ઝાલાવાડી જલજીરા : આશિષ રોય એ એવું નામ હતું જેને દૂરદર્શનમાં આવતી ધારાવાહિકમાં, લીડ રોલ પ્લે કરી રહેલા અભિનેતાના વિદૂષક મિત્ર સિવાયના કોઈ રોલ મળ્યા નહીં. તે હસાવતો હતો અને આજે તે આપણી વચ્ચે નથી રહ્યા. અત્યાર સુધી આપને એવું લાગતું હશે કે બસ તેમનું આટલું જ પ્રદાન છે. તો પછી અહીં લખવાનો શું અર્થ છે ? માર્વેલ અને ડિસીને હિન્દીમાં પોતાના ખભા પર ઉઠાવવાનું આકરું કામ આશિષ રોયે કરેલું હતું. માર્વેલ અને ડિસીની કેટલીક ફિલ્મો બોક્સઓફિસ પર છવાઈ ગઈ તેનો પાર્ટ આશિષ રહ્યા હતા.
આશિષનો અવાજ કોઈ સ્પેશિયલ અવાજ નહોતો. તે નાભીમાંથી નહોતો નીકળતો. તેમાં ઘેઘુરતા નહોતી. એ ભરાવદાર અવાજ નહોતો, જેવો નેશનલ જ્યોગ્રોફી અને ડિસ્કવરી ચેનલમાં હરણનું મારણ કરતી વેળાએ સિંહને દોડતા જોઈ આર્ટિસ્ટ કાઢે છે, પણ તેમાં અભિનયનો સંપૂટ હતો.
વોઈસ ઓવરની દુનિયા અજીબ છે. તેને લોકો સાંભળે છે. થીએટરમાંથી બહાર નીકળે છે. ભૂલી જાય છે. અંગ્રેજી અને સાઉથની ફિલ્મો હિન્દી વોઈસ ઓવર પર ટકેલી છે. એક મોટો વ્યવસાય છે. હિન્દીમાં અંગ્રેજી અને સાઉથની ફિલ્મોના ડાઈલોગ લખાય છે. ડાઈલોગની પાછળ ઓડિયો-વિઝ્યુઅલ સહિત ડબ કરનારાઓની મહેનત અને આબેહુબ ગળાથી અભિનય કરનારા વોઈસ ઓવર આર્ટિસ્ટો પાર્ટ ટાઈમમાં કોઈ જર્નાલિઝમ ઈન્સ્ટીટ્યુટમાં લેક્ચર આપવા જતા હશે.
આશિષ પણ એવા જ હતા. તેમનો હિન્દીમાં વોઈસ ઓવર આવ્યો ત્યારે લોકો એમ જ સમજતા હતા જાણે હિથ લિજરે પોતે જ ન આપ્યો હોય. જેવો ઘાતક અભિનય એવો જ ઘાતક વોઈસ ઓવર. ક્ષણ ભર માટે પણ સંવાદ અને અભિનયકળા વચ્ચે તાલમેલ વિખાય નહીં.
બ્ચોમકેશ બક્ષીથી તેઓ દૂરદર્શન સાથે જોડાયા હતા. વેણીસંહાર નામના એપિસોડમાં એમણે માર્કન્ડનો રોલ પ્લે કરેલો હતો. 2014ની બરખા એમની છેલ્લી ફિલ્મ હતી. એ અભિનેતા તરીકે પણ વખણાયા નહીં અને વોઈસ ઓવર આર્ટિસ્ટ તરીકે લોકપ્રિયતા તો રહેલી જ નથી.
2006ની સાલમાં સુપરમેન રિટર્ન્સ આવી. તેમાં કેવિન સ્પેસીએ લેક્ષ લુથરનો રોલ પ્લે કર્યો હતો. વિલનનો અવાજ જોઈતો હતો. લૂથરના અવાજને જ જચી જાય એ રીતે આશિષે ડબીંગ કરેલું. એ પછી બે વર્ષ બાદ ડાર્ક નાઈટમાં જોકરનો અવાજ આપેલો. એ ફિલ્મ અંગ્રેજી કરતાં હિન્દીમાં ગમવાનું કારણ એ અવાજ જ છે.
2013ની ડિસી કોમિક્સની જ મેન ઓફ સ્ટીલમાં જનરલ જોડ બનતા માઈકલ શેનોનનો અવાજ આપ્યો. એ અવાજની ભયંકરતા અને શેનોનના ચહેરાના હાવભાવ થીએટરમાં જુઓ તો ડરાવી જાય. 2014ની સાલમાં આવેલી ગાર્ડિયન ઓફ ધ ગેલેક્સીમાં શિયાળ રોકેટ ધ રકુનનો અવાજ આપ્યો. જે અંગ્રેજીમાં ઓરિજનલ બ્રેડલી કૂપરે આપ્યો હતો. રોબોકોપમાં ગેરી ઓલ્ડમેનને અવાજ આપ્યો. ધ લેજન્ડ ઓફ ટારઝનમાં ઈગ્લોરિયસ બાસ્ટર્ડમાં અભિનયના ઓજસ પાથરનારા હાન્સ લાન્ડા ઉર્ફ ક્રિસ્ટોફર વોલ્ટ્ઝને અવાજ આપ્યો. આજે એ અવાજ આથમી ગયો. સિનેમાના કેટલાક ક્ષેત્રો કામ કરવા અને પેટીયું રળવા માટે જ હોય છે. તેમાં લોકપ્રિયતા નથી રહેલી. જૂજ લોકો ઓળખે છે ચેતન શશિતલને. જેમણે જીની સહિત ડોનાલ્ડ ડક અને મિકી માઉસ… અરે એક વખત તો અમરીશ પૂરીનો પણ અવાજ આપ્યો હતો.
હિથ તો પહેલા જ ચાલ્યો ગયો હવે તેનો હિન્દી અવાજ પણ આપણી પાસે નથી રહ્યો. હિન્દીમાં કોઈ કેરેક્ટરનો અવાજ એક વખત ફેમસ થઈ જાય છે, પછી તેને રિપ્લેસ કરવો, એ પણ નિષ્ફળતાને સામેથી આમંત્રણ આપવા જેવું થયું કહેવાય. આ બેલ મુઝે માર.
કેપ્ટન અમેરિકા બનતા ક્રિસ ઈવન્સનો અવાજ કેપ્ટન અમેરિકા ધ સિવિલ વોરમાં વરૂણ ધવને આપ્યો હતો. માર્વેલ અને ડિસીની કોઈ પણ ફિલ્મમાં તે અભિનેતા દ્રારા અપાયેલો અત્યાર સુધીનો ખરાબ વોઈસ ઓવર છે. અમે તો અંગ્રેજી ફિલ્મો અંગ્રેજીમાં જ જોઈએ, એ લોકોને નહીં સમજાય, કારણ કે વરુણ જ્યારે જ્યારે બોલે છે ત્યારે ત્યારે તેનો વોઈસ ઓવર અગાઉના આર્ટિસ્ટની નકલ કરતો હોય એવી ફિલ આવ્યા કરે છે. વોઈસ ઓવરથી પણ ફિલ્મો ચાલે તેનો સામાન્ય જનતાને બાહુબલીની સફળતા અને સાહોની નિષ્ફળતાથી ખ્યાલ આવ્યો. અલવિદા આશિષ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત