Homeતાપણુંઅહેમદ પટેલ : દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો એક ક્રિકેટર જે રાજનીતિમાં ખૂદને...

અહેમદ પટેલ : દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો એક ક્રિકેટર જે રાજનીતિમાં ખૂદને અનફિટ ગણતો

કોંગ્રેસમાં સંકટમોચકની ભૂમિકા ભજવવા માટે જાણીતા વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું કોરોનાના કારણે આજે સવારે સાડા ત્રણ વાગ્યે નિધન થયું હતું. તેઓ છેલ્લા કેટલાક સમયથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા. ગુરૂગ્રામની મેંદાતા હોસ્પિટલમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

તેમના નિધન પર શોક વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી લખ્યું છે કે, ‘અહેમદ પટેલના નિધનથી દુખી છું. એમણે સાર્વજનિક જીવનમાં ઘણા વર્ષો સુધી સેવા નિભાવી હતી. કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે પણ તેમણે ભૂમિકા નિભાવી હતી. તેમના પુત્ર ફૈઝલની સાથે વાત કરી છે અને સંવેદના વ્યક્ત કરી છે. અહેમદભાઈની આત્માને શાંતિ મળે.’

રાહુલ ગાંધીએ લખ્યું છે કે, ‘આ એક દુખદ દિવસ છે. અહેમદ પટેલ કોંગ્રેસ પાર્ટીના એક સ્તંભ હતા. તેઓ પોતાના સૌથી મુશ્કેલભર્યા સમયમાં પાર્ટીની સાથે ઊભા રહ્યા. એ એક જબરદસ્ત મૂડી હતા. અમે એમને હંમેશાં યાદ કરીશું. ફૈઝલ, મુમતાઝ અને પરિવારને મારો પ્રેમ અને સંવેદના.’

તેમના નિધન પર પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, ‘અહેમદજી ન માત્ર બુદ્ધીમાન અને અનુભવી સહકર્મી હતા. જેમાંથી મેં સતત કંઈક શીખ્યું. એ એક એવા મિત્ર હતા. જે અમારા સૌની સાથે ઊભા રહ્યા. દૃઢ, નિષ્ઠાવાન અને અંત સુધી વિશ્વાસપાત્ર. તેમનું નિધન એક વિશાળ શૂન્ય છોડી ગયું છે. તેમની આત્માને શાંતિ મળે.’

ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે લખ્યું છે કે, ‘કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને અમારા તમામ યુવાઓના માર્ગદર્શક અહેમદ ભાઈ પટેલનું નિધન થયું છે. તેમની આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરું છું. અહેમદભાઈએ મને સામાજીક, રાજકીય, વૈચારિકરૂપથી મજબૂત બનાવવાનું કામ કર્યું છે. અહેમદભાઈ ગુજરાતની જનતાના હમદર્દ હતા.’

રાજસ્થાનના મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે લખ્યું છે કે, ‘અહેમદ પટેલ નથી રહ્યા. એક અભિન્ન મિત્ર અને વિશ્વસનીય સાથી ચાલ્યો ગયો. અમે બેઉં 1977થી સાથે હતા. એ લોકસભામાં પહોંચ્યા. હું વિધાનસભામાં. સૌ કોંગ્રેસીઓ માટે તેઓ રાજનીતિક ઈલાજની દવા હતા. મૃદુભાષી, વ્યવહાર કુશળ અને હંમેશાં હસતું રહેવું એ એમની ઓળખ હતી.’

*******

અહેમદ પટેલ સોનિયા ગાંધીના સલાહકાર હતા. અહેમદ પટેલના કારણે જ સોનિયા ગાંધી રાજીવ ગાંધીના નિધન બાદ પાર્ટીને વ્યવસ્થિત રીતે સંભાળી શકી હતી. અહેમદ પટેલના જ કારણે એક સમયે પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ સાથે સારા સંબંધો ન હોવા છતાં સોનિયા ગાંધી પાર્ટીમાં ટકી રહ્યા હતા.

ઈન્દિરા ગાંધી બાદ રાજીવ ગાંધી પ્રધાનમંત્રી બન્યા. 1984ની ચૂંટણી બાદ રાજીવ ગાંધી પણ ઈચ્છુક હતા કે અહેમદ પટેલને સરકારમાં મંત્રી પદ આપી દેવામાં આવે. જોકે અહેમદ પટેલે આ વાતથી સાફ ઈન્કાર કરી દીધો. તેમણે પાર્ટીની પસંદગી કરી અને યુથ કોંગ્રેસને તૈયાર કરવા લાગ્યા. અહેમદની આ કમગીરીનો ફાયદો ભવિષ્યમાં સોનિયા ગાંધીને થયો.

ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં જન્મેલા પટેલ ત્રણ વખત લોકસભા સાંસદ અને ચાર વખત રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે. અહેમદ પટેલે પોતાની પ્રથમ ચૂંટણી 1977ની સાલમાં ભરૂચમાંથી જ લડી હતી. જેમાં તેઓ 62,879 વોટથી જીત્યા હતા. 1980માં પણ અહીંથી જ ચૂંટણી લડી. ફરી તેઓ 82,844 વોટથી ચૂંટણી જીતી ગયા. 1984માં ત્રીજી લોકસભાની ચૂંટણી વખતે તેમને 1,23,069 વોટથી જીત મળી. 1980 અને 1984 બંને ચૂંટણીમાં જનતા પાર્ટીના ચંદુભાઈ દેશમુખ બીજા નંબર પર રહ્યા હતા. 1993થી અહેમદ રાજ્યસભા સાંસદ રહ્યા અને 2001માં તેઓ સોનિયા ગાંધીના રાજનીતિક સલાહકાર બન્યા.

આ સિવાય 1977થી 1982 સુધી પટેલ ગુજરાતની યુથ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પણ રહ્યા હતા. સપ્ટેમ્બર 1983થી ડિસેમ્બર 1984 સુધી ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના જોઈન્ટ સેક્રેટરી રહ્યા. 1985માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી એ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના સંસદીય સચિવ રહ્યા. એમના સિવાય અરૂણ સિંહ અને ઓસ્કર ફર્નાન્ડિઝ પણ રાજીવ સંસદીય સચિવ હતા. સપ્ટેમ્બર 1985થી જાન્યુઆરી 1986 સુધી પટેલ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી રહ્યા. કોંગ્રેસની તાલુકા પંચાયતના અધ્યક્ષ તરીકેથી કરિયરની શરૂઆત કરનારા અહેમદ પટેલ જાન્યુઆરી 1986માં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બન્યા. જે પોઝિશન તેમણે ઓક્ટોબર 1988 સુધી સંભાળી. 1991માં જ્યારે નરસિમ્હા રાવ દેશના પ્રધાનમંત્રી બન્યા તો તેમને કોંગ્રેસની વર્કિંગ કમિટીના સભ્ય બનાવી દેવામાં આવ્યા. જે પદ પર તેઓ છેલ્લે સુધી રહ્યા.

1996માં અહેમદ પટેલને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા. એ સમયે સીતારામ કેસરી કોંગ્રેસના અધ્યક્ષ હતા. જોકે વર્ષ 2000માં સોનિયા ગાંધીના અંગત સચિવ જ્યોર્જ સાથે માથાકૂટ થતાં તેમણે આ પદ છોડી દીધું હતું. જેના એક વર્ષ પછી તેઓ સોનિયા ગાંધીના રાજનિતીક સલાહકાર બની ગયા હતા.

સંગઠનમાં આ મોભાદાર પદ સિવાય તેમણે સિવિલ એવિએશન મિનિસ્ટ્રી, માનવ સંસાધન મંત્રાલય અને પેટ્રોલિયમ મંત્રાલયની મદદ માટે બનાવવામાં આવેલ કમિટીના સભ્ય પણ રહી ચૂક્યા હતા. 2006 સુધી તેઓ વક્ફ સંયુક્ત સંસદીય સમિતના સદસ્ય હતા. ગુજરાત યુથ કોંગ્રેસ કમિટીના યુવા અધ્યક્ષ તો રહ્યા જ હતા પણ આ સિવાય અહેસાન ઝાફરી સિવાયના તેઓ બીજા એવા મુસ્લિમ નેતા છે જેમણે ગુજરાતમાંથી લોકસભા ચૂંટણી જીતી હોય. અહેસાન ઝાફરીની 2002ના ગુજરાતના હુલ્લડમાં હત્યા કરી દેવામાં આવી હતી.

ખૂદ અહેમદ પટેલે એક વખત કહ્યું હતું કે, તેઓ રાજનીતિમાં અનફિટ છે. હું માત્ર સોનિયા ગાંધીના એજન્ડા પર મારી કામગીરી કરું છું. જોકે એ વાતમાં સત્યતા પણ રહેલી છે કે અહેમદ પટેલ જેની પણ સાથે મુલાકાત કરતા હતા તેમને મનોવૈજ્ઞાનિક નજરથી જોતા હતા. કદાચ તેમનો આ હુનર જ તેમને કિંગમેકર બનાવી ગયેલો. એક સમયે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ક્રિકેટ ટીમમાં બેટ્સમેન હતા. રાજનીતિમાં આવ્યા પછી તેમની એ રૂચિ પણ ચાલી ગઈ.

ગુજરાતના એક મોટા નેતા કહેતા કે, ‘અહમદને ખબર છે કે કોંગ્રેસને ચલાવવા માટે તેલ ક્યાંથી આવે છે.’

તેમના વિશે તેમના ટીકાકારો એ પણ કહેતા હતા કે, તેમણે માધવસિંહ સોલંકીનું રિપ્લેસમેન્ટ અમરસિંહ ચૌધરી સાથે કરી નાખ્યું. આ પાછળુનું કારણ એ છે કે માધવસિંહ સોલંકી પછી અમરસિંહ ચૌધરી સત્તામાં આવ્યા અને ત્યાંથી ગુજરાતમાં કોંગ્રેસની પડતી થવા લાગી. માધવસિંહ સમયે કોંગ્રેસ 182માંથી 149 સીટ જીતી લાવતી હતી. આજે એ કોંગ્રેસ હાલની પેટા ચૂંટણીમાં એક પણ સીટ ન જીતી શકી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments