Homeગુર્જર નગરીજો કોઈ સાબિત કરી આપે કે આ યોજનાથી ફાયદો નથી થયો તો...

જો કોઈ સાબિત કરી આપે કે આ યોજનાથી ફાયદો નથી થયો તો નીતિનભાઈ રાજીનામું આપી દેશે

ગોવાબાપાઃ ચાબુક આજે 22 માર્ચ એટલે વિશ્વ જળ દિવસ. પાણી માનવ જીવનની મહત્વની જરૂરિયાત છે. એમ કહીએ તો ચાલે કે સવારે ઉઠતાંવેતથી લઈને રાત્રે સૂઈએ ત્યાં સુધી ડગલે પગલે પાણીની જરૂર પડે છે. ત્યારે આજેય પણ ગુજરાતમાં કેટલાક ગામડા એવા છે જ્યાં પાણી પહોંચતું નથી. સરકારે કહ્યું છે કે દરેક ઘરે નળ હોવા જોઈએ. પરંતુ રાજ્યના 3507 ગામ એવા છે જ્યાં પાણી પુરવઠા યોજના પહોંચી નથી. રાજ્યના 20 ટકાથી વધુ ગામડા સ્થાનિક સોર્સથી જ પાણી મેળવે છે.

નીતિનભાઈએ કેમ રાજીનામું આપવાની વાત કરી ?

આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં નીતિન પટેલ આક્રમક મૂડમાં હતાં. વિધાનસભાની કાર્યવાહી દરમિયાન નીતિનભાઈ અને વિપક્ષના નેતા પરેશભાઈ વચ્ચે તડાફડી બોલી ગઈ. સુજલામ સુફલામ યોજના અંગેના આરોપનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું કે, કોઈ એમ કહેતું હોય કે સુજલામ સુફલામ યોજનાનો કોઈ લાભ નથી થયો તો તે લોટ ફાંકે છે. રાજકીય રોટલા શેકવા હળાહળ અસત્યની મદદ ન લેવાય. કોઈ વ્યક્તિ સાબિત કરી આપે કે સુજલામ સુફલામ યોજનાનો કોઈ ફાયદો નથી થયો તો હું અત્યારે જ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા તૈયાર છું. જો કે આ ઉગ્ર વાતાવરણના અગ્નિમાં વિધાનસભાના અધ્યક્ષે પાણી છાંટતાં કીધું કે તમે ભલે રાજીનામું આપો પરંતુ હું નહીં સ્વીકારું. ચાબુક આ નીતિનભાઈ રાજીનામું આપી દેશે તો સરકારના નિર્ણયોની માહિતી પ્રેસ કોન્ફરન્સ કરીને આપણા સુધી કોણ પહોંચાડશે ? નીતિનભાઈ જે રીતે પત્રકારો સમક્ષ ધીમે ધીમે બોલીને એક એક વાત ગળે ઉતરી જાય એમ બોલે છે એવું બધાનું કામ નહીં હો ચાબુક.

કોરોનાનો મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો

રાજ્યમાં ચૂંટણીના કારણે કોરોનાના કેસ વધ્યા છે કે નહીં તે પ્રશ્ન હવે વણ ઉકેલ્યા કોયડા જેવો બની ગયો છે. મુખ્યમંત્રી, નાયબમુખ્યમંત્રી સહિતના સત્તાધિશો કહી રહ્યા છે કે ચૂંટણીના કારણે કેસ વધ્યા છે તે વાત તદ્દન ખોટી છે. જ્યારે સામે વિપક્ષ આરોપ લગાવી રહ્યું છે કે કોરોનાના કેસ વધવાનું કારણ ચૂંટણી છે. વિધાનસભા ગૃહમાં આજે કોંગ્રેસના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે કહ્યું કે રાજ્યમાં કોરોનાના કેસ ચૂંટણીના કારણે જ વધ્યા છે. વિરજીભાઈએ માત્ર ભાજપને જ દોષિત ન ગણી પરંતુ પોતાની પાર્ટી કોંગ્રેસને પણ આ માટે દોષિત ઠેરવી. વિરજીભાઈએ કહ્યું કે ચૂંટણીમાં તાયફાઓ કર્યા એટલે કેસ વધ્યા છે. ચાબુક આ તાયફાઓમાં તમામ પાર્ટીઓ આવી જાય. એકેય બાકી નથી. જેમ વિરજીભાઈએ સ્વીકાર્યું કે હા અમારી પાર્ટી પણ દોષિત છે તેમ બીજા પણ સ્વીકારે તેની રાહ જોઈએ.

આખેઆખી બસ ઉપાડી ગ્યા

ઘણા બસસ્ટેશનમાં પાકીટ મારથી સાવધાન એવા સૂત્રો લખેલા તે વાંચ્યા હશે ચાબુક. પરંતુ બસ ચોરથી સાવધાન રહેવું એ હવે તંત્રને સમજાશે. કેમ કે છોટાઉદેપુર બસ ડેપોમાંથી એક શખ્સ આખી બસ લઈને ફરાર થઈ ગ્યો બોલ. છોટા ઉદેપુર બસ સ્ટેશનમાં રહેલી સરકારી બસને એક શખ્સ હંકારીને ફરાર થઈ ગ્યો, ઘટનાની જાણ થતાં જીપીએસ ટ્રેકરના આધારે તપાસ કરીને આ બસ ચોરને ઝડપી લેવામાં આવ્યો.

જનતા કર્ફ્યૂને એક વર્ષ

ચાબુક 22 માર્ચ,2020નો દિવસ યાદ કર. આજના દિવસે દેશભરમાં કોરોનાના કારણે જનતા કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. રસ્તા પર ચકલુંય ફરક્યું નહતું. ઘણા લોકોએ તો કર્ફ્યૂ કોને કહેવાય એ પણ એક વર્ષ પહેલાં જોયું હશે. સોશિયલ મીડિયામાં પણ એક વર્ષ પહેલાંની યાદો તાજી કરવા લોકો અલગ અલગ તસવીરો અને વીડિયો મૂકીને આનંદ લઈ રહ્યા છે. જે રીતે લોકોએ પાંચ વાગ્યે થાળી અને વેલણ લઈને બઘડાટી બોલાવી હતી તેને લોકો આજે યાદ કરી રહ્યા છે. ચાબુક આ એક વર્ષ કોરોના… કોરોના કરતાં કરતાં, લોકડાઉન, માસ્ક, સામાજિક અંતર, રાત્રિ કર્ફ્યૂ, પોઝિટિવ, નેગેટિવની વચ્ચે ક્યારે પસાર થઈ ગ્યું ખબરેય ના રહી. રસી પણ આવી ગઈ. તોય આ વુહાનીયો વાયરસ જવાનું નામ નથી લેતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments