ગોવાબાપા : હે ચાબુક તો કોરોનાની 1000 વેક્સિન ગુજરાતમાં આવી ગઈ છે બેટા. ઠંડી કરવા રાખી છે. ઠંડી જ રાખવી પડે છે ચાબુક. હવે 1000 એવા વોલેન્ટીયર્સ તૈયાર રાખવામાં આવ્યા છે જેઓ બિલકુલ સ્વસ્થ છે. તેમને જ આ વેક્સિનનો ડોઝ દેવામાં આવશે. આખરે ગુજરાતનાં આંગણે વેક્સિન તો આવી ગઈ. હવે એ વેક્સિન સંપૂર્ણ રીતે કારગત નિવડે. એ વેક્સિનથી સૌ કોઈ સાજા માજા ને તાજા થઈ જાય એવી આશા રાખીએ.
હવે ચાબુક કોરોનાની જ વાત આવી છે તો તને રિકવરી રેટ જણાવી દઉં. જેની આપણે ત્યાં ખૂબ ઓછી ચર્ચા થાય છે એ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે વલસાડ, નવસારી, ડાંગમાં રિકવરી રેટ સૌથી સારો છે. એમાંય વલસાડમાં તો 98 ટકા જેટલો રિકવરી રેટ છે. અમદાવાદ આખા ગુજરાતમાં 24માં નંબર પર છે.
‘ગોવાબાપા સૌથી છેલ્લે કોણ છે ?’
અમરેલી…
કોરોનાની જ વાત સાથે ચાબુક પ્રધાનમંત્રીએ આજે મુખ્યમંત્રીઓ સાથે કરેલી મીટીંગમાં શું કહ્યું એ વાતને પણ આવરી લઈએ.
"हमारा ध्यान मृत्यु दर को 1% से कम लाने पर होना चाहिए": PM मोदी #Coronavirus #COVID #PMModi pic.twitter.com/lVcLqXRhx5
— AajTak (@aajtak) November 24, 2020
પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘‘ભારત સૌથી બેસ્ટ વેક્સિન પર જોર લગાવી રહ્યું છે. અને દરેક વેક્સિનને વૈજ્ઞાનિક આધાર પર ટેસ્ટ કરવામાં આવી રહી છે. જોકે વેક્સિનની સાથે સાથે દરેકે સતર્કતા પણ રાખવી જ પડશે. રાજ્યોને હજુ સતર્ક રહેવાની જરૂર છે. નહીંતર ક્યાંક એવી સ્થિતિ ન થઈ જાય કે કહેવું પડે, मेरी कश्ती भी वहां डूबी, जहां पानी कम था.’’
‘આ વાક્ય છે કોનું ગોવાબાપા?’
આપણા અજયભાઈ દેવગનનું.
એપ્લિકેશન બેન
હવે ફરી કેન્દ્ર સરકારે 43 મોબાઈલ એપ્લિકેશન બેન કરી દીધી છે. એમાંથી 14 ચીનની જ છે. ચીનની પણ માઠી બેઠી છે. કોરોના જાતો નથી અને એપ્લિકેશનો એમના સિવાય ક્યાંય હાલતી નથી. આમાંથી મોટાભાગની તો એવી છે ચાબુક જે ખૂબ ઓછા વાપરતા હશે. છતાં બેન કરી દીધી એનો અર્થ તો એ જ થયો કે કેટલાક તો વાપરતા જ હશે. મને તો લાગે છે કે એ એપ્લિકેશન બેન થશે એટલે તેની જગ્યાએ નવી એપ્લિકેશનો બનશે. જે ભારતની હશે. ટેક્નોલોજીમાં આત્મનિર્ભર બનવા તરફનું આ પગલું હોઈ શકે છે. જોકે હવે કોઈ આ એપ્લિકેશનોની જગ્યાએ ભારતની નવી એપ્લિકેશનો બનાવે છે કે નહીં એ પણ જોવાનું છે.
મહારાષ્ટ્રમાં નવાજૂની થવાના એંધાણ
હવે ચાબુક મહારાષ્ટ્રમાં ફરી ભાજપની સરકાર બનવાની હોવાનો એક ઝટકો પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આપી દીધો છે. તને તો ખબર જ છે કે મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકાર છે. જેણે માંડ માંડ જોડી જોડીને જોડે રહેજો રાજ જેવું કર્યું છે. ગત્ત વખતે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર 80 કલાક ચાલી હતી. હું જગમાલની દુકાને ચા પીતો હતો અને અચાનક દેવેન્દ્રભાઈ ફડણવીસને શપથ ગ્રહણ કરતા જોઈ મારા મોઢામાંથી સોંસરવી ચા નીકળી ગઈ હતી.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે, મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર દિવસ શરૂ થાય એ પહેલા નહીં પણ યોગ્ય સમયે બનશે. બીજું કે આ પહેલા રાવસાહેબ જે કેન્દ્રિય મંત્રી છે એમણે પણ કહી દીધું હતું કે, મહારાષ્ટ્રમાં બેથી ત્રણ મહિનામાં અમે સરકાર બનાવી લઈશું. આ બે વાતથી ઘણા લોકોને લાગી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં ક્યાંક ભાજપની સરકાર ન બની જાય.
હવે એનસીપી, કોંગ્રેસ અને શિવસેના… આ ત્રણે ભેગા મળીને પોતાના ધારાસભ્યો સુરક્ષિત તો છે ને એ જોવું રહેશે. નહીં ને ધડાધડ રાજીનામા પડવા લાગ્યા તો ? તને તો ખબર છે કે મધ્યપ્રદેશ, કર્ણાટક અને ગુજરાતમાં પેટા ચૂટણી વખતે કોંગ્રેસના નેતાઓના ધડાધડ રાજીનામા પડવા લાગ્યા હતા. એ જોતા હવે તો જનતાને પણ લાગી રહ્યું છે ચાબુક કે, ક્યાંક બે ત્રણ મહિનામાં ચલકચલાણું જોવા મળી જાય તો…
‘તો ગોવાબાપા?’
‘તો નવાઈ નહીં બેટા.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત