રાહ આજે ખતમ થઈ. એ સુખ ક્ષણિક હતું. આખો દિવસ વિદ્યા અને જસ્મીને એકબીજાને પ્રેમ કર્યો.
કોલેજ પૂરી થઈ. વિદ્યાએ અગણિત વખત જસ્મીનને ફોન કર્યો પણ હવે તેનો નંબર નહોતો લાગતો. તેના ગામડે પણ વિદ્યા મુલાકાત લઈ આવી. હવે વિદ્યાને ખ્યાલ આવ્યો કે એ કવિ ભમરો બનીને તેનો રસ ચૂસી રફુચક્કર થઈ ગયો છે.
રેતીની જેમ સમય પસાર થઈ ગયો. જસ્મીનનો કોઈ જગ્યાએ પત્તો ન લાગ્યો. વિદ્યા પણ મનોહર નામના છોકરાને પરણી ગઈ. મધુરજનીની રાત્રે મનોહરે બારણાં વાંસી દીધા અને વિદ્યાનું મન લોભાવવા તેણે એક ગઝલ કહી.
ગઝલ સાંભળતા જ વિદ્યાના કાન સરવા થઈ ગયા, ‘આ ગઝલ???’
‘મેં લખી છે. કેમ આટલી ભડકી ગઈ? ગઝલ સાંભળવી તને ગમતી નથી?’
‘ન હોઈ શકે. આ તમારી લખેલી ન જ હોય.’ વિદ્યાનો શ્વાસ ઊંચો નીચો થઈ રહ્યો હતો.
‘શું ન હોઈ શકે ? પુરાવો હોત તો બતાવેત. હું એક બસમાં મારા ગઝલ સંગ્રહ સાથે રાજકોટ પ્રકાશકને બતાવવા જઈ રહ્યો હતો. ચોપડામાં લખેલી. ભૂલથી સીટ પર ચોપડો ભૂલી ગયો અને બસ છોડી દીધી. ત્રણેક મિનિટ જ થઈ હશે. દોડીને મારી મહેનત લેવા પાછો આવ્યો તો ત્યાં ચોપડો જ ન હતો.’
વિદ્યાને એ દૃશ્ય યાદ આવી ગયું. જ્યારે કોલેજમાં કવિતાની પ્રતિયોગિતામાં જસ્મીન વિજેતા બનતો. વિદ્યા તેના પ્રેમમાં ગાંડી થઈ તેની ગઝલ સાંભળીને પડી રહેતી. અને ગાર્ડનમાં… ગાર્ડનમાં જસ્મીન મનોહરની ચોરી કરેલી કવિતાઓ સંભળાવી તેના અધરોમાંથી રસ ચૂસતો.
(શીર્ષક પંક્તિ મનસુખ લશ્કરી)
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા