Homeવિશેષસિંહાસન બત્રીસી : રવિભામાની વિક્રમાદિત્યની પરીક્ષાની વાર્તા

સિંહાસન બત્રીસી : રવિભામાની વિક્રમાદિત્યની પરીક્ષાની વાર્તા

Team Chabuk : પાંચમી પછી છઠ્ઠી પુતળી રવિભામા રાજાભોજની સામે આવી અને તેણે તેને વાર્તા કહેવાની શરૂઆત કરી.

એક દિવસની વાત છે. મહારાજા વીર વિક્રમાદિત્ય નદીના તટ પર બનેલા સુંદર મહેલના પ્રાકૃતિક સૌંદર્યને નિહાળી રહ્યા હતા. અષાઢનો મહિનો હતો. કોઈવાર વાછટ આવતી હતી તો કોઈ વાર ધોધમાર વરસાદ મહેલની આસપાસના કુદરતી સૌંદર્યને ભીંજાવી જતો હતો. તોતિંગ વૃક્ષો પણ સાંબેલાધાર વરસાદની થપાટથી ડગમગી જતા હતા. ભારે વરસાદના કારણે નદીમાં પણ પૂર આવ્યું હતું. નદી ખૂબ જ ઝડપથી વહી રહી હતી અને જંગલમાંથી લાકડાઓ સહિતની વસ્તુઓ તાણીને લાવી રહી હતી. વિક્રમાદિત્ય પણ આ બધુ નીહાળી રહ્યા હતા. એવામાં તેમની નજર એક પુરુષ, એક સ્ત્રી અને તેના બાળક પર પડી. તેમનો ચહેરો પીળો પડી ગયો હતો અને વસ્ત્રો જીર્ણશીર્ણ થઈ ગયા હતા.

નદીની બાજુમાં ત્રણે આવ્યા અને છલાંગ લગાવી દીધી. નદીમાં પડતા પછી રહેવાયું નહીં. પોતાના પ્રાણોની રક્ષા માટે તેઓ રાડારાડી કરવા લાગ્યા. વિક્રમાદિત્યએ આ બધું આંખો સામે જોયું હતું. જનતાની રક્ષા કરવી એ રાજાની પહેલી ફરજ છે. વિક્રમાદિત્ય પણ નદીમાં કૂદી પડ્યો. એકલા તો કેવી રીતે ત્રણને બચાવી શકાય. વિક્રમે તુરંત જ વેતાલનું સ્મરણ કર્યું. બંને વેતાલે સ્ત્રી અને બાળકને જ્યારે વિક્રમાદિત્યએ પુરુષને બચાવી લીધો. તટ પર પહોંચતા જ વિક્રમે તેમને આત્મહત્યા કરવા પાછળનું કારણ પૂછ્યું. કારણ પૂછતા સમયે વિક્રમાદિત્ય ખૂબ જ ક્રોધિત હતો.

પુરુષે રડતા રડતા કારણ જણાવ્યું, ‘મહારાજ હું તમારા જ રાજ્યનો નિર્ધન બ્રાહ્મણ છું. હું મારી ગરીબીથી અત્યંત તંગ આવી ગયો છું. અમારી પાસે ભોજન કરવા માટે કંઈ નથી. મારી પત્ની અને બાળકને રોજ ધીમે ધીમે ભોજન વિના મરતો હું નથી જોઈ શકતો. હવે તો આત્મહત્યા સિવાય મારી પાસે કોઈ પણ રસ્તો નહોતો બચ્યો એટલે આ નદીમાં ઝંપ લાવી દીધું. આ રાજ્યના લોકો એટલા આત્મનિર્ભર છે કે તમામ કામ ખૂદ જ કરે છે કોઈ રોજગાર નથી આપતું.’

રાજા વિક્રમ પણ વિચારમાં ડૂબી ગયા. ત્રણેને કહ્યું, ‘તમને મન થાય ત્યાં સુધી પરિવાર સહિત મારી અતિથિશાળામાં વિશ્રામ કરો. ત્યાં તમારી દરેક જરૂરિયાત પૂર્ણ કરવામાં આવશે.’

બ્રાહ્મણે મહારાજાને કહ્યું, ‘રહેવામાં તો કોઈ વાંધો નથી. પણ થોડા સમય પછી આતિથ્યમાં ઉણપ આવવા લાગશે. પહેલા જેવી મહેમાન નવાજી નહીં થાય. અમારી મહેમાનગતિ કરનારાઓ પણ અમે માથે પડ્યા છીએ એમ વિચારી કંટાળશે અને ત્યાંથી પણ અમારે અપમાનિત થઈને નીકળી જવું પડશે.’

વિક્રમે તેને વિશ્વાસ અપાવ્યો, ‘ના બ્રાહ્મણ આવું કંઈ નહીં થાય. અતિથિ તો ભગવાનનું જ રૂપ છે. તને ભગવાન સમજવામાં આવશે. તારી સાથે હંમેશાં સારું વર્તન કરવામાં આવશે. તારી તમામ ઈચ્છાઓ-આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં આવશે. આતિથ્યમાં કોઈ પણ જાતની ઉણપ નહીં રહે કે તારી ઉપેક્ષા પણ નહીં કરવામાં આવે.’

વિક્રમાદિત્યએ વિશ્વાસ અપાવતા બ્રાહ્મણ પરિવાર ખુશ થઈ ગયો. એ અતિથિશાળામાં રહેવા લાગ્યા. તેમની સાર સંભાળમાં કોઈ જાતની ઓટ ન આવે આ માટે નોકર ચાકર નિયુક્ત કરી દેવામાં આવ્યા. તેઓ ખુશી ખુશી રહેતા હતા. ભાવતા ભોજન ગ્રહણ કરતા હતા. મલમલના ગાદલામાં આરામથી સુતા હતા. કોઈ ચીજની તેમને કમી નહોતી. એક વાતની કમી હતી. અને તે પણ બ્રાહ્મણ તરફથી હતી. એ સફાઈમાં ધ્યાન નહોતા આપતા. ગંદા જ રહેતા હતા. એક બે દિવસ તો હોય, પણ નિત્ય આવું રહેવા લાગતા તેમની નજીક જતા પણ દુર્ગંધ આવવા લાગી હતી. જે વસ્ત્રો ધારણ કરતા હતા તેમને પહેરીને રાખે તો ઉતારતા જ નહીં. જ્યાં ઉંઘતા ત્યાં જ થૂંકતા હતા. મળ મુત્રનો ત્યાગ પણ અતિથિશાળામાં જ કરી દેતા હતા. સમય વિતતા તો ગંદકીના થર જામી ગયા.

દુર્ગંધના કારણે એ જગ્યા એવી બની ગઈ હતી કે ત્યાં ક્ષણિક પણ રહેવાય નહીં. નોકર ચાકરને પણ આ ગંદકીની નજીક આવવાનું પસંદ નહોતું. તેઓ પણ વાત કરવા લાગ્યા હતા કે આવું ક્યાં સુધી ચાલશે ?

એક નોકરે બીજા નોકરને કહ્યું, ‘અતિથિશાળામાં અતિથિઓની સાર સંભાળ રાખવાથી આપણે પાછા નહીં હટીએ, પણ ગંદકીનું શું કરવું ?’

બીજા નોકરે કહ્યું, ‘આ તો પાણી માથા પરથી પસાર થઈ રહ્યું છે. એ સ્વચ્છ અને સુઘડ થઈને રહે તો પણ તેના આતિથ્યમાં કોઈ ઓછપ આપણે આવવા ન દઈએ.’

પહેલા નોકરે કહ્યું, ‘હવે રાજાને આપણા પર ક્રોધિત થવું હોય તો ભલે થાય. આપણે આ ગંદી અતિથિશાળામાં પગ નહીં મુકીએ.’

એ તો ભાગી ગયા. રાજાએ તેમની ચિંતા ન કરી. તેમના પર ક્રોધિત પણ ન થયા. અન્ય નોકરોને અતિથિશાળામાં મોકલી દેવામાં આવ્યા જેથી તે બ્રાહ્મણ પરિવારનું આતિથ્ય કરી શકે. એક પછી એક નોકર જતા અને પ્રથમ બે નોકરોની જેમ જ ચર્ચા કરી પરત આવી જતા હતા. તેમના માટે કાર્ય કરવું અસંભવ હતું. તેમણે મહારાજા વિક્રમાદિત્યને પણ અન્ય સેવા આપવા માટેનું કહ્યું પણ બ્રાહ્મણ પરિવારની સુશ્રુશા નહિ.

અંતે રાજાને જ આગળ આવવું પડ્યું. તે ખૂદ ચાકર બન્યો અને બ્રાહ્મણ પરિવારની સેવામાં લાગી ગયો. ઉઠતા જાગતા એ બ્રાહ્મણ પરિવારની તમામ ઈચ્છાઓ પૂરી કરતા હતા. દુર્ગંધના કારણે અતિથિશાળામાં માથું ફાટી જાય પણ વિક્રમાદિત્ય ખરાબ વ્યવહાર કર્યા વિના તેમની સેવા કરતા રહેતા હતા. તેમના પગ દબાવતા હતા.

બ્રાહ્મણ પરિવારે પણ એવી એક એક વસ્તુઓ અતિથિશાળામાં કરી કે વિક્રમ ક્રોધિત થાય. તેમની સાથે અભદ્ર વ્યવહાર કરે. તેમને અતિથિશાળામાંથી બહાર ખદેડી દે, પણ વિક્રમના ચહેરા પર તો ક્રોધ, ચિંતા કે દુ:ખનો એક પણ ભાવ પ્રતિત નહોતો થતો. તેમનો એક એક પ્રયત્ન અસફળ સાબિત થયો.

બ્રાહ્મણને થયું હવે મારે રાજાની અત્યંત કષ્ટદાયી પરીક્ષા લેવી જોઈએ. રાજા વિક્રમાદિત્ય અતિથિશાળામાં આવતા જ તેણે કહ્યું, ‘હે રાજા, તું મારા શરીરમાં જામેલો મેલ સાફ કરી દે, મને સ્નાન કરાવ અને મને નવા વસ્ત્રો પહેરાવ.’

વિક્રમે તુરંત તેમની આજ્ઞા માની લીધી. જાણે તે રાજા નહીં નોકર હોય. તેના શરીર પર જામેલો મેલ હટાવવા લાગ્યો. ને એવામાં ચમત્કાર થયો. બ્રાહ્મણના તમામ ગંદા વસ્ત્રો ગાયબ થઈ ગયા. તેના શરીર પર દેવતાઓના આભુષણ આવી ગયા. તેમના ચહેરા પર પ્રકાશ દૈદિપ્યમાન થવા લાગ્યો. તમામ ગંદકી દૂર થઈ ગઈ અને સુગંધ ફેલાવા લાગી.

વિક્રમ તો આશ્ચર્યચકિત્ત હતો. એ દેવ બોલ્યા, ‘વિર રાજા વિક્રમાદિત્ય. હું વરુણ છું. મેં તારી પરીક્ષા લેવા માટે આ રૂપ ધારણ કર્યું હતું. તારા અતિથિ સત્કારની વાતો તો દેવલોકમાં ખૂબ સાંભળી હતી. એ સાંભળ્યા પછી તારી પરીક્ષા લેવાનું મન થયું. પણ અમે જેવી તારી પ્રશસ્તિ સાંભળી હતી એવું જ નીકળ્યું.’

વરૂણ દેવે વિક્રમાદિત્યને વરદાન આપ્યું કે તારા રાજ્યમાં કોઈ દિવસ અનાવૃષ્ટિ નહીં થાય. અહીંની જમીનમાંથી પણ પ્રાપ્ત થવાનું હશે તેનાથી પણ અધિક ધાન નીકળશે. વિક્રમને વરદાન આપી વરૂણદેવ અન્તર્ધાન થઈ ગયા.

(ક્રમશ:)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments