Homeવિશેષકોલેજ કથા : ઘરડા થઈએ એ પહેલાં પરણી જઈએ

કોલેજ કથા : ઘરડા થઈએ એ પહેલાં પરણી જઈએ

આજથી ગણ આવનારી કાલને,
પાછલાં વરસોના સરવાળા ન કર!

વિજયનો સાઈલેન્ટમાં રહેલો ફોન ધ્રૂજી ઉઠ્યો. હજુ તો સવારની ઊંઘ પણ પૂરી નહોતી થઈ. દિવસભરના કામ ને રાતના ઉજાગરાને લઈ થાક શરીર પર કોઈ વળગાડની જેમ ચડી ગયો હતો. વાઈબ્રેટ ફોનને હાથમાં લઈ તેણે જોયું. અજાણ્યો નંબર હતો. એણે ફોન ઉપાડતા જ સામેથી ઘેઘૂર અવાજ આવ્યો, ‘વિજલા.’

‘કોણ ? મયંક મારફાડિયા?’

‘લે વરતી ગયો ?’

‘એલા તું! મારા નંબર કેમ મળ્યા ?’

‘હવે આ આવડી અમથી દુનિયા, કંઈ મને તારા નંબર શોધતા રોકી શકવાની હતી.’

‘તું હરામી છો. સૌથી મોટો હરામી. કામ વિના તો કોઈ દિવસ ફોન ન કરે. બોલ શું કામ પડ્યું ?’

‘કોમલ કાપડિયા.’

‘એ ભાઈ…. તું હજી એને ભૂલ્યો નથી. નોકરી ધંધો કરે છે કે નહીં ?’

‘હા માસ્તર થઈ ગયો છું. ટેટની પરીક્ષા માથાફોડ વાંચન કરીને પાસ કરી છે. તને શું કે હું હજુ ભીખારી જ રહેવાનો. મને કંઈ આવડશે જ નહીં. જીવનમાં હું ગિરનાર હોસ્ટેલના મિત્રો માટે ચા બનાવવા સિવાય કશું ઉકાળી નથી શકવાનો.’

‘એવું નથી. ચાલ બોલ કયા શહેરમાં છો? જલ્દી બોલ એટલે રજા મૂકીને આવું અને કોમલને તારી સાથે પરણાવી દઉં.’

રાજકોટનું સરનામું લખાયું. ફોન કપાયો. વિજય પથારીમાંથી સફાળો જાગી ગયો. હાથને પાછળ લઈ ગયો. ટચાકિયાં ફોડ્યા. મોબાઈલને નજીકમાં આવેલા ટેબલ પર મૂકી દંડ પીલવા માટે નીચે નમ્યો અને તેના વિચારો પર એક પ્રેમ કહાની સવાર થઈ ગઈ. આ વાર્તા હતી મંયક નામના છોકરાની જે કોમલ નામની કામણગારીનો માણીગર બનવા ધમપછાડા મારતો હતો.

તેની આંખો સામે સમાજશાસ્ત્ર ભવન આવી ગયું. એક ફૂટડી છોકરી અને તેની પાછળ રમેશ પારેખની કવિતાની જેમ ગાંડા થયેલા છોકરાઓનું ટોળું.

છોકરીઓની હોસ્ટેલમાં આમ તો ભીડ ન રહેતી પણ જ્યારથી કોમલની એન્ટ્રી થઈ હતી ત્યારથી કોલેજીયનો તો ઠીક બીજી કોલેજના છોકરાઓ પણ બ્રહ્માએ ઘડેલા આ અનમોલ રત્નને જોવા બેબાકળા થયા હતા. તેની એક ઝલક લવરિયાઓ માટે મોર્નિંગ મ્યુસિંગ બરાબર હતી. તેના કમરના ઝટકાની પાછળ કંઈ કેટલાય જુવાનિયાઓ ઘાયલ થઈ જતા. એના ઉડતા વાળ છોકરાઓને કવિ બનવા મજબૂર કરતા હતા. એ નજીકમાંથી પસાર થતી તો સ્પ્લેન્ડરના એન્જીન જેવા હ્રદયમાં જાણે બુલેટનું એન્જીન ન ફીટ થઈ ગયું હોય! એમ ધકધકવા લાગતા. જાણે ઈન્દ્રના દરબારનો રૂપનો કટકો ભૂલથી ધરતી પર ઉતરી આવ્યો હોય.

કાઠિયાવાડના જમજીરના ધોધ જેવી છોકરી. જે નીકળતી તો કંઈ કેટલાયને ડૂબાડીને ચાલી જતી, પણ આજ સુધી કોઈનું જીવન તાર્યું ન હતું. છોકરાઓની હોસ્ટેલમાં તો વાતો થવા લાગેલી કે કોમલની સાથે ભણતા છોકરાઓ નપુંસક જ કહેવાય. જે ભવનના છોકરાઓ સાથે નહાવા નીચોવાના સંબંધ નહોતા એ પણ સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ સાથે મિત્રતા કેળવતા થઈ ગયેલા અને પછી બીજા દિવસે સુંદરતાના એન્જલ ધોધને નીરખવા માટે સમાજશાસ્ત્ર ભવનમાં ભેગા થતા.

કોઈ ચશ્મા પહેરી તેનું ધ્યાન ન હોય એમ કોમલની કમનિયતાને જોતું રહેતું. કોઈ તેના પર્વતની જેમ ઉપસી આવેલા બે સ્તનને મનચક્ષુ દ્વારા અનાવૃત કરી નાખતું. એ ખીણમાં ડૂબવાની તો હવસભરી કંઈ કેટલાય નબીરાઓની ઈચ્છા હતી, પણ ગિરીશૃંગની નજીક જતા પડી જવાનો ભય સતાવવા લાગતો. શરીરમાંથી લખલખુ પસાર થઈ જતું. લોહી ગંઠાવા લાગતું, હ્રદયની હાલત શિકારની પાછળ લાંબું દોડેલા ચિત્તા જેવી થઈ જતી. જેના હાથમાં છેવટે હાંફવા સિવાય કંઈ ન આવ્યું હોય. આ તો વળી છોકરી કે નવલકથા?  

મયંક મારફાડિયા પણ કોમલનો દિવાનો હતો. તેની સાથે કુટુંબનું સમાજશાસ્ત્ર તેણે પણ ઘડી રાખ્યું હતું. હોશિયાર હતો અને તેની સાથે જ ભણતો એટલે પ્રેમમાં અનામતનો લાભ તેને વગર મહેનતે મળી ગયેલ.

રાતે હોસ્ટેલમાં મયંક પાસે ફિઝિક્સથી લઈને બાયોલોજીના પ્રેમના દર્દીઓ આવતા અને વાતવાતમાં કોમલને જોઈતા અસાઈમેન્ટની સાથે તેનો લવલેટર મૂકી દેવાની વાત કરતા. ક્ષણિક તો મયંકને ધારદાર ચાકુથી તેમનો શિરચ્છેદ કરી દેવાનું મન થતું પણ પછી તે પોતાના દુર્વાસા જેવા ક્રોધ પર કાબુ રાખતો. જનતાની ભલામણોને મયંક નામની સરકાર અવગણતી.

હોસ્ટેલમાં વાતો થતી, ‘કોમલ જો આના ક્લાસમાં ન હોય તો મયંકનું યુનિવર્સિટીનો કૂતરો પણ ભાવ ન પૂછે.’

મયંકે આ બધી વાત હોસ્ટેલના રૂમ પાર્ટનર વિજયને કહી. એક વિજય જ હતો જેને સૌંદર્યની આ મૂર્તિમાં રસ ન હતો. ખબર નહીં કઈ માટીનો બનેલો હતો કે કોમલની કમરનો કમનીય ઝટકો પણ તેની અંદરના પૌરુષત્વને હલબલાવી નહોતો શકતો. કદાચ તેને તેની પ્રેમિકા પ્રિયાંશીમાં જ અગણિત કોમલના દર્શન થઈ જતા હશે!

વિજયે હોસ્ટેલના રૂમમાં માચોના અંડર વિયરને ટાંગતા વાત મૂકી, ‘તને કોમલી ગમતી હોય તો વાત કર.’

‘ના, ક્યાં એ ને ક્યાં હું?’

‘વાત તુલનાની નથી. તુલનાની જ વાત હોત તો રાધા ગોરી હતી અને કૃષ્ણ કાળો હતો. હિન્દી ફિલ્મોમાં નથી જોતો કેવી રીતે ગરીબ મિથુન ચક્રવર્તી અમીર ટીના મૂનીમની સાથે લગ્ન કરે છે. અરે કંઈ નહીં તો સૂર્યવંશમનાં ભંગાર હીરા ઠાકુર પાસેથી તો કંઈ શીખી લે.’

‘હીરા ઠાકુરની બેક સ્ટોરી હતી. જે હ્રદયનાં તારને ઝણઝણાવી નાખે અને કોઈ પણ છોકરીને તેની વાર્તા પ્રેમમાં પાડી દે. ઉપરથી એ ફિલ્મ છે એ ન ભૂલતો.’ ને પછી બંને હસવા લાગ્યા.

‘વાત હું કથાની નથી કરતો. કેટલીય વાર તે કોમલીની મદદ કરી છે. એ પણ કોઈ અપેક્ષા વગર. તારા અસાઈમેન્ટ તેને લખવા આપ્યા છે. સેમિનારમાં તેને શું બોલવું આ પણ બે વખત અહીં રાત ઉજાગરા કરીને લખતો હતો એ મેં મારી સગ્ગી આંખે જોયું છે. સ્વર તેનો હતો પણ શબ્દો તારા હતા. મને ખબર તેનું સારું લખવામાં તારો સેમિનાર નંદવાય ગયેલો.’

‘આગળ વધવા આટલું જરૂરી છે?’

‘આટલું જરૂરી છે? અરે સાહેબ ચાલશે. તું એક વખત રતિદેવી સામે પ્રસ્તાવ તો મૂક. પછી જોઈએ.’

બીજા દિવસે કોમલને આપવાના અસાઈમેન્ટમાં મયંકે પ્રેમપત્ર મૂકી દીધો. લાગણીનો ધોધ એમાં હતો, પણ સામેનું પાત્ર તેની ભાવનાઓને ન સમજે તો એ જ લાગણીનો ધોધ તેના માટે સમુદ્રમંથનમાંથી નીકળેલું હળાહળ વિષ બની જાય તેમ હતું.

કોમલ તેની સામે આવી. તેણે મૃદુ સ્વરથી અસાઈમેન્ટ માગ્યું અને મયંકે ડરતા ડરતા આપી દીધું. એ આખી રાત હોસ્ટેલમાં ઉચાટ અને વિજયના ઘોરાડવાના અવાજ સાથે વીતી. બીજા દિવસે કોમલ તેની પાસે આવી અને કંઈ કહ્યા વિના અસાઈમેન્ટ તેના હાથમાં આપી દીધું. મયંક કંઈ બોલ્યો નહીં.

વર્ષનો ભણવાનો છેલ્લો દિવસ હતો. હવે પરીક્ષા અને પછી છૂટા. હોસ્ટેલે જઈ વિજયની હાજરીમાં તેણે અસાઈમેન્ટ ખોલ્યું પણ પત્ર એમનો એમ જ હતો. જાણે કોઈએ ખોલ્યો જ ન હોય. જાણે એને પહેલાથી જ ખબર પડી ગઈ હોય કે મયંક હવે ભમરો બનવાની તૈયારીમાં છે.

વિજય તાડુક્યો, ‘અરે એ છોરી એના મનમાં સમજે છે શું ? હમણાં ગર્લ્સ હોસ્ટેલે જઈને… મારા ભાઈનો પત્ર.’

મયંકે તેનું મોઢું બંધ કરી માંડ માંડ રોક્યો. રૂમનો દરવાજો બંધ કરી દીધો. બીજા વિદ્યાર્થીઓ પણ વિજયની આ રાડારાડી સાંભળી રૂમની બહાર નીકળી ગયા હતા. કોમલની આ ક્રિયાથી પેપર તપાસ્યા વિના નાપાસ કરવામાં આવે ત્યારે વિદ્યાર્થીની કેવી માનસિકતા હોય તેનો મયંકને ખ્યાલ આવી ગયો.

ભણવાનું પૂરું થયું અને આજે ચાર વર્ષ પછી મયંકનો ફોન આવ્યો. રાજકોટની એક હોટલમાં બેઉં મિત્રો ભેગા થયા. એકબીજાને ભેટીને જૂની દોસ્તી યાદ કરી લીધી અને જીભને આડે પાટે ચડાવવાની જગ્યાએ સીધા જ કોમલ નામની મિથુન રાશિની કન્યા પર આવી ગયા. આજે વાત ભવિષ્યની નહીં પણ ભૂતકાળની કરવાની હતી. આટલા વર્ષે મયંકના મગજમાં એ પત્ર ફરી આવી ધમક્યો હતો.

‘પતો લગાવ્યો.’

‘અહીં સરકારી સ્કૂલમાં મારી જેમ માસ્તરાણી છે.’

‘વાત કરી કે તું અને હું આવીએ છીએ.’

‘ના.’

‘એના લગ્ન થઈ ગયા?’

‘ખબર નથી.’

‘કંઈક એવું છે સાહેબ જેની તેને પણ ખબર હોય અને તમને પણ?’

‘હા, સ્કૂલ છૂટવાનો સમય હમણાં જ થશે તું ચાલ.’ બાર વાગ્યે રાજકોટના ગીચ વિસ્તારમાં વિજય અને મયંક પહોંચી ગયા. બરાબર શાળાની સામે. છોકરાઓ છૂટ્યા અને અડધી કલાક પછી કોમલ આવી. સાડીમાં તે પહેલાં કરતાં પણ વધારે સુંદર લાગતી હતી. તેની નાભી બહાર ડોકાય રહી હતી. આ વખતે મયંકની સાથે વિજય પણ આપો ખોઈ બેઠો. તે નજીકમાંથી નીકળી અને મયંક મૂંગો થઈ ગયો. તેના ભાગનું કામ વિજયે કરવું પડ્યું, ‘કોમલ.’

તે પાછું ફરી અને અજાણી બનીને પૂછ્યું, ‘કોણ?’

‘ઓળખી નહીં યાર વિજય અને મયંક!! તારી સાથે ભણતા હતા. સમાજશાસ્ત્રમાં.’

‘ઓહ તમે બેઉ. કેટલા બદલાય ગયા છો. ક્યાં છો ? શું કરો છો ? અરે બાપા પહેલા ચાલો અહીં નજીક હોટલ છે ત્યાં ચા પીવડાવું. ચાલો કોઈ તો આટલા વર્ષે કોલેજનું મળ્યું.’

કોમલની પાછળ પાછળ વિજય અને મયંક ચાલી નીકળ્યા. મયંકને તો શિયાળામાં પરસેવો વળી ગયો હતો. હોટલમાં બેઠા અને અલક મલકની વાતો થઈ.

મયંકે થોથવાતી જીભે પૂછ્યું, ‘તને ખબર છે કોમલ, મેં તને છેલ્લે અસાઈમેન્ટ આપ્યું હતું.’

‘અત્યારે તમે એ વાતો કરવા આવ્યા છો? હવે ભણતર પૂરું થયાના ચાર વર્ષ પછી અસાઈમેન્ટ ?’

‘એ છેલ્લા અસાઈમેન્ટમાં એક પ્રેમપત્ર હતો કોમલ અને તે તે વાંચ્યો હતો કે નહીં? બસ જવાબ આપી દે અમે નીકળીએ.’ વિજયે ફટાફટ શબ્દો બાંધી ઓકી નાખ્યું. મયંક પગથી ધૂળ પર ચંપલ ઘસવા લાગ્યો અને કંઈક આવી જ હાલત કોમલની પણ હતી.

‘મયંક તું અને મને પ્રેમપત્ર લખે, હું માની નથી શકતી.’

‘સુંદરતાની મૂર્તિ એ તારા પર કોલેજમાં કેટલો મરતો હતો અને તું કહે છો માની ન શકે.’

‘મારા પર તો તમને ખબરને…’

‘હા, તારા કારણે જ ગર્લ્સ હોસ્ટેલની બહાર એક ચાની કિટલી નખાઈ ગઈ હતી. હરતી ફરતી અર્થવ્યવસ્થા.’ વિજયે તેની સુંદરતા પર કટાક્ષ કર્યો.

મયંક ત્યાંથી ઊભો થયો, ‘વિજય હું નીકળું છું.’ કોમલ સ્થિતપ્રજ્ઞ રહી. વિજય રાડો પાડવા લાગ્યો. એવી જ જેવી તેણે હોસ્ટેલમાં પાડી હતી. પણ મયંક ઊભો ન રહ્યો.

બીજા દિવસે મયંકના મોબાઈલની સ્ક્રિન પર એક અજાણ્યો નંબર દેખાયો. ફોન ઉપાડી તેણે પૂછ્યું, ‘કોણ?’

‘ફોન મૂકતો નહીં.’ સામેની બાજુ કોમલ હતી, ‘વિજય પાસેથી તારો નંબર લીધો. તારું અસાઈમેન્ટ મેં ખોલ્યું જ ન હતું, કારણ કે હોસ્ટેલની રૂમમેટ બજારમાંથી ચોપડી લઈ આવેલી. હવે તારામાંથી કેટલીક મફતની ઉઠાંતરી કરેત.’

‘બસ આ કહેવા જ ફોન કર્યો હતો?’

‘ના. પત્ર જો એ વખતે હાથમાં આવ્યો હોત તો ક્યારના લગ્ન થઈ ગયા હોત.’

‘એટલે ?’

‘એ ન વંચાયેલા પત્રનો જવાબ અત્યારે આપું છું. ચાલ ઘરડા થઈએ એ પહેલા પરણી જઈએ.’

(શિર્ષક પંક્તિ – ખલીલ ધનતેજવી)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments