ગોવાબાપા : ‘મને નહોતી ખબર હો ચાબુક ઉધઈને હવે પુસ્તકો સાથે પ્રેમ નથી…’
‘કેમ શું થયું ?’
શું કઉં ? વડોદરાની આ ઘટના છે. ઉધઈએ ધરાઈને પૈસા ખાધા છે. એને હવે પુસ્તકો નથી ગમતા. ગ્રંથાલયની જગ્યાએ બેંકના લોકરમાં જઈ પહોંચી છે. વાત એવી છે ચાબુક કે વડોદરા શહેરમાં બેંક ઓફ બરોડાની પ્રતાપનગર ખાતે શાખા આવેલી છે. આ શાખામાં ઉધઈએ પોતાનો પ્રતાપ બતાવ્યો. 2.20 લાખ રૂપિયા અડધે અડધા ખાઈ ગઈ. એકેય નોટ વાપરવા જેવી ન રેવા દીધી. આ બેંકમાં હાનાબેન કુતુબુદ્દીન ડેસરવાલાએ લોકર નંબર-252માં 2.20 લાખ રૂપિયા મૂકેલા હતા. એમને પૈસાની જરૂર પડી તો ગયા બિચારા પ્રતાપનગરની શાખાએ રૂપિયા ઉપાડવા. લોકર નંબર 252 જેવું ઉઘાઈડુ એ ભેગા તો એમની આંખો મોટી થઈ ગઈ, કારણ કે ઉધઈએ એકેય રુપિયા ખર્ચવા જેવા રહેવા નહોતા દીધા. જાણે પ્રાચીનકાળની મુદ્રા હોય એવી હાલત કરી દીધી હતી. આના કરતાં તો ડાયનાસોરના ઈંડાનાં અવશેષો સારી હાલતમાં મળે. હવે બેંક ઓફ બરોડા ઉપર સવાલ ઊભા થયા હશે. આ સમાચાર સામે આવ્યા પછી સંધાય એના લોકર જોવા માટે દોડતા તો થયા જ હશે ચાબુક, કે આપણા રુપિયા સબ સલામત છે કે ઉધઈના પેટમાં છે.
ચાલો ભાજપ જઈએ!
એ ચાબુક આ બંગાળમાં તો શું થવા જઈ રહ્યું છે.
‘ચૂંટણી?’
ચૂંટણી પહેલા મમતાના કદાવર નેતાઓ રહે તો સારું છે, કારણ કે એક પછી એક વિકેટો ખરવા માંડી છે. એમાં મોટી વિકેટનું નામ છે મમતા બેનર્જીની સરકારમાં રહેલા કેબિનેટ મંત્રી રાજીવ બેનર્જી. એમણે પશ્ચિમ બંગાળની જનતાનો આભાર માન્યો અને પત્ર લખી રાજીનામું આપી દીધું. રાજ્યપાલ જગદીપ ધનખડેને રાજીનામું આપી દેતા જ્યાં જુઓ ત્યાં ચર્ચા થઈ રહી છે. આ પહેલા યુવા અને ખેલ વિભાગના મંત્રી લક્ષ્મી રત્ન શુક્લા, તો એમણેય રાજીનામું આપી દીધું હતું. એટલે હું શું કઉં ચાબુક કે ભાજપને ખબર છે કે કોણ કોણ મોટા નેતા છે જેના બળથી મમતા બેનર્જી ચૂંટણી જીતી શકે છે અને ભાજપ એનેજ ઉપાડી રહી છે. હવે 10 ધારાસભ્ય જેમણે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી છે એમાંથી 5 તો તૃણમૂલ કોંગ્રેસના જ છે. હવે જે જે નેતાઓ તૃણમૂલમાંથી વિદાય લેતા હોય તે બીજે ક્યાં જતા હોય ? હું તો ચાબુક સાચુ જ કઉં છું ને ?
આર.આર.સેલ ખતમ
હવે ચાબુક આ કાલ સવારે કોઈને પરીક્ષામાં પૂછાય જાય તો ? એટલે આર.આર.સેલ એટલે આખું નામ થયું રેપિડ રિસ્પોન્સ સેલ. આ સેલ કેશુભાઈના વખતે શરૂ થયો હતો અને હવે રૂપાણી સાહેબના વખતે 25 વર્ષ પછી બંધ થઈ ગયો છે. હવે આ બંધ થાય તો શું થાય એ તને કઉં. હવે આઈજી સીધી રેડ કરી શકે અને ડીએસપીને સૂચના પણ આપી શકે. એટલે વચ્ચે જે આર.આર.સેલનું હતું એ તો નીકળી ગયું. આર.આર.સેલનો પણ મોટો વિવાદ સામે આવ્યો હતો. સારા કામ પણ થયા અને ખરાબ કામ પણ થયા. એમાંય આર.આર.સેલનો માણસ 50 લાખના તોડપાણી કરતા પકડાણો એમાં પછી હવે કંઈક એક્શન તો લેવા પડે.
કોંગ્રેસની વાતો
ભાજપ આવ્યા પછી ચાબુક હાસ્યામાં ધડ દેખાની ધકેલાય ગયેલી પાર્ટી એટલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી જેને અંગ્રેજીમાં કહેવાય ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ. એની આજે સીડબલ્યુસી એટલે કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક હતી. એના મહાસચિવ કેસી વેણુગોપાલે મે મહિનામાં સંગઠનમાં ચૂંટણી કરવાની રજૂઆત કરી. જોકે કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યોએ પાંચ પ્રદેશોના વિધાનસભાની ચૂંટણીના કારણે આ કાર્યક્રમમાં થોડા ફેરફાર કર્યા છે.
આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચાબુક એમની બેઠક થઈ હતી. ન્યાંથી ખાલી એટલી માહિતી મળે છે કે જૂન 2021માં કોંગ્રેસના નવ નિર્વાચિત અધ્યક્ષ કોઈ બનશે. સાફ છે કે તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ, અસમ અને પોંડીચેરી આમ પાંચ પાંચ રાજ્યોની ચૂંટણી આવે છે. પહેલા એમાં ધ્યાન દેવા માટે હવે મે મહિના પછી જ ચૂંટણી થાશે અને નવો અધ્યક્ષ મળશે.
એલા ચીણીયાવ
ઘણાય કેતા’તા કે માંડ ખુરશી ઉપર સરખા બેઠા છીએને તો ચીણવાળા હમણાં ધ્રૂજાવી દેશે. અને હવે કંઈક આવું જ થ્યું છે ચાબુક. ચીનમાં નવા આફ્રિકન સ્વાઈન ફ્લુની ઓળખ થઈ છે. જેની પાછળનું કારણ સાવ કાઢી નાખેલી એટલે કે નબળી ગુણવત્તાની વેક્સિનને માનવામાં આવે છે. આફ્રિકન સ્વાઇન ફ્લૂના બે નવા સ્ટ્રેન આવ્યા જેણે એક હજારથી વધારે ડુક્કરોને સંક્રમિત કરી દીધા. અટાણે તો આ સંધાય ડુક્કર ન્યૂ હોપ લિઉહે કંપનીના ફાર્મમાં પાળવામાં આવી રહ્યા છે. હવે ડુક્કરમાંથી આ વાઈરસ માણહમાં આવે ત્યારે આપણા શરીરમાં કેવા ઉલટફેર થાય એ તો સમય જ બતાવશે.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ