આજે સૌ પ્રથમ કોઈ નેતાની વાત નથી કરવી. આજે ફાધર વાલેસને યાદ કરવા છે. ગોવાબાપાને લોકસાહિત્યની પણ ખબર પડે હો ચાબુક. જોકે ફાધર વાલેસ લોકસાહિત્યકાર નહીં પણ ગુજરાતના પ્રથમ પ્રેરણાત્મક લેખક ગણવા રહ્યા. આજે એમનું 95 વર્ષની વયે સ્પેનમાં નિધન થયું.
તેઓ પ્રેરણાનું ઝરણું શું કામે છે ? તેઓ સ્પેનના હતા અને છતાં ગુજરાતી ભાષામાં તેમણે જે કાર્ય કર્યું એ ન ભૂતો ન ભવિષ્યતિ છે. એમની કલમપ્રવૃતિથી અંજાઈને ઘણા નવા ગુજરાતી લેખકો લલિત નિબંધો લખતા થયા. એમના લખાણમાં અનુભવ નિચોડ હતો. એમને વાંચ્યા પણ તેમનું ઘણું ખરું આજે ભૂલાઈ ગયું છે.
એમના વિશે હું સંશોધન કરતો હતો એમાં મને સરસ મજાનું એક વાક્ય મળ્યું. આ લે ફાધર વાલેસના જ શબ્દોમાં, ‘‘આ ગુજરાતી ભાષા જેવી સરળતા બીજે ક્યાંક જોવા મળે તો તમે એક નવી શોધ કરી છે એમ માનજો.’’
આટલું જ નહીં વિનોદ વિહાર નામની વેબસાઈટમાં એમના વિશે મેં વાંચ્યું તો એક લેખમાં કામનો ફકરો હાથમાં આવી ગયો. એ ફકરો તારવીને અહીં વાંચવા માટે મૂકું છું.
‘‘મેં સ્પેનમાં ગ્રીક ભાષામાં અને તત્વજ્ઞાનમાં ડિગ્રીઓ મેળવી હતી, એટલે ભારતમાં આવીને કૉલેજમાં ભણાવવા મારે બીજી ડિગ્રી લેવાની હતી ત્યારે હું સંસ્કૃત અથવા ગુજરાતી લઉં તો સારું એવી નમ્ર સૂચના મેં કરી. તોય કૉલેજ તો અમદાવાદમાં થવાની હતી; અમદાવાદમાં સંસ્કૃતના અને ગુજરાતીના ઉત્તમ અધ્યાપકો મળી શકે, જ્યારે ગણિતનો વિષય તો અઘરો છે અને અગત્યનો છે, માટે એની ખાતરી કરવા માટે વિશ્વાસના માણસને ત્યાં બેસાડીએ એ ખ્યાલથી મને મદ્રાસ યુનિવર્સિટીમાં ગણિત લેવાનું કહ્યું. આજ્ઞા માથે ચડાવીને મેં ગણિત લીધું અને વર્ષો સુધી નિષ્ઠાથી ને ઉત્સાહથી કૉલેજમાં ભણાવ્યું. હવે, ઉપરીઓની આજ્ઞા કામ તો કરાવી શકે, પણ મનની રુચિ બદલાવી ન શકે.’’
‘ગોવાબાપા એક વાત પૂછું?’
‘હા પૂછ.’
‘આ તમે વેબસાઈટ વિનોદ વિહાર વિશે શા માટે લખ્યું ? ઘણા તો ઉઠાવી લે પણ ક્યાંથી લીધું એ નથી કહેતા.’
જો બેટા અમારા ઘરડા માણસની પરંપરા છે. જેમને ન્યાંથી જે કટક બટક ખાધુ હોય ને એનો ઉપકાર માનીએ અને દરેક જગ્યાએ એણે આપેલા આસરાના વખાણ કરીએ. આપણે કોઈમાંથી પણ ઉઠાવીએ છીએ તો તેને નામ આપતા ક્યાં નીચા પડી જવાના. એ બહાને લોકોને નવું વાંચવા કોઈ સારી જગ્યા મળશે.
‘વાહ ગોવાબાપા.’
હવે આગળ ફાધર વાલેસ વિશે ગુજરાતના લેખકોએ શું કહ્યું એ જાણીએ. આજે સવારથી સોશિયલ મીડિયામાં એમના પર શ્રદ્ધાંજલિનો ધોધ વરસી રહ્યો છે. આપણા ગુજરાત સમાચારના કટાર લેખક જયભાઈ વસાવડાએ લખ્યું છે, ‘‘ગુજરાતીને તમે માતૃભાષા ગણો છો ને પોતાના વતન સ્પેન જાવ ત્યારે પરદેશ જાવ એમ કહો છો.’’ એવું સ્વ. ઉમાશંકર જોષીએ એમના માટે કહેલું ! આજે પોઝિટિવિટીનો ટ્રેન્ડ લેખનમાં છે. પણ એ વખતે ગુજરાત સમાચારમાં એમણે ‘ઘેર ઘેર સોનાના ચૂલા’ નામથી માટીવાળી કહેવત ઉલટાવીને કટાર લખેલી, સામાન્ય ગુજરાતીઓની હ્યુમન સ્ટોરીઝની. ઝેવિયર્સમાં ગણિત ભણાવતા હોવા છતાં એમણે ગુજરાતી વ્યાકરણનું અદભુત પુસ્તક લખેલું! પોતે બ્રહ્મચારી પાદરી પણ એમણે લખેલું ‘લગ્નસાગર’ પુસ્તક આજે ય હું નવદંપતીઓને ભેટમાં આપું એવું બેસ્ટસેલર છે. સરસ સંતુલિત ધરાવતા મીઠડા માનવી. એમના બીમાર માતા ખાતર ફરી સ્પેન ગયા ને પછી ત્યાં જ રહ્યા. એક ઉત્તમ જીવનદીપ વિલાયો. થોડુંક સમજણ ને માનવતાનું અજવાળું ઓછું થયું.’’
તુષાર શુક્લએ લખ્યું છે, ‘‘તમે સ્પેનથી અમદાવાદ આવ્યા ને અમારા થઇને રહ્યા. ને પાછા સ્પેન ગયા તોય અમદાવાદને ન ભૂલ્યા. તમે ફાધર વાલેસ ગુજરાતી તરીકે અમારી ભાષામાં જીવો છો ને જીવવાના.’’
ફાધર વાલેસને પણ ટીમ ચાબુક તરફથી શ્રદ્ધાંજલિ. પ્રભુ આપના આત્માને શાંતિ આપે. ગુજરાત આપનું કાયમી ઋણી રહેશે અને યાદ રાખશે કે સ્પેનનો એક માણસ ગુજરાતીમાં લખતો હતો.
માળખુ બદલી ગયું
હવે ચાબુક કંઈ લાંબી લપ કર્યા વિના ભાજપની જ વાત માંડીએ. આજે જિલ્લાઓના પ્રમુખોને બદલી દેવામાં આવ્યા છે. આવતીકાલે પરિણામ છે. અને પરિણામ પહેલા પૂર્વસંધ્યાએ પાટીલે પ્રમુખોની નવી પલટન બનાવી લીધી છે. આજે 39 પ્રમુખો જાહેર થયા. નીચે લિસ્ટ આપી છે એ જોઈ લેવી.

‘ગોવાબાપા પ્રમુખો બદલ્યા એની વાત કેમ આટલામાં પતાવી.’
એલા આજે ખેતરમાં રોઝડા ઘરી ગયેલા. ભગાડ્યા એમાં પીઠ દુખે છે. આટલું જ રાખું ને. આમા થોડી લાંબી લાંબી વાતો કરાય?
અમદાવાદમાં આ શું છે ?
અમદાવાદમાં લાલ દરવાજા પાસે કાલ જે ભીડના દૃશ્યો સર્જાયા એ કેટલાક માટે ભવિષ્યમાં કોરોનાના દૃશ્યો ન બને તો સારું. દિવાળી છે એની બધાને ખબર છે પણ આટલી ભીડ? હું તો કઉં ચાબુક આ લોકો ડરીને ભાગ્યા પણ નહીં કે આટલી ભીડ ઉમટી છે તો ખરીદી નથી કરવી. ભીડ તો જો. સામી છાતીએ ગયા અને ખરીદી કરવા લાગ્યા. આ કંઈ મેળો હતો ?

તને ખ્યાલ છે હવે ભારતમાં કોરોનાની બીજી લહેર શરૂ થવાની છે. જેની સામે લડવા સૌએ તૈયાર રહેવું પડશે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. ડોક્ટરોની પણ રજા કેન્સલ કરી દેવામાં આવી છે. અચાનક કેસનો રાફડો ન ફાટી જાય તેનું ધ્યાન રાખવું પડશે. અગાઉ જેવી મુર્ખામી ન કરવી. આ માટે દિવાળી પહેલા રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. એવી સંભાવના છે કે શિયાળાની શરૂઆત થતાં જ કેસની સંખ્યામાં વધારો થઈ શકે છે. જેથી હોસ્પિટલોમાં ડોક્ટરો પણ રાઉન્ડ ધ ક્લોક સારવાર માટે રહેશે. 500 કરતાં વધારે ડોક્ટર અમદાવાદ હોસ્પિટલમાં સારવાર માટે ખડેપગે રહેવાના છે. હવે ડોક્ટરોની મદદ આપણે માસ્ક પહેરીને અને નોખા રહીને કરવાની છે. અમદાવાદના જે ભીડના દ્રશ્યો તે જોયા એવું ન થવું જોઈએ.
સરકારને ટીમ ચાબુક તરફથી અભિનંદન
તને કદાચ ખ્યાલ નહીં હોય ચાબુક. ગટરમાં ઉતરી સાફ સફાઈ કરવામાં આવે આ માટે હોંગકોંગ જેવા દેશમાં કોઈ અવકાશયાત્રીના પહેરવેશ જેટલો ખર્ચો કરવામાં આવે છે, પણ ભારતમાં આ બાબતે હજુ પણ આંખ આંડા કાન કરવામાં આવી રહ્યા છે. મુંબઈ જેવા મહાનગરમાં તો હજુ કેટલાક કામદારો કોઈ પણ પ્રકારની સુરક્ષા વગર ગટરમાં ઉતરે છે. તને નહીં ખબર હોય. આ રીતે રોજ કામ કરવાથી આયુષ્યમાં ઘટાડો આવી જાય છે. હવે એક સારું કામ થવા જઈ રહ્યું છે. રોબોટીક મશીનોથી ગટરોની સાફ સફાઈ થશે. આ રોબોટની કિંમત ચાલીસ લાખ છે. આ સાચી દિશામાં કામ થયું કહેવાય ચાબુક. સરકારને આ માટે અભિનંદન. ખાલી ટીકા જ ન હોય. સારું કામ થાય તો વખાણવાના પણ હોય.