Homeસાહિત્યવાર્તાવિશ્વ : ખલીલ જિબ્રાનની જીવનલક્ષી ચાર લઘુકથા

વાર્તાવિશ્વ : ખલીલ જિબ્રાનની જીવનલક્ષી ચાર લઘુકથા

લેખક-ખલીલ જિબ્રાન
મૂળ ભાષા – અંગ્રેજી
અનુવાદ – Team Chabuk

સ્વત્વની સાથે

હું ગાંડાના દવાખાનામાં આટા મારી રહ્યો હતો. ત્યાં મેં એક યુવકને બેઠેલો જોયો જે તલ્લીનતાથી દર્શનશાસ્ત્રનું પુસ્તક વાંચી રહ્યો હતો. એ યુવક સ્વસ્થ દેખાતો હતો અને તેનો વ્યવહાર અન્ય દર્દીઓ કરતાં બિલકુલ અલગ હતો. એ માનસિક રીતે પડી ભાંગેલો નહોતો.

હું તેની નજીક જઈ બેસી ગયો અને પૂછ્યું, ‘તું અહીં શું કરી રહ્યો છો ?’

તેણે મને આશ્ચર્યથી જોયો. જ્યારે એ સમજી ગયો કે હું ડોક્ટર નથી ત્યારે તેણે કહ્યું, ‘જુઓ આ ખૂબ જ સામાન્ય વાત છે. મારા પિતા ખૂબ જ પ્રસિદ્ધ વકીલ હતા અને મને એમના જેવો બનાવવા ઈચ્છતા હતા. મારા અંકલનું ખૂબ જ મોટું એમ્પોરિયલ હતું અને એ ઈચ્છતા હતા કે હું એમના નક્શેકદમ પર ચાલું. મારી માતા હંમેશાંથી મારામાં મારા નાનાની છબી જોતી હતી. મારી બહેનો ઈચ્છતી હતી કે હું એમના પતિએ મેળવેલી સફળતા મેળવું. મારો ભાઈ ઈચ્છતો હતો કે હું તેના જેવો ખેલાડી બનું. અને આ જ બધું મારી સાથે શાળામાં, સંગીતના ક્લાસમાં, અંગ્રેજીના ટ્યુશનમાં થતું રહ્યું. એ તમામ લોકો દ્રઢ મંતવ્ય ધરાવતા હતા કે તેઓ અનુકરણ કરવા માટે આદર્શ વ્યક્તિ છે. એ સૌ લોકોએ મને એક મનુષ્યની માફક ન જોયો. હું તો ફક્ત એમના માટે એક અરીસો હતો. ત્યારે મેં અહીં ભરતી થવાનું નક્કી કરી લીધું. આખરે આ જ એ જગ્યા છે જ્યાં હું મારા સ્વત્વની સાથે છું.’

મહેમાન

‘ક્યારેક અમારા ઘરને પણ પવિત્ર કર.’  કરૂણાથી ભીંજાયેલા સ્વરે વરુએ ભોળા ઘેટાને કહ્યું.

‘હું ચોક્કસ આવેત પણ તારા ઘરનો અર્થ જો તારું પેટ નહોત તો.’ ઘેટાએ નમ્રતા પૂર્વક ઉત્તર આપ્યો.

શોધ

એક હજાર વર્ષ પહેલાની વાત છે. લેબનોના એક ઢાળ પર બે ચિંતકો આવીને મળ્યા. એકે બીજાને પૂછ્યું, ‘તું ક્યાં જઈ રહ્યો છો?’

બીજાએ જવાબ આપ્યો, ‘હું એક યૌવન આપતા ઝરણાની શોધમાં જઈ રહ્યો છું. મને લાગે છે કે તેનો સ્ત્રોત આજ પહાડીઓની વચ્ચે ક્યાંક છે. મને આવા કેટલાક લેખિત પ્રમાણ પણ મળ્યા છે. જે તેનું ઉદ્દગમ પૂર્વની બાજુ બતાવે છે. તું શું શોધી રહ્યો છો ?’

પેલા વ્યક્તિએ જવાબ આપ્યો, ‘હું મૃત્યુના રહસ્યની શોધમાં છું.’

એ પછી બંને ચિંતકોએ એકબીજા પ્રત્યે એ ધારણા બાંધી લીધી કે બીજા પાસે તેના સમકક્ષ મહાન વિદ્યા નથી. તે એકબીજા સામે ચર્ચા કરવા લાગ્યા અને એકબીજા પર અંધવિશ્વાસી હોવાનો દોષ દેવા લાગ્યા. બંને દાર્શનિકોના બરાડાથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું. ત્યાં જ એક અજનબી ત્યાંથી પસાર થયો. જે તેના ગામમાં મહામૂર્ખ તરીકે ખ્યાતિ પામેલો હતો. થોડા સમય માટે ઊભો રહી આ બંનેના તર્કને તે સાંભળતો રહ્યો.

એ પછી એ તેની નજીક આવી બોલ્યો, ‘સજ્જનો, એવું લાગે છે કે તમે બંને વાસ્તવમાં એક જ સિદ્ધાંતમાં માનનારા છો અને એક જ વાત કહી રહ્યા છો. અંતર ફક્ત શબ્દોનું છે. તમારામાંથી એક યુવાન બનવાના ઝરણાની શોધ કરી રહ્યો છે અને બીજો મૃત્યુના ઝરણાની શોધ કરી રહ્યો છે. છે તો બંને એક જ. પણ અલગ અલગ રૂપમાં તમારા મગજમાં ઘુમે છે.’

એ પછી તે અજાણ્યો વ્યક્તિ એમ કહી ફર્યો, ‘આવજો સંતો.’ અને તે હસતો ત્યાંથી ચાલી નીકળ્યો.

બંને દાર્શનિકમાંથી એકે કહ્યું, ‘તો શું કામે આપણે બંને મળીને ન શોધીએ?’

બીજી ભાષા

મને જન્મ લીધે હજુ ત્રણ જ દિવસ થયા હતા અને હું રેશમી હિંડોળામાં પડીને મારી આસપાસના સંસારને અચરજ ભરેલી દૃષ્ટીથી જોઈ રહ્યો હતો. ત્યાં મારી માતાએ દાયણને પૂછ્યું, ‘કેમ છે મારું બાળક’

દાયણે જવાબ આપ્યો, ‘એ ખૂબ મજામાં છે. હું તેને અત્યાર સુધીમાં ત્રણ વખત દુધ પીવડાવી ચૂકી છું. મેં આટલું ખુશ બાળક આજ સુધી નથી જોયું.’

મને તેની વાત પર ખૂબ ગુસ્સો આવ્યો અને હું રાડો પાડવા લાગ્યો, ‘માં આ સાચું નથી કહી રહી. મારું ગાદલું કડક છે અને જે દૂધ આણે મને પાયું છે તે ખૂબ જ કડવું છે. તેના સ્તનોમાંથી ભયંકર દુર્ગંધ આવી રહી છે. હું ખૂબ જ દુખી છું.’

પણ ન તો મારી માતાને મારી વાત સમજમાં આવી રહી હતી અને ન તો એ દાયણને; કારણ કે હું જે ભાષામાં વાત કરી રહ્યો હતો. એ તો એ દુનિયાની ભાષા હતી જ્યાંથી હું આવ્યો હતો.

અને પછી જ્યારે હું એકવીસ દિવસનો થયો અને મારું નામકરણ કરવામાં આવ્યું. તો પાદરીએ મારી માતાને કહ્યું, ‘તમારે તો ખૂબ જ ખુશ થવું જોઈએ; તમારા દીકરાનો તો જન્મ જ એક ઈસાઈના રૂપમાં થયો છે.’

હું આ વાતથી આશ્ચર્યચકિત થયો. મેં એ પાદરીને કહ્યું, તો પછી સ્વર્ગમાં તારી માતાને ખૂબ દુખી થવું જોઈએ.; કારણ કે તારો જન્મ એક ઈસાઈના રૂપમાં નહોતો થયો.

જોકે પાદરી પણ મારી ભાષા ન સમજી શક્યો.

પછી સાત વર્ષ બાદ એક જ્યોતિષીએ મને જોઈને મારી માતાને કહ્યું, ‘તારો પુત્ર એક રાજનેતા બનશે અને લોકોનું નેતૃત્વ કરશે.’ પણ હું રાડો પાડવા લાગ્યો, ‘આ ભવિષ્યવાણી ખોટી છે, કારણ કે હું તો એક સંગીતકાર બનીશ. કંઈ બીજું નહીં ફક્ત એક સંગીતકાર.’

પણ મારી ઉંમરમાં કોઈએ મારી વાતને ગંભીરતાથી ન લીધી. મને આ વાત પર હેરાની થઈ. તેત્રીસ વર્ષ પછી મારી માતા, મારી દાયણ, પાદરી તમામ મૃત્યુ પામ્યા. (ઈશ્વર એમની આત્માને શાંતિ આપે) પણ એ જ્યોતિષી હજુ જીવીત હતો. કાલ હું એ જ્યોતિષીને મંદિરના દ્વાર પર મળ્યો. અમે વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેણે કહ્યું, ‘હું શરૂઆતથી જ જાણતો હતો કે તું એક મહાન સંગીતકાર બનીશ. મેં તારા બાળપણમાં જ આ ભવિષ્યવાણી કરી દીધી હતી. તારી માતાને પણ તારા ભવિષ્ય વિશે એ સમયે જ કહી દીધું હતું.’

અને મેં પણ તેની વાતનો વિશ્વાસ કરી લીધો કારણ કે અત્યાર સુધીમાં તો હું પણ એ દુનિયાની ભાષા ભૂલી ચૂક્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments