Homeગુર્જર નગરીહે ચાબુક આખા ગુજરાતની નવરાત્રી કાંતિ ગામીતને ત્યાં રમાઈ ગઈ હો

હે ચાબુક આખા ગુજરાતની નવરાત્રી કાંતિ ગામીતને ત્યાં રમાઈ ગઈ હો

ન્યૂઝિલેન્ડમાં અત્યારે કોરોના દેખાતો નથી. ત્યાંની અમદાવાદ કરતાં પણ ઓછી વસતિ ધરાવતા દેશે કોરોના પર કાબુ મેળવી લીધો છે. મને લાગે છે કે કાંતિ ગામીત ત્યાંના જ પૂર્વ ધારાસભ્ય હોવા જોઈએ. એમને એમ કે હું તો છું ન્યૂઝિલેન્ડમાં, ગુજરાતમાં થોડો છું!! ભેગી થઈ ગઈ ભીડ અને મંડ્યા રાસડા રમવા.

‘આ શું માંડ્યું છે ગોવાબાપા?’

તારે ત્યાં લગ્ન નથી એટલે તને એવું લાગે ચાબુક. આ જો એક એક પંડિત ઓછા શ્લોક બોલી ઓવર શિફ્ટ કરીને બધાના લગ્ન કરાવવામાં મચી પડ્યા છે. ફાટાફટ લગ્નો પૂરા થાય છે. હોય જો ગાઈડલાઈનથી વધારે લોકો તો પોલીસ તુરંત કાર્યવાહી કરે છે અને પૂર્વ ધારાસભ્યશ્રીને એટલી પણ ખબર ન પડી કે તેમની જ સરકાર દ્વારા આવો નિયમ કરવામાં આવ્યો છે કે 100થી વધારે લોકો નહીં.

છેલ્લી ઘડીએ કલેક્ટરની ઓફિસે કંકોત્રી ચડાવવા જતા વડિલો હવે કેટ કેટલી લાઈનોમાં ઊભા રહેશે ? અને અહીં કાંતિભાઈ ગામીતે જાણે આખો જિલ્લો ઊભો કર્યો હોય એવા દૃશ્યો દેખાયા. આમા થાય એવું કે સામાન્ય લોકોનું લોહી ઉકળી ઉઠે, કે જ્યાં અમે માત્ર ગણી ગણીને 100 બોલાવ્યા, કેટલાકે તો લગ્ન જ જતા કરી દીધા અને કાંતિભાઈને ત્યાં આટલી બધી પબ્લિક…. હા મોજ હા.

કાંતિ ગામીતની પૌત્રીની સગાઈમાં ચાબુક… લગ્ન પણ નહોતા. એટલું માનવ મહેરામણ ઉમટી પડ્યું કે ફોટોમાં જોતા લાગે છે કે ક્યાંક શિવરાત્રીનો મેળો તો નથી ભરાણોને ? આ વીડિયો વાઈરલ થયા પછી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ તપાસના આદેશ આપ્યા હતા. હવે દર વર્ષની માફક અહીં તુલસી વિવાહ યોજાયા હતા. જેમાં દીકરીની સગાઈ પણ કરવાની હતી. આથી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.

નવરાત્રી કોઈએ ન રમી પણ અહીં વીડિયો જોતા ખ્યાલ આવી જાય છે કે આખા ગુજરાતની નવરાત્રી કાંતિભાઈને ત્યાં રમાઈ ગઈ. લોકો ડી.જેના તાલે ગરબે ઘુમ્યા. સોશિયલ ડિસ્ટન્સ તો દેખાતું જ નથી ઉપરથી કેટલાક લોકો તો માસ્ક વિના પણ ફરતા હતા.

દુ:ખદ સમાચાર

હવે એક દુ:ખદ સમાચાર આવી રહ્યા છે ચાબુક. ચૈન્નઈની હોસ્પિટલમાં છેલ્લા 93 દિવસ સુધી કોરોના સામે લડનારા રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન થયું છે. હાલમાં જ તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. એ ધારાશાસ્ત્રી પણ હતા અને અગ્નિકાલ જેવી ફિલ્મમાં પણ એમણે કામ કર્યું હતું. 1977ની સાલથી જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા. માત્ર 23 વર્ષની ઉંમરે જ. એમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે.

પ્રભુ એમના આત્માને શાંતિ આપે. ગુજરાત માથે તો કેવું આભ તૂટી પડ્યું છે. ગુજરાતના જ રાજ્યસભાના ચાર સાંસદોને કોરોના થયો. જેમાંથી અહેમદભાઈ પટેલ અને અભય ભારદ્વાજનું નિધન થયું અને નરહરિ અમીન અને શક્તિસિંહ ગોહેલ કોરોનાને હરાવીને બહાર નીકળ્યા.

ખેડૂતોનું આંદોલન ક્યાં પહોંચ્યું ?

કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે 120 મિનિટ વાત થઈ ચાબુક. એમાં કેન્દ્ર સરકારે ચર્ચા સમિતિ નિમવાની માગ મૂકી તો એમણે ના પાડી દીધી. હવે તને કદાચ ખબર નહીં હોય ચાબુક. ખેડૂતો તો ચાર મહિના ચાલે એટલું અનાજ ભેગુ લઈને આવ્યા છે. એ પણ ખાઈ છે અને જવાનોને પણ ખવડાવે છે. ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે બેઠક કરી હતી. એમાં પાછા કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોએ આ આંદોલનનું સમર્થન કર્યું તો વિદેશ મંત્રાલયે એ નિવેદનને બિનજરૂરી ગણાવી દીધું.

હા કિમ જોંગની મોજ હા

હજુ સુધી દેશમાં એક પણ વેક્સિન ચાબુક પૂર્ણરૂપે અપ્રૂવ નથી થઈ, પણ નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનને ભારે ઉતાવળ લાગે છે હો. એણે એના પરિવારે અને કેટલાક અંગત લોકોએ ચીનની એક વેક્સિનનો ડોઝ લઈ લીધો છે. હવે આ વેક્સિન કેટલી કારગત નિવડે છે કે નિવડતી નથી એ તો આવનારા સમયમાં જ ખ્યાલ આવશે. ખાસ જાપાનના સૂત્રો દ્વારા આ માહિતી સમગ્ર દેશમાં આજે ફેલાય કે દુનિયામાં કોઈ લે કે ન લે એ પહેલા કિમ જોંગ ઉને દવાનો ડોઝ લઈ લીધો. એને કંઈ નહીં થાય તો ચીન ઉપર બધા ત્રાટકશે કે એમણે વેક્સિન બનાવી લીધી છે અને ગમતા માણસોને આપી દીધી છે. કોઈને પાછી એ પણ ખબર નથી કે આ કઈ કંપનીની વેક્સિન છે? અફવા છે કે સત્ય છે એ વાતની તો ખબર નથી ચાબુક, પણ મને લાગે કિમ જોંગ ને ક્યાંક કંઈક આડ અસર થઈ તો ?

(દેશ-વિદેશના મહત્વના સમાચાર વાંચો રોજ સાંજે ગોવાબાપાની કલમે)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments