Homeગુર્જર નગરીસ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ગોવાબાપાની વાતો

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ગોવાબાપાની વાતો

ગોવાબાપા : કમોસમી ઋતુ તરીકે જેને ઓળખવામાં આવે છે તે ચૂંટણીની મોસમ આવી ગઈ છે ચાબુક. અને આ વખતની ચૂંટણીથી ખ્યાલ આવી જશે કે 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જનતાનો મૂડ કઈ તરફ છે. ગુજરાતના નાગરિકો હજુ ભાજપને જ સત્તા સ્થાને જોવા ઈચ્છે છે કે પછી નવી પાર્ટી પર તેમની આંખોમાં વસી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનો પગ જમાવી શકે છે કે કોંગ્રેસનો જીર્ણોદ્ધાર થાય છે.

ગત વિધાનસભાની 8 બેઠકો પરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો રીતસરનો સપાટો બોલી ગયો હતો, હવે એવું સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થાય છે કે નહીં. 2017ની વિધાનસભાની ચૂંટણી હતી ચાબુક એ વખતે કોંગ્રેસનો ગ્રામીણ અને સૌરાષ્ટ્ર બાજુ પગદંડો જામી ગયો હતો. આ વખતે ફરી એવું જોવા મળે છે કે નહીં એ પણ ગુજરાતના રાજકીય તખ્તામાં આપણને જોવા મળી જશે.

બીજી મહત્વની વાત તો એ છે ચાબુક કે 182 બેઠકોમાંથી 182 બેઠકો જીતવાનો આશાવાદ વ્યક્ત કરતા ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલની મહેનત અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એમનો દેખાવ કેવો છે. પેટા ચૂંટણીમાં તો તેમણે મિશન પાર પાડ્યું હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ તેઓ પાર્ટીને સારો દેખાવ કરાવી દે તો 182માંથી 182 સાચું પડતું હોય એવું લાગશે. રાજકીય વિવેચકો અને જનતા પણ માની જશે કે ભારતીય જનતા પાર્ટીને એક સફળ અધ્યક્ષ મળ્યા છે.

‘પણ હું શું કઉં ગોવાબાપા કોંગ્રેસ પણ મહેનત તો કરે જ છે.’

અરે ચાબુક. મહેનત તો સંધાય કરે. તલાટીમાં પાંચ વખત નાપાસ હોય એ પણ આ છેલ્લી વખત એમ કરીને મહેનત નથી કરતો? મને યાદ આવી જાય છે પુરુષોત્તમભાઈ રૂપાલાનું પ્રવચન. એમણે એક વખત કહેલું કે, નવી નવી ભારતીય જનતા પાર્ટી હતી ત્યારે ગામડામાં અમે પ્રવચન કરવા જતા તો માંડ બે લોકો હોય. કુલ ચાર, એમાં અમે બોલવાવાળા બે અને ઓલા સાંભળવાવાળા બે. ત્યાંથી અહીં સુધી પહોંચ્યા. એટલે ફળ મળે, પણ મોડા મળે એના સાટુ થઈ મહેનત થોડી છોડી દેવાની હોય.

કોંગ્રેસ હજુ પણ કેટલોક વિસ્તાર તો કવર કરી જ શકે છે ઉપરથી હુંય જયરાજસિંહ સહિતના કેટલાક નેતાઓના સોશિયલ મીડિયા એકાઊન્ટને ફોલો કરતા જોઉં છું કે જનતા એકઠી તો થાય છે. હવે બીજી વાતો કરીએ અને આડે પાટે ચડીએ એ પહેલા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ શું છે તેની માહિતી આપી દઈએ.  

મહાનગરપાલિકા

ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી આ વખતે કોરોનાના કારણે બે તબક્કામાં વહેંચવામાં આવશે. એક મહાનગરપાલિકાની થશે અને બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી થશે. 6 મહાનગરપાલિકાઓ અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, રાજકોટની ચૂંટણી. 21 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે અને બે દિવસ પછી એટલે કે 23 ફેબ્રુઆરીના રોજ મતગણતરી થશે અને પરિણામ તમારી સામે આવી જશે.

તારીખપ્રક્રિયા
1 ફેબ્રુઆરીજાહેરનામું પ્રસિદ્ધ કરાશે
6 ફેબ્રુઆરીઉમેદવારી પત્રો ભરી શકાશે
8 ફેબ્રુઆરીઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે
9 ફેબ્રુઆરીઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે
ફરી જરૂર પડે તો 22 ફેબ્રુઆરીના રોજ મતદાન.

જિલ્લા, તાલુકા અને નગરપાલિકાઓ

હવે સૌથી મોટી વિડંબણા જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની છે, કારણ કે ત્યાં સંખ્યા પણ અધિક છે. છૂટુ છવાયેલું છે. શક્ય છે કે કદાવર નેતાઓ પણ ત્યાં ખૂણા સુધી તો પ્રચાર ન કરી શકે એટલે કાર્યકરોએ પણ એડીચોટીનું જોર લગાવવાનું છે. 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાઓની મહિનાના એન્ડમાં 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ને પછી આજથી ત્રીજા મહિને એટલે કે 2 માર્ચના રોજ જીતેલા અને હારેલાઓની લિસ્ટ આપણી સામે આવી જશે. અર્થાત્ પરિણામ.

તારીખપ્રક્રિયા
8 ફેબ્રુઆરીજાહેરનામુ પ્રસિદ્ધ કરાશે.
13 ફેબ્રુઆરીઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ રહેશે.
15 ફેબ્રુઆરીઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે.
16 ફેબ્રુઆરીઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે.
28 ફેબ્રુઆરીમતદાન યોજાશે
ફરી જરૂર પડે તો 1 માર્ચના રોજ મતદાન.

ગોવાબાપાનો વ્યૂ

હું શું કઉં ચાબુક કે આઠમાંથી છ મહાનગરપાલિકાની ચૂંટણી સૌથી પહેલા છે. ઉપરથી તેનું પરિણામ પણ પહેલા છે. અહીં દરેક પાર્ટીને તેની મહેનત દેખાઈ જશે. ખબર પડી જશે કે શહેરી વિસ્તારોમાં કઈ પાર્ટીનો દબદબો છે. અને એવું જરૂરી નથી કે શહેરમાં દબદબો હોય તો તાલુકા ક્ષેત્રે પણ દબદબો કાયમ રહે. શક્ય છે કે શહેરમાં એક પાર્ટી અને તાલુકાઓમાં કોઈ અન્ય પાર્ટી આવી જાય. જેથી મહાનગરપાલિકાની ચૂંટણીની કેટલીક આફ્ટર ઈફેક્ટ તો રહેવાની જ છે. સૌથી મોટી વાત એ કે ભારતીય જનતા પાર્ટી કોઈ ચૂંટણી આવે તો વિકાસના કામો અને ઉદ્ધાટનો ખૂબ કરવા માંડે છે. આ વખતે જનતા એ વિકાસના કામો પર મતદાનની મહોર મારે છે કે નહીં એ જોવું જરૂરી થઈ પડશે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને હવે ત્રિવેણી કરવા જઈ રહેલી આમ આદમી પાર્ટી ત્રણેને પોતાના જોરની ખબર પડી જશે. 2022 પહેલા તેમને ખ્યાલ આવી જશે કે કયા વિસ્તારમાં જોર લગાવવાનું છે. જો કોઈ મોટું શહેર ભારતીય જનતા પાર્ટીથી મુખ વિમુખ કરી લે છે તો ત્યાં તેમણે વિકાસના કાર્યો કરવા મચી પડવાનું છે. લોકોના સવાલો સાંભળવાના છે. પાયાના સ્તરે કામ કરવાનું છે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ વિધાનસભા પહેલાની સેમિફાઈનલ ગણવામાં આવે છે.

કોઈ જગ્યાએ કોંગ્રેસ પાર્ટીનો દબદબો રહે છે તો તેમના માટે ફિનીક્સ પક્ષી જેવું થશે. જેને ચાબુક ગુજરાતીમાં દેવહુમા કહેવાય. રાખમાંથી બેઠા થવાનો વારો આવશે. જેથી કોંગ્રેસને પણ 8 પેટા ચૂંટણીની હાર બાદ જનતાએ સાવ મોઢું તો ફેરવી જ નથી લીધું તેની ખબર પડી જશે. અને ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિત્વ છે તેવું જનતાને જ નહીં પણ સત્તાધારી પક્ષને પણ લાગશે.

આમ આદમી પાર્ટી માટે હું શું કઉં છું ચાબુક કે એ નવી પાર્ટી છે. તેને હજુ દિલ્હીમાં જે સફળ કામ થાય એ અહીં ગુજરાતમાં દેખાડવા પડે છે, કારણ કે તક નથી મળી. જનતા એમને તક આપે છે કે નહીં એ પણ જોવાનું છે. જો આપે છે તો સમજવાનું કે જનતા દિલ્હી જેવું મોડલ ઈચ્છે છે. કેજરીવાલ પર તેમને ભરોસો છે. 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મોટો ઉલટફેર કરી શકે છે. જો જનતા તક નથી આપતી તો સમજવાનું કે ગુજરાતને દિલ્હી બનાવવું હજુ ઘણું દૂર છે…..

‘વાહ ગોવાલાલ મજા આવી ગઈ હો…’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments